આણંદ જિલ્લામાં માઈક સીસ્ટમના ઉપયોગ કરતા સમયે સાઉન્ડલીમીટર લગાવવા અંગેનું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું
રાત્રિના 10 વાગ્યાથી સવારના 6 વચ્ચે વાગતા ડીજે જપ્ત કરાશે
(પ્રતિનિધિ) આણંદ તા.22
આણંદ જિલ્લામાં અવાજ પ્રદુષણ ઉપરાંત શાંતિનો ભંગ ન થાય તે માટે અધિક કલેક્ટર દ્વારા ડીજે તથા સાઉન્ડ સીસ્ટમ પર પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા મુજબ, જિલ્લામાં કોઈ પણ પ્રકારની શાંતિનો ભંગ ન થાય અને જાહેર શાંતિ અને સલામતિ અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે માઈક સીસ્ટમ થકી થતાં અવાજના પદૂષણને અટકાવવા સાઉન્ડલીમીટર ફરજીયાત કરવામાં આવ્યું છે.
આણંદ અધિક મેજીસ્ટ્રેટે જાહેરનામામાં જણાવ્યું હતું કે, જિલ્લામાં માઈક સીસ્ટમ ભાડે આપનાર માલિક, સંચાલક, મેનેજર, ઇવેન્ટ મેનેજર સમગ્ર વરઘોડા, રાજકીય, સામાજિક અથવા ધાર્મિક શોભાયાત્રા, રેલી સરઘસમાં જાહેર રસ્તા કે જાહેર જગ્યામાં ઉપયોગ માટે તેમજ પાર્ટી પ્લોટ, ખુલ્લી જગ્યા, રહેણાકોની પાસે નજીકમાં આવેલી ખાનગી માલિકીની ખુલ્લી જગ્યામાં ઉપયોગ માટે માઈક સીસ્ટમ ભાડે આપી શકાશે નહીં. જ્યારે શાંત વિસ્તારની આજુબાજુમાં માઈક સીસ્ટમનો ઉપયોગ થઈ શકે નહીં. એકબીજા પ્રત્યે ઉશ્કેરણી થાય અને કોમ્યુનલ લાગણી ઉશ્કેરાય તેવા ઉચ્ચારણો કે ગાયનોનો માઈક સીસ્ટમમાં ઉપયોગ કરાશે નહીં. રસ્તાની ડાબી બાજુ ચાલવા, ટ્રાફીકને અડચણ ન થાય તથા ટ્રાફીકના તમામ નિયમોનો અમલ કરવાનો રહેશે. ડી.જે. સીસ્ટમ એમ્બીઅન્ટ એર ક્વોલિટી સ્ટાનર્ડડ ઈન રીસ્પેકટ ઓફ નોઇઝની જોગવાઇ મુજબ ડી.જે.સીસ્ટમ જાહેર જગ્યાએ તથા ખુલ્લા સ્થળોએ વગાડવા પર પ્રતિબંધ કરાઈ છે. પરંતુ શરતોને આધિન અગાઉથી અધિકૃત પરવાનગી મેળવેલ હોય તેની આધારે ઉપરોકત પ્રતિબંધમાંથી છૂટછાટ રહેશે. વધુમાં ફરજ ઉપરના પોલીસ અધિકારી આ અંગેની મંજૂરી પત્રક જોવા માંગે ત્યારે પરવાના ધારકોએ તે રજુ કરવા પણ જણાવ્યું છે. આ હુકમ 4થી મે 2024ના રાત્રીના 12 વાગ્યા સુધી અમલમાં રહેશે અને જિલ્લાના કોઈ પણ વ્યક્તિ આ હુકમના ભંગ બદલ શિક્ષાને પાત્ર થશે.
સૌથી મહત્વની બાબત એ છે કે, અવાજ પ્રદુષણ નિયમની જોગવાઈઓ પ્રમાણે સામાન્ય રીતે માઈક સીસ્ટમનો ઉપયોગ રાત્રીના 10 કલાકથી વહેલી સવારના 6 કલાક સુધીના સમય દરમ્યાન વગાડી ન શકાય તેવી જોગવાઈઓ હોઈ આ સમય માટે માઈક સીસ્ટમ કે વાજીંત્ર માટે કોઈ પરવાનગી આપવામાં આવશે નહીં. માઈક સીસ્ટમનો ઉપયોગ કરતા સમયે તેના ઉપર સાઉન્ડલીમીટર લગાવવા પણ જણાવવામાં આવ્યું છે.