છીપવાડમાં ડીસીપી સહિતના ટીમે રેડ કરી 326 કિલો ગૌમાંસ સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
6 આરોપીઓના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા
પ્રતિનિધિ વડોદરા તા.8
વડોદરા સિટી વિસ્તારમાં આવેલા છીપવાડમાં ડીસીપી ઝોન 4 સહિતની ટીમે રેડ કરીને 326 કિલો ગૌમાંસ સહિતના મુદ્દામાલ 6 જણાને ઝડપી પાડ્યા હતા. આરોપીઓના એક દિવસના રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરતા ભાલેજનો ઇમરાન કુરેશી ગૌમાંસ આપી જતો હતો. ઉપરાંત ગૌમાંસથી સમોસા બનાવીને તેનું સમગ્ર શહેરમાં તેનું વેચાણ કરાતું હતુ. જેથી પોલીસે સપ્લાયરની ધરપકડ કરી લીધી છે. જ્યારે 6 આરોપીઓના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયા હતા.
વડોદરા શહેરના સંવેદનશીલ વિસ્તારમાં આવેલા છીપવાડ ચાબુકસવાર મહોલ્લામાં મકાનોમાં ચિકન મટન ક્રશ કરવાના આધુનિક મશીનવાળી મિનિ ફેક્ટરી બનાવીને ગૌમાંસમાંથી સમોસા બનાવી આખા શહેરમાં વેચાણ કરતા હોવાની બાતમીના આધારે ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીઓની ટીમે છીપવાડમાં રેડ કરી હતી. જેમા મહંમદયુસુફ ફકીરમહંમદ શેખના મકાનમાંથી 326 કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે એફએસએલ અધિકારી પાસે ચકાસણી કરાવતા આ ગૌમાંસનો જથ્થો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી મુખ્ય આરોપી પિતા મહંમદયુસુફ શેખ તેના પુત્ર મહંમદનઇમ શેખ તથા કારીગરો મહંમદહનિફ ગનીભાઇ (ભઠીયારા), દિલાવરખાન ઇસ્માઇલખાન પઠાણ, મોઇન મહેબૂબશા હબદાલ તથા મોબીન યુસુફભાઇ શેખને ઝડપી પાડયા છે. મકાનમાંથી 326 કિલો ગૌમાંસ અને સાધનો સહિત 49 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. જેમાં તપાસ સિટી પોલીસને સોંપાઇ હતી. પોલીસે તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરતા કોર્ટે એક દિવસના મંજુર કર્યા હતા. આરોપીની પૂછપરછમાં આણંદના ભાલેજ ખાતે રહેતા ઇમરાન ઉર્ફે દાહોદી યુસુફ કુરેશીને ગૌમાંસ સપ્લાય કરતો હોય તેને ઝડપી પાડ્યો હતો.. ડીસીપી ઝોન 4 પન્ના મોમાયાએ જણાવ્યું હતું કે છીપવામાંથી 326 કિલો ગૌમાંસનો જથ્થો સપ્લાય કરનાર આરોપીને ઇમરાન કુરેશીને ધરપકડ કરી લેવામાં આવી છે. સમોસા બનાવનાર આરોપીઓએ ગૌમાંસમાંથી બનાવેલા સમોસા આખા શહેરમાં સપ્યાલ કરાતા હોવાની કબૂલાત કરી છે. જેથી 6 આરોપીના રિમાન્ડ પુરા થતા જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે.
– ગૌમાંસના સપ્લાયરને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરાયો
વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં ચિકન અને મટનમાંથી બનાવેલા સમોસાનું વેચાણ કરવામાં આવતું હોય છે. ત્યારે સિટી પોલીસ દ્વારા છીપવાડમા ગૌમાંસ સપ્લાય કરનાર આરોપી ઇમરાન અન્ય કોને કોને માલ આપતો હતો. તેની પૂછપરછ કરવા માટે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડની માગણી કરાઇ છે.