ગાંધીનગર: (Gandhinagar) ગુજરાતમાં આજે અચાનક ગરમીનો (Hot) પારો ઊંચો જવા સાથે અમરેલી, રાજકોટ અને વડોદરામાં ગરમી 44 ડિગ્રીએ પહોચી ગઈ હતી. બીજી તરફ ભાવનગરમાં આજે તીવ્ર હિટ વેવની અસર જોવા મળી હતી. જ્યારે પોરબંદર, જુનાગઢ અને સુરત જિલ્લામાં પણ હિટવેવની અસર જોવા મળી હતી, લોકસભાની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે બપોરે તેના પ્રચારકાર્યને અસર થઈ હતી.
- પોરબંદર અને જૂનાગઢમાં ઓરેન્જ એલર્ટ, ત્રણેક દિવસ રાહતની કોઈ આશા નહીં
- રાજ્યમાં કાતિલ હિટવેવ, અમરેલી, રાજકોટ અને વડોદરામાં 44 ડિગ્રી
- દમણ અને કંડલા દરિયાકિનારા સિવાય મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીના પાર
હવામાન વિભાગના વૈજ્ઞાનિકો મુજબ, રાજ્યમાં આગામી 72 કલાકમાં ગરમીના પ્રમાણમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી, જો કે ત્યારબાદ બેથી ત્રણ ડિગ્રી ગરમી ઘટી શકે છે. અલબત્ત, પોરબંદર અને જુનાગઢમાં હિટવેવની ચેતવણી ઈશ્યુ કરાઈ છે. ખાસ કરીને સીધા ગરમીમાં જવાનું ટાળવું તેવી સલાહ અપાઈ છે. એટલું જ નહીં પાણી, લીંબુ પાણી, લસ્સી, છાશ સતત પીતા રહેવું તેવી સલાહ અપાઈ છે. જ્યારે સૌરાષ્ટ્ર – કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ તથા ભેજવાળી હવાના કારણે વાતાવરણ બેચેનીભર્યુ લાગશે.
અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સૂત્રોએ કહ્યું હતું કે, આજે અમદાવાદમાં 42 ડિ.સે., ડીસામાં 41 ડિ.સે., ગાંધીનગરમાં 40 ડિ.સે.,વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિ.સે., વડોદરામાં 44 ડિ.સે., સુરતમાં 42 ડિ.સે., દમણમાં 36 ડિ.સે., ભૂજમાં 42 ડિ.સે., નલિયામાં 40 ડિ.સે., કંડલા પોર્ટ પર 37 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 42 ડિ.સે., અમરેલીમાં 44 ડિ.સે., ભાવનગરમાં 42 ડિ.સે., રાજકોટમાં 44 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 43 ડિ.સે., મહુવામાં 43 અને કેશોદમાં 43 ડિ.સે. મહત્તમ તાપમાન નોંધાયું હતું.