સીકર: (Sikar) રાજસ્થાનના (Rajasthan) સીકર જિલ્લામાં રવિવારે એક દુ:ખદ અકસ્માતમાં સાત લોકોના મોત થયા છે. એક ઝડપી કાર અને ટ્રક વચ્ચે ભયાનક અથડામણ થઈ હતી. આ અકસ્માતમાં ત્રણ મહિલા અને બે બાળકો સહિત કુલ સાત લોકો દાઝી ગયા હતા. પોલીસે આ અંગે માહિતી આપી છે. પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ અકસ્માત આર્શીવાદ પુલિયા પાસે થયો હતો. આગને કારણે કારમાં મુસાફરી કરી રહેલા લોકોના મોત થયા હતા. કારમાં કુલ સાત લોકો સવાર હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ, બે બાળકો અને બે પુરૂષોનો સમાવેશ થાય છે.
મળતી માહિતી મુજબ બ્રિજ પર પૂરપાટ જઈ રહેલી કાર તેની આગળ જઈ રહેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માત બાદ કારમાં આગ એટલી તીવ્ર હતી કે થોડી જ વારમાં આગએ કારને લપેટમાં લીધી હતી અને કારમાં સવાર લોકોને બહાર નીકળવાનો મોકો મળ્યો નહોતો. નાયબ પોલીસ અધિક્ષક ફતેહપુર સર્કલ રામપ્રતાપ બિશ્નોઈએ જણાવ્યું કે કારમાં સવાર તમામ લોકો ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી હતા. સાલાસર બાલાજી મંદિરથી હિસાર જઈ રહ્યા હતા. આ દરમિયાન તે અકસ્માતનો શિકાર બન્યા હતા.
અકસ્માતની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. કારમાં સવાર મૃતકની ઓળખ હજુ થઈ નથી. ઘટનાસ્થળે હાજર ફતેહપુર શેખાવટી પોલીસ મૃતકની ઓળખ કરવામાં વ્યસ્ત છે.
કારનો દરવાજો ખુલ્યો નહીં
અધિકારીએ જણાવ્યું કે આગને કારણે કારના દરવાજા ખુલી શક્યા ન હતા. જેના કારણે તમામ કારની અંદર ફસાઈ ગયા હતા. બહાર ન નીકળી શકવાને કારણે કારમાં સવાર ત્રણ મહિલાઓ, બે બાળકો અને બે પુરૂષો જીવતા સળગી ગયા હતા. અધિકારીએ કહ્યું કે મૃતકની ઓળખ માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે ટ્રક અને કારમાં લાગેલી આગને ભારે જહેમત બાદ ઓલવવામાં આવી હતી.