Columns

પર્યટકોનું સ્વર્ગ ગણાતું ઇક્વાડોર કેવી રીતે ડ્રગ્સ માફિયાનો અડ્ડો બની ગયું છે?

લેટિન અમેરિકાનો સૌથી સુરક્ષિત દેશ ઇક્વાડોર પર્યટકોનું સ્વર્ગ ગણાતો હતો. આ દેશમાં ગાઢ જંગલો છે અને ગાલાપાગોસ જેવા આકર્ષક ટાપુઓ પણ છે, પરંતુ છેલ્લાં પાંચ વર્ષમાં ઇક્વાડોરની સ્થિતિ ખરાબથી બદતર થઈ ગઈ છે. ઈક્વાડોરમાં વર્ષ 2023માં 8 હજાર હત્યાઓ થઈ હતી. આ આંકડો 2018 કરતાં આઠ ગણો વધુ છે. આ સંખ્યા મેક્સિકો અને કોલંબિયા જેવા દેશોમાં થતી હત્યાઓ કરતાં પણ વધુ છે. આ વર્ષે જાન્યુઆરીમાં ઇક્વાડોરમાં લાઈવ શો દરમિયાન કેટલાક બંદૂકધારીઓ ટી.વી. સ્ટેશનમાં ઘૂસી ગયા હતા, જેને કારણે તે દુનિયાભરમાં કુખ્યાત થઈ ગયું હતું.  તે જ સમયે દેશના ઘણા ભાગોમાંથી જેલોમાં વિસ્ફોટ અને રમખાણોના તેમ જ અપહરણના અહેવાલો પણ હતા. બે મહિના પહેલાં જ રાષ્ટ્રપતિ બનેલા નોબોઆએ આ પછી દેશમાં ઈમરજન્સી જાહેર કરી હતી. તેઓનું નિશાન ડ્રગ્સની દાણચોરી કરતા ગુનેગારો હતા. ઈમરજન્સીની જાહેરાત કરતાં નોબોએ કહ્યું હતું કે આ નાર્કો-આતંકવાદીઓ અમને ડરાવવા માંગે છે અને તેઓ વિચારે છે કે અમે ડરી જઈશું અને તેમની માંગણીઓ સ્વીકારી લઈશું. ત્યારથી ઇક્વાડોરમાં 16 હજાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈમરજન્સી 8 એપ્રિલે પૂરી થઈ છે.

રાષ્ટ્રપતિએ કહ્યું છે કે દેશની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સેનાને ઘણી વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ નોબોઆ ગુનેગારો માટે કડક સજા સાથે કાયદો બનાવવા માંગે છે. આ ઉપરાંત તેઓ હથિયાર રાખવા અંગેના કાયદામાં પણ ફેરફાર કરવા માંગે છે. ગેંગવોરથી લોકોનું સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. લોકો ઘરની બહાર નીકળતાં ડરે છે. અપહરણ અને ખંડણી સામાન્ય ગણાય છે. સરકારે ક્વિટો અને ગ્વાયાકીલ સહિત ઘણાં શહેરોમાં રાત્રિ કર્ફ્યુ લાદી દીધો છે. દેશની રાજધાની ક્વિટોમાં ગેબ્રિએલા અલ્મેડા નામના ડૉક્ટરે જણાવ્યું કે હું દરરોજ એવાં દર્દીઓને મળું છું જેઓ જબરદસ્ત માનસિક દબાણમાં હોય છે. તેમણે તેમના ક્લિનિકના રૂટિનમાં પણ ફેરફાર કર્યો છે અને તેઓ લૂંટફાટના ડરથી રાત્રે બહાર જવાનું પણ ટાળે છે.

અલ્મેડા કહે છે કે તાજેતરમાં અહીં એક અપહરણ થયું હતું. જ્યારે હું નાની હતી ત્યારે મને આશ્ચર્ય થતું હતું કે કોલંબિયામાં આટલી બધી હિંસા શા માટે છે. મેં ક્યારેય વિચાર્યું ન હતું કે એક દિવસ આપણા દેશની હાલત આવી હશે. હવે બસમાં તમારું પાકીટ ચોરાઈ શકે છે પણ હું મૃત્યુથી ડરતી નથી. એક બાળકની માતા અલ્મેડા સ્પેનમાં સ્થાયી થવા માટે ગંભીરતાથી વિચારી રહી છે. તે કહે છે કે હું મારા પુત્રને એવી જગ્યાએ લઈ જવા માંગુ છું, જ્યાં તે હિંસા અને અપહરણના ડર વગર ફરી શકે. ઇક્વાડોરના રાષ્ટ્રપતિના અંદાજ મુજબ સમસ્યાના મૂળમાં ડ્રગનો વેપાર છે.

