ગયા અઠવાડિયે ઉ.પ્રદેશના કુખ્યાત માફિયા ડોન તરીકે જાણીતા મુખ્તાર અંસારીનું મૃત્યુ જેલમાં થયું. આપણી સામાન્ય પ્રજાની સમજની વિડંબના જુઓ કે તે વ્યકિતગત પૂજા એટલું માને છે કે તેમના માટે તે વ્યકિત કોણ છે એ ગૌણ છે. મુખ્તાર અંસારીએ ઉ.પ્રદેશમાં કેટલાંયે ગેરકાનૂની કામ કર્યાં છે. પૈસા અને ગુંડાગીરીના ડરથી પ્રજાએ કયારેય એનો વિરોધ ન કર્યો. કદાચ થોડા ગરીબોને પૈસાનું દાન કરી પોતાને રોબીનહુડ માનતો. પણ આખરે તો એ સભ્ય ભાષામાં માફિયા અને સામાન્ય ભાષામાં ગુંડો જ હતો. જે પણ હોય, આવી વ્યકિત માટે રાજકારણ શરૂ થઇ ગયું. તેને ઝેર આપી મારી નંખાયો એવા પ્રચાર એનો પરિવાર કરે છે.
આ બાબત તપાસનો આદેશ અપાયો છે. પરિણામ જયારે આવે ત્યારે ખરું. ટી.વી. ચેનલો હંમેશ પ્રમાણે આખા મામલામાં કૂદી પડી અને આખો દિવસ એની જ ચર્ચા ચલાવી. જાતજાતની વાતો ફેલાવી. (અમે પ્રથમ શોધી કાઢયું એમ કહીને) હવે એ સમજાતું નથી કે આવા માણસના મૃત્યુ બાબત આટલો ઉહાપોહ શા માટે? એની કબરના ખાડાની સાઇઝ સુધી ચેનલવાળા કેમેરામેન સાથે પહોંચી ગયા. શું દેશમાં કે દુનિયામાં બીજા સારા કે નરસા બનાવ નથી બનતા? કેજરીવાલ જેવા નેતાના બચાવમાં જર્મની, અમેરિકા કે યુનો સુધ્ધાં કૂદી પડે છે.
એને કોઇ કેમ નથી પડકારતું? ખેડૂતોનું આંદોલન ભૂલાઇ ગયું? આ વરસે ચોમાસું કેવું જશે એ બાબત વેધશાળાના નિષ્ણાતોની આગાહીની ચર્ચા કેમ નથી થતી? ચૂંટણી લડનારા ઉમેદવાર બાબત પક્ષના પ્રવકતાઓની અશોભનીય ટીકા બાબત શા માટે કોઇ બોલતું નથી કે જવાબ માગતું નથી. ખેર, હમણાં તો કેજરીવાલ અને એમનો પક્ષ ચર્ચામાં છે એટલે બીજું બધું બાજુ પર રહી ગયું છે. આશા રાખીએ આજની સમજદાર પ્રજા ચેનલોના અતિરેક પર પોતાની પ્રતિક્રિયા આપે.
હૈદ્રાબાદ – જીતેન્દ્ર શાહ –આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.