ભરૂચ: (Bharuch) ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) રવિવારે રાજપીપળા આવ્યા હતા. જો કે અગાઉ બીજી એપ્રિલે રાજપીપળા આગમનનો કાર્યક્રમ હોવા છતાં અનિવાર્ય સંજોગોને કારણે રદ થયો હતો. જેને લઈને ફરીવાર તા-૭મી એપ્રિલના રોજ તેઓ રાજપીપળા આવ્યા હતા.
- મુખ્યમંત્રીએ રાજપીપળા કમલમ ખાતે નર્મદા ભાજપનાં આગેવાનો સાથે બેઠક યોજી
- હરસિધ્ધિ માતાજીના દર્શન કરી ભૂપેન્દ્ર પટેલે કમલમ પર ત્રણ કલાક રોકાઈને સિનિયર નેતાઓ અને સામજિક આગેવાનો સાથે સંવાદ કર્યો
મુખ્યમંત્રી ગાંધીનગરથી રાજપીપળા હેલીપેડ પર હેલિકોપ્ટર દ્વારા સવારે આવી પહોંચ્યા હતા. જ્યાંથી સીધા હરસિધ્ધિ માતાજી મંદિરે આવીને દર્શનનો લાભ લીધો હતો. રાજપીપળા ખાતે સાંસદ મનસુખ વસાવા, ગીતાબેન રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ, ધારાસભ્ય ડો.દર્શના દેશમુખ સહિત આગેવાનોએ સીએમ ભૂપેન્દ્ર પટેલને આવકાર્યા હતા. ત્યાંથી તેઓ સીધા નવનિર્મિત નર્મદા કમલમ કાર્યાલય ખાતે પહોંચી જઈને ભાજપના સિનિયર કાર્યકર્તાઓ સાથે વિસ્તૃત ચર્ચા માટે બેઠકમાં પહોંચ્યા હતા.
મુખ્યમંત્રીએ દીપ પ્રાગટ્ય કરી બેઠકને ખુલ્લી મૂકી હતી. મુખ્યમંત્રી કમલમ ખાતે વિવિધ આગેવાનોની મુલાકાત કરી સમાજિક આગેવાનો સાથે ચર્ચા કરી હતી. ત્રણ કલાક કમલમ ખાતે બેઠક કરી નર્મદાથી હેલિપેડ પર પહોચીને ગાંધીનગર જવા માટે નીકળી ગયા હતા.