યુનાઈટેડ નેશન્સ અનુસાર હાલમાં વિશ્વભરમાં કોકેઈનનું ઉત્પાદન અને વપરાશ રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. 2020 અને 2021 વચ્ચે કોકેઈનનું ઉત્પાદન ત્રણ ગણું વધ્યું છે. મેક્સિકો, કોલંબિયા અને અલ્બેનિયાની ગેંગ હવે ડ્રગ્સના વેપાર માટે નવી જગ્યાઓ શોધી રહી છે. ઇક્વાડોર આ લોકો માટે યોગ્ય સ્થળ સાબિત થયું છે, કારણ કે તે વિશ્વના બે સૌથી મોટા કોકેન ઉત્પાદક દેશોની સરહદ ધરાવે છે. આ બે દેશ કોલંબિયા અને પેરુ છે. પરિણામ એ છે કે ઇક્વાડોર વૈશ્વિક વિતરણ કેન્દ્રમાં ફેરવાઈ ગયું છે, જ્યાં ડ્રગ્સનો સંગ્રહ કરવામાં આવે છે અને તેનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થાય છે, જ્યાંથી ડ્રગ્સને અન્ય દેશોમાં અંતિમ મુકામ પર મોકલવામાં આવે છે.

જ્યારે કોલંબિયાના સશસ્ત્ર જૂથ FARC એ 2016 માં શાંતિ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા, ત્યારે તે ડ્રગના વેપારથી અલગ થઈ ગયું હતું. આ ખાલી જગ્યા નાનાં જૂથો અને આંતરરાષ્ટ્રીય ગેંગ દ્વારા કબજે કરવામાં આવી હતી અને તેમણે વિદેશી બજારોમાં ડ્રગ્સ પહોંચાડવા માટે નવા માર્ગો અપનાવ્યા હતા. તેઓ પેસિફિક કિનારે સ્થિત ઇક્વાડોરના ગ્વાયાક્વિલ જેવાં બંદરો તરફ આકર્ષાયા હતા. કોકેઈનને દેશની બહાર, પ્રથમ બોટ દ્વારા અને પછી વિમાન દ્વારા, અમેરિકા અને યુરોપનાં બજારોમાં, ક્યારેક કેળાના કન્ટેનરમાં મોકલવામાં આવે છે. ઇક્વાડોરની ગેંગ મેક્સિકો જેવા અન્ય દેશોમાં ડ્રગ માફિયાઓની નજીક બની ગઈ છે.

ઇક્વાડોરની ત્રણ ચતુર્થાંશથી વધુ નિકાસ ગ્વાક્વિલ બંદર દ્વારા થાય છે. પેસિફિક મહાસાગરના કિનારે આવેલા આ બંદર પરથી મુખ્યત્વે કેળા અને પ્રોનની નિકાસ કરવામાં આવે છે. ઇક્વાડોર કોસ્ટ ગાર્ડે ચિત્રની બીજી બાજુ રજૂ કરી. તેમનું કહેવું છે કે ઇક્વાડોરમાંથી 90 ટકા ડ્રગની દાણચોરી આ બંદરમાંથી કરવામાં આવે છે. ઇક્વાડોરમાં આંતરિક સશસ્ત્ર સંઘર્ષની ઘોષણા પછી, કોસ્ટ ગાર્ડે તેનું પેટ્રોલિંગ વધાર્યું છે. કોસ્ટ ગાર્ડની ટીમના એક કમાન્ડરે કહ્યું કે ભૂતકાળમાં અમે સામાન્ય ગુનેગારો સાથે વ્યવહાર કરતા હતા; પરંતુ હવે અમે જે લોકો સાથે વ્યવહાર કરીએ છીએ તેઓ ભારે હથિયાર ધરાવનાર ગુનેગાર પણ હોઈ શકે છે.

સરકારી આંકડાઓ અનુસાર, ઈક્વાડોરની પોલીસે 2023ના પ્રથમ છ મહિનામાં 12 થી 17 વર્ષની વયનાં 1,300 બાળકોની હત્યા, ડ્રગ્સની હેરાફેરી અને હથિયાર રાખવાની શંકામાં ધરપકડ કરી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ બાળકો શાળામાંથી ભાગી ગયાં હતાં અને બંદા તરીકે ઓળખાતી કુખ્યાત ગેંગમાં જોડાયાં હતાં. આ ગેંગ મોટા ભાગે શહેરી વિસ્તારોની નજીકના ગરીબ વિસ્તારોમાં સક્રિય છે અને બાળકો તેમના પ્રભાવ હેઠળ આવે છે. તાજેતરના અહેવાલમાં અંદાજ છે કે છેલ્લા 12 મહિનામાં સમગ્ર વિશ્વમાં 15-64 વર્ષની વયનાં 296 મિલિયન લોકોએ ડ્રગ્સનું સેવન કર્યું છે. આ આંકડો એક દાયકા પહેલાં કરતાં 23% વધુ છે. સૌથી વધુ ઉપયોગમાં લેવાતી દવાઓ કેનાબીસ, અફીણ, પેઈનકિલર, હેરોઈન અને એમ્ફેટામાઈન છે.

તાજેતરનાં વર્ષોમાં કોકેઈનના ઉત્પાદનમાં પણ વિક્રમી વધારો થયો છે. સંયુક્ત રાષ્ટ્રના નિષ્ણાતોના મતે કોલંબિયામાં એક કિલોગ્રામ કોકેઈનની કિંમત 2,000 ડોલર છે, પરંતુ જ્યારે તે ઓસ્ટ્રેલિયાની જેમ અહીંથી દૂર પહોંચે છે, ત્યારે તેની કિંમત 2, 20,000 ડોલર થઈ જાય છે. અમેરિકાની ટેક્સાસ એ એન્ડ એમ યુનિવર્સિટીના ડ્રગ પોલિસી નિષ્ણાત ઇલીન ટીગ કહે છે કે કેટલાક દેશોમાં ગેરકાયદેસર વેપાર સરકારી સિસ્ટમ સાથે જોડાઈ ગયો છે. આનું સૌથી સચોટ ઉદાહરણ 1980ના દાયકામાં કોલંબિયામાં જોવા મળ્યું હતું, જ્યારે ડ્રગ માફિયા પાબ્લો એસ્કોબાર અને તેના મેડેલિન કાર્ટેલે લોકોમાં ગભરાટ ફેલાવ્યો હતો ત્યારે તેમની સંપત્તિ એક સમયે 30 અબજ ડોલરની હતી.

સુવર્ણ ત્રિકોણ તરીકે ઓળખાતા થાઈલેન્ડ, લાઓસ અને મ્યાનમારની સરહદે આવેલો દૂરસ્થ જંગલ વિસ્તાર સિન્થેટીક ડ્રગ્સ અને હેરોઈન માટે વિશ્વનું હબ બની રહ્યું છે. 2023 માં, યુનાઈટેડ નેશન્સે અહેવાલ આપ્યો હતો કે મ્યાનમાર અફઘાનિસ્તાનને પાછળ છોડીને વિશ્વનો સૌથી મોટો અફીણ ઉત્પાદક બનશે. દાયકાઓથી, મ્યાનમારમાં સરકાર સામે લડતાં બળવાખોર જૂથોની આવક ડ્રગના વેપાર પર નિર્ભર છે. ગૃહયુદ્ધ વચ્ચે છેલ્લા વર્ષમાં ખસખસનું વાવેતર વધ્યું છે. સુવર્ણ ત્રિકોણમાં સૌથી કુખ્યાત જૂથ એશિયન ગેંગ સિન્ડિકેટ સેમ ગોર છે.

2018માં સેમ ગોરે એકલા ક્રિસ્ટલ મેથના વેપારથી એક વર્ષમાં આઠ અબજ ડોલરની કમાણી કરી હતી. ઓસ્ટ્રેલિયન પોલીસ માને છે કે દેશમાં 70% ડ્રગ્સ માટે તે જવાબદાર છે. ચાની પેટીઓમાં મેથેમ્ફેટામાઈન, હેરોઈન અને કેટામાઈનની મોટા પ્રમાણમાં દાણચોરી કરવામાં આવે છે. અમેરિકાએ ચીનની કેટલીક કંપનીઓ અને લોકો પર સિન્થેટિક દવા ફેન્ટાનાઇલ બનાવતાં રસાયણોનું ઉત્પાદન કરવાનો આરોપ લગાવ્યો હતો. અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે અમેરિકામાં વિતરિત કરતાં પહેલાં આ કેમિકલને મેક્સિકો મોકલવામાં આવે છે, જ્યાં ફેન્ટાનીલ બનાવવામાં આવે છે.    
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top