ગાંધીનગર: ગુજરાત લોક સભા ચૂંટણીને (Lok Sabha Elections) આંગળીના વેઢે ગણાય તેટલા જ દીવસો બાકી છે. આજે 19 એપ્રિલે લોક સભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ છે. ત્યારે ગૃહમંત્રી અને ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહ (Amit Shah) વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવા પહોંચ્યા હતા.
ગઇકાલે અમિત શાહે તેમના લોકસભા મત વિસ્તારમાં રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યુ હતું. તેમણે પોતાની 7 વિધાનસભા બેઠકો પર રોડ શો કર્યો હતો. તેમજ આજે તેમણે 3 જગ્યાએ શક્તિ પ્રદર્શન કર્યા હતા. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપના કેટલાક નેતાઓની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવી હતી. તેમજ ઉમેદવારી નો.ધાવ્યા બાદ મીડિયાની પણ સંબોધી હતી.
પીએમ મોદી ગાંધીનગર બેઠકથી મતદાર
શાહે કહ્યું કે આજે મેં ગાંધીનગર બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે. મારા માટે ગર્વની વાત છે કે જે સીટનું લાલકૃષ્ણ અડવાણી અને અટલજીએ પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી પોતે અહીંના મતદાર છે. તે બેઠક પરથી પ્રતિનિધિત્વ કરવાની તક મળી માટે હું ગર્વ અનુભવુ છું. 30 વર્ષ સુધી હું ગાંધીનગરથી ધારાસભ્ય અને સાંસદ બન્યો અને જનતા માટે ઘણું કામ કર્યું. અહીંના લોકો મને ઘણો પ્રેમ આપ્યો છે. હું એક નાના બૂથ કાર્યકરમાંથી સંસદમાં પહોંચ્યો છું.
અમિત શાહે વધુમાં કહ્યું કે પહેલા સીએમ અને બાદમાં પીએમ તરીકે મોદીના નેતૃત્વમાં બીજેપી સરકારે ઘણું કામ કર્યું છે. 5 વર્ષમાં ગાંધીનગર વિસ્તારમાં 22 હજાર કરોડથી વધુના વિકાસ કામો થયા છે. મને ખૂબ જ સંતોષ છે કે જ્યારે પણ હું પાર્ટી માટે અને વિસ્તારના લોકો પાસેથી મારા માટે મત માંગવા આવ્યો છું ત્યારે તેઓએ મને દિલથી આશીર્વાદ આપ્યા છે અને હંમેશા મને ખૂબ જ મજબૂત બહુમતીથી જીતાડ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા
ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સહિત ભાજપના દિગ્ગજ નેતાઓની હાજરીમાં અમિત શાહે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેઓએ જીતના ઈરાદે આ વખતે ફોર્મ ભર્યું છે. તેમને આશા છે ગાંધીનગર શહેરની જનતા તેમને જ જીતાડશે. શાહે 12:39 વાગ્યાના વિજય મુહૂર્તમાં ગાંધીનગરના કલેક્ટર કચેરીએ તેમનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમજ અમિત શાહની હાજરીને પગલે ગાંધીનગરમાં મજબૂત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી.
ગૃહ મંત્રીની ઉમેદવારી નોધાવાની પ્રક્રીયાને પગલે જિલ્લા વહીવટી તંત્રને એલર્ટ મોડ ઉપર રાખી દેવામાં આવ્યું હતું. અમિત શાહ અમદાવાદથી સીધા જ કલેક્ટર કચેરી ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. ત્યારે પ્રોટોકોલ મુજબ ઘ-0થી કલેક્ટર કચેરી સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.