બાબા રામદેવ અને તેમની કંપની ‘પતંજલિ’થી કોણ અજાણ છે. યોગ અભ્યાસને પ્રચલિત કરવામાં રામદેવનું યોગદાન મહત્ત્વનું છે. પણ આજકાલ તેઓ ખોટાં કારણોસર સમાચારમાં છે. પ્રસિધ્ધિના નશામાં ચકચૂર બાબા અને તેમની કંપની વ્યાવસાયિક નૈતિકતાના બધાં ધોરણોને કોરાણે મૂકીને આયુર્વેદના નામે ધંધો કરતી રહી જેનો સીધો સંબંધ લોકોના આરોગ્ય સાથે છે! આજે આ લખાય છે ત્યારે બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિશ્નએ બિનશરતી માફી લખી આપવાની રજૂઆત કરી છે. પણ, આ કિસ્સામાં વ્યાવસાયિક પેઢી, રાજસત્તા અને મિડિયાની પરસ્પર નજદીકીથી ઊભું થતું મિશ્રણ કઈ હદે સમાજ માટે ઝેરી સાબિત થાય છે એ સમજવા જેવું છે.
પાછલાં વર્ષોમાં વૈકલ્પિક ચિકિત્સાપધ્ધતિ તરફનો ઝોક વધ્યો છે. એમાં આયુર્વેદ મોખરે છે કારણકે એનાં મૂળિયાં ભારતીય સંસ્કૃતિમાં હોવાને કારણે એ પરિચિત લાગે છે. વળી, સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના જુવાળમાં ભારતીય પરંપરામાંથી જન્મેલા આયુર્વેદને ઝડપથી જન સમર્થન મળ્યું. સરકારે પણ વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિને ટેકો કરવા અલગ આયુષ મંત્રાલય ઊભું કર્યું છે. છેલ્લા દાયકામાં જેનો વિકાસ 500 ટકા જેટલો હતો! આ લહેર પર સવાર પતંજલિનો ધંધો ખૂબ ઝડપે વધ્યો. પ્રશ્ન ત્યારે ઊભો થયો કે બજારમાં સતત વધતી માંગના ઘોડા પર સવાર બાબા રામદેવ અને આચાર્ય બાલક્રિશ્ના વ્યાવસાયિક નૈતિકતાના પાયાના સિધ્ધાંત ચૂકી ગયા.
દુનિયા હજુ કોવિડ-19ને સમજી રહી હતી ત્યારે જૂન 2020માં જ બાબા રામદેવે કોરોનીલ નામની દવાને કોરોનાના ઈલાજ તરીકે રજૂ કરી. કોરોનીલની જાહેરાતના પ્રસંગમાં તે સમયના આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધન અને કેબિનેટ મંત્રી નીતિન ગડકરી પણ હતા! મંત્રીઓની હાજરીમાં થયેલા પ્રચારને કારણે ચાર મહિનામાં 250 કરોડની કોરોનીલ કીટ વેચાઈ! મેડિકલ એસોસીએશન ઓફ ઈન્ડિયા (ડોક્ટરોનું સંગઠન) એ જ્યારે આર.ટી.આઈ. કરી તો ખબર પડી કે કોરોનીલને આયુષ મંત્રાલયે માત્ર ઇમ્યુનિટી બુસ્ટર તરીકેનું પ્રમાણપત્ર આપ્યું હતું! વાત માત્ર કોરોનીલથી અટકતી નથી.
પતંજલિની દવાઓ બ્લડ પ્રેશર, અસ્થમા અને ડાયાબિટીસ જેવા રોગને કાયમી મટાડી શકે છે એવી જાહેરાત કરવામાં આવે છે, પણ એ માટે જરૂરી કોઈ વૈજ્ઞાનિક પુરાવા કંપની પાસે નથી. એટલું જ નહીં, ડ્રગ્સ અને મેજિક રેમેડિસ (વાંધાજનક જાહેરાતો) એક્ટ – 1954ની મુજબ આ રોગની દવાઓની જાહેરાત કરવા પર પ્રતિબંધ છે કારણ કે આ ‘મટી ના શકે એવા રોગો’ની યાદીમાં આવે છે.
કોઈ પણ પુરાવા વગરના દાવા ગ્રાહકને ગેરમાર્ગે દોરનારા ગણાય અને કાયદાનું છડેચોક ઉલ્લંઘન એ ગુનો ગણાય. રામદેવ પર વિશ્વાસ મૂકી કોઈ પોતાનો એલોપથી ઈલાજ છોડી દેનારા કેટલાય હશે!
વાત ત્યાં અટકી નહીં. રામદેવે જાહેરમાં એલોપથી વિરુધ્ધનો સૂર પકડ્યો અને એલોપથીને ‘મૂરખ’ અને ‘દેવાળિયું વિજ્ઞાન’ કહેવાનું શરૂ કર્યું. એ વાત સાચી કે એલોપોથી ચિકિત્સા પધ્ધતિનું ટીકાત્મક મૂલ્યાંકન કરવાની જરૂર છે. વળી, ફાર્મા કંપની અને વ્યાપારી ધોરણે કામ કરતાં ચિકિત્સકો વચ્ચે ચાલતા ગાંધી-વૈદ્યના સહિયારાની તપાસ પણ જરૂરી છે. પણ અત્યારે જીવન બચાવનારી મોટા ભાગની દવાઓ એલોપથીની દેન છે. માણસનું સરેરાશ આયુષ્ય 75 વર્ષથી ઉપર પહોંચ્યું છે એનું શ્રેય પણ એલોપથીને આપવું પડે. વૈજ્ઞાનિક ઢબે થતાં નિદાન, ઈલાજ અને સર્જરી આધુનિક વિજ્ઞાનની મોટી ઉપલબ્ધિ છે એ વાતને કઈ રીતે અવગણી શકાય?
એટલે જ ઇંડિયન મેડિકલ એસોસીએશને પતંજલિ વિરુધ્ધ કેસ કર્યો. જેના સંદર્ભે નવેમ્બર 2023માં આચાર્ય બાલક્રિશ્નએ સુપ્રીમ કોર્ટને ખાતરી આપી હતી કે પતંજલિ વાંધાજનક જાહેરાતો હટાવી લેશે. પણ, એક જ મહિનામાં એ જાહેરાતો અખબારોમાં ફરી દેખાઈ! કોર્ટે એફિડેવિટ કરવાનું કહ્યું તો એની કોપી કોર્ટ પહેલાં મિડિયાને પહોંચી ગઈ! કોર્ટે રૂબરૂ ઉપસ્થિત થવા કહ્યું તો પ્રવાસનું બહાનું બતાવ્યું, જેની ટિકિટ કોર્ટની તારીખ પછીના દિવસની હતી! કોર્ટની આવી અવમાનના કરવી એ તો ઘમંડ કહેવાય.
આવી ધૃષ્ટતા દાખવવાની હિમ્મત ક્યાંથી આવી હશે? રાજકારણીઓ સાથેના ઘનિષ્ઠ સંબંધ એમને બચાવી લેશે એવી કોઈ ધારણાથી બાબા પ્રેરિત હશે એવી શંકા અસ્થાને નથી લાગતી. કોર્ટે સરકાર સામે પણ કડક શબ્દો વાપર્યા છે. જ્યારે પતંજલિ દેશ આખા દેશને ગેરમાર્ગે દોરવી રહી હતી ત્યારે સરકારે આંખ આડા કાન કર્યા. કાયદાની જોગવાઈ પ્રમાણે કંપની સામે બે વર્ષ પહેલાં જ પગલાં લેવાઈ જવાં જોઈતાં હતાં એ વાત કોર્ટે કડક શબ્દોમાં કહી છે.
સવાલ તો એ બધા પ્રસાર માધ્યમો સામે પણ ઊઠવો જોઈએ, જે કોર્ટના આદેશ પછી પણ પતંજલીની જાહેરાતો બે-ઝીઝક પ્રસારિત કરતાં રહ્યા. પતંજલિએ 2022માં જાહેરાત પાછળ આશરે 290 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. આવકનો આટલો મોટો સ્રોત કોણ ગુમાવે? આ નાણાંના બોજ હેઠળ મોટા ભાગના પ્રસાર માધ્યમો એવાં દબાયેલાં છે કે આજે જ્યારે પતંજલિની વ્યાપારી રીતો સામે પ્રશ્નો ઊભા થયા છે ત્યારે એ અંગેની ચર્ચા નહિવત્ છે.
પતંજલિનો કેસ આયુર્વેદ કે યોગની વિરુધ્ધ બિલકુલ નથી. સોશ્યલ મિડિયા પર શરૂ થયેલા આવા દુષ્પ્રચાર ના છટકામાં ફસાવાથી બચવું જરૂરી છે. આ કેસ પ્રભાવી કંપનીનું ઘમંડી વલણ, સત્તાધીશોની મિલીભગત, નિયમનકારી સંસ્થાઓની ઉદાસીનતા અને પૈસા સામે ઝૂકતા પ્રસાર માધ્યમોના વાંધાજનક મિશ્રણને દર્શાવે છે. નૈતિક મૂલ્યોને બાજુએ મૂકી સડસડાટ આગળ વધતાં બજારી પ્રવાહમાં માણસ એક ગ્રાહક માત્ર છે, જે નફો કમાવા માટેનું એક માધ્યમ માત્ર બની ગયો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.