Charchapatra

ડુપ્લીકેટ આઇટમ પર જ માર્કેટ ચાલે છે?

ખાદ્ય સામગ્રી હોય કે કોઇ ચીજ વસ્તુ હોય ડુપ્લીકેટ કોઇ ખૂણો છોડયો નથી. એવું લાગે કે પહેલા આટલું ડુપ્લીકેટનું ચલણ હતું જ નહીન પણ ખરેખર વિચારો તો ખ્યાલ આવી જ જાય કે પહેલા પણ ડુપ્લીકેટનું ચલણ તો ધમધમતું જ હશે પણ તે અંદર ખાને સમેટી લઇને સો.મિ. સુધી એટલે કે તે સમયનો પ્રેસ મિડીયા સુધી પહોંચે કે નહીં પહોંચે તે પહેલા અંદરો અંદર સમેટી લેવામાં આવતું હશે! જયારે આજે સો.મી.ની ત્રીજી આંખ એવી ચાલે છે કે ભીનુ સમેટી લેવાની પરિસ્થિતિ જ રહી નહી હોવાથી બનતી સારી કે ખરાબ ઘટના લોકો સુધી દાર્શનિક પુરાવાઓ સહિત જોવા મળી જાય છે અને તેને કારણે આપણને એવું લાગે છે કે ડુપ્લીકેટ ચારેકોર બેફામ ચાલે છે અને તંત્રએ પણ સજાગ થઇ તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જ પડે છે અને ત્યાર પછી જેવા સાહેબ તેવી વાત બહાર આવે છે.

તો પણ ડુપ્લીકેટનું ચલણ પહેલા ઉલ્હાસનગર પંકાયેલું હતું તેનુ સ્થાન ચીને લઇ લીધું અને હવે ભારત પણ તે તરફ પગદંડો જમાવે તે પહેલા એવો કાયદો વ્યવસ્થા ગોઠવવી જોઇએ કે ડુપ્લીકેટનો વિચાર કરનારને મમ્મર આવી જાય. ડુપ્લીકેટ ચીજવસ્તુ ખાદ્ય પદાર્થ બનાવવાના મોટા મોટા મશીનો સાધન સામગ્રી અને તેના તાલિમ પામેલ માણસો મળી જાય અને ધમધોકાર તે ચાલે અને લાખો કરોડોનો વેપાર કરી નાંખે ત્યારે કોઇ તે કારખાનાનો વિડીયો ફરતો કરે પછી તંત્રને ખબર પડે તે તો પેલા જેવી વાત થઇ કે પોલીસ સ્ટેશનથી 100 મીટર દૂર દારૂનો અડ્ડો ચાલતો હોય તે બધાને ખબર હોય પો.સ્ટે.ને જ ખબર નહીં હોય! સામાન્ય નાગરિકે ચેતીને ચાલવુ પડે તેવો બારીક સમય ચાલે છે. જાગતા રહેવુ અને બીનજરૂરી ચીજવસ્તુ કે ખાદ્ય પદાર્થથી દૂર રહેવું તે જ તેનો ઉપાય છે જેથી તેનો વપરાશ ઘટતા ડુપ્લીકેટના તાળા જ લાગી જાય.
સુરત     – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

વૃક્ષો કપાતા ગરમીમા અસહ્ય વધારો
ઉનાળો છે અને