Comments

ચીન હવે યુગલોને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહન આપી રહ્યું છે

ભારતે વસતીની દૃષ્ટિએ ચીનને પાછળ મૂક્યું તેને માંડ એક વર્ષ થયું છે. ચીનનો વસતીવિસ્ફોટ અટક્યો તેનું મોટું કારણ ચીન દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ‘વન ચાઇલ્ડ પૉલીસી’ છે એવું નિષ્ણાતોનું કહેવું છે. ચીનની સરકારે આ કાર્યક્રમ આખા દેશમાં ૧૯૮૦માં વસતી વધારાને નિયંત્રિત કરવા માટે અમલમાં મૂક્યો. આ વન ચાઇલ્ડ પૉલીસી ૨૦૧૬માં પૂરી થઈ. અત્યારે તો ચીન પોતાને ત્યાં વસતી કેમ વધે અને નવપરિણીત યુગલ કઈ રીતે વધુ બાળકો જન્મે તે માટેનું આયોજન કરવું પડે તે પરિસ્થિતિ છે. આમ થવાનું કારણ ચીનમાં વૃદ્ધોની વધતી જતી સંખ્યા અને દીકરો જન્મે તે લાલસામાં મોટા પાયે થયેલ ‘ભૃણહત્યા’ છે. ચીન આજે લગ્નોત્સુક પુરુષો સામે સ્ત્રીઓની મોટી ઘટનો સામનો કરી રહ્યું છે. વન ચાઇલ્ડ પૉલીસીને કારણે ૧૯૮૦ પછી ફર્ટિલિટી રેટ ઘટ્યો એ હકીકત છે.

ફર્ટિલિટી રેટ એટલે એક સ્ત્રી દીઠ કેટલાં બાળકો પેદા થાય છે તે. સામાન્ય રીતે ફર્ટિલિટી રેટ જ્યારે બેથી ઓછો થાય ત્યારે વસતી ઘટવા માંડે અને જન્મદર ઘટે તેને કારણે ઘટતી વસતી દેશને વધુ ઘરડો બનાવે. સામાન્ય રીતે ૧૫થી ૫૯ વર્ષની ઉંમર ‘વર્કિંગ એજ’ એટલે કામ કરવા માટેની ઉંમર ગણાય છે. ફર્ટિલિટી રેટ જો ઘટતો જ જાય તો ઉપલબ્ધ માનવબળ ઘટે અને તેને કા૨ણે ઉપલબ્ધ ૧૫થી ૫૯ વર્ષના વયજૂથમાં આવતું કામ કરી શકે એવું માનવબળ ઘટે, જેની અસર ઉત્પાદન પર પડે અને જીડીપીનો વૃદ્ધિદર ઘટવા માંડે.

ચીનની સરકારના અંદાજ મુજબ વનચાઇલ્ડ પૉલીસીના કારણે ૪૦ કરોડ જેટલાં બાળકોને જન્મતાં અટકાવાયાં હતાં. જો કે, આ સંખ્યા અંગે વાદવિવાદો છે, કારણ કે, બીજા બાળકને સંતાડીને રાખવું અથવા રજિસ્ટર ન કરાવવું એ વાત પણ ચલણમાં આવી એટલે સાચો આંકડો નક્કી કરવાનું મુશ્કેલ છે. અગાઉ જણાવ્યું તેમ દીકરો જન્મે તે પસંદગી હોવાને કારણે સેક્સરેશિયો પુરુષોની તરફેણમાં ઝૂકવા માંડ્યો. બ્રિટાનિકાના સંશોધનમાં જણાવાયું છે કે ૨૦૧૬ની સ્થિતિએ સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોની સંખ્યા ૩.૩૬ કરોડ વધારે હતી.

એક જ બાળક પેદા કરવાનું હોય અને તેમાં પણ દીકરો આવે તેવો પક્ષપાત હોય તેને કારણે ચીનમાં ઘણી મોટી સંખ્યામાં ભ્રૂણહત્યા તેમજ ગર્ભપાત થયાં છે. વન ચાઇલ્ડ પૉલીસીની નીતિના કારણે દીકરીઓને ત્યાગી દેવામાં આવે, અનાથાશ્રમમાં મૂકી આવવામાં આવે અથવા એથી પણ ખરાબ, એટલે કે મારી નાખવામાં આવે તેવા બનાવો વધતા ગયા. વન ચાઇલ્ડ પૉલીસી સાથે ચાલનાર કુટુંબોને સરકાર આકર્ષક પ્રોત્સાહન લાભો પણ આપતી હતી. સાથોસાથ નોકરી માટે પણ વિશેષ વિકલ્પો ઉપલબ્ધ કરાવાતા હતા. આ પૉલીસી સાથે જે માબાપો દ્વારા તાલમેળ ન સાધવામાં આવ્યો તેમના વધારાનાં બાળકો રજિસ્ટ્રેશન વગરનાં એટલે કે બેનામી રહ્યાં જેને કારણે ઘણા બધા ગૂંચવાડાઓ ઊભા થયા છે. આવાં બાળકોને શિક્ષણ અથવા આગળ જતાં કામ મેળવવામાં તકલીફો પડી હોવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

ચીનની સરકારે આ કારણથી વન ચાઇલ્ડ પૉલીસીને તિલાંજલિ આપી, આમ છતાંય ચીનનો ટોટલ ફર્ટિલિટી રેટ નીચો રહ્યો છે, જેને કારણે ઊભી થના૨ સમસ્યાઓનો સામનો કરવો પડશે. ચીનની વસતીની સરેરાશ વય વધી રહી છે એટલે કે વયસ્ક લોકોની સંખ્યા વધતી ચાલી છે, જે આગળ જતાં ચીન માટે આર્થિક વિકાસ તેમજ આ સિનિયર સિટિઝન્સ માટેની સવલતો વગેરે પૂરી પાડવાના મોટા પ્રશ્નો ઊભા કરશે. ચીન આ કારણથી ઘટતી જતી વસતીના પ્રશ્ને ચિંતિત બન્યું છે અને એણે યુગલોને વધુ સંતતિ પેદા કરવા માટે પ્રોત્સાહનો આપવાની શરૂઆત કરી છે. આથી ઉલટું ભારતમાં હજુ પણ વસતીવધારો જોવા મળશે અને આવનાર વીસથી પચીસ વર્ષ બાદ ભારતની વસતી પણ ઘટવા માંડશે.
ડૉ. જયનારાયણ વ્યાસ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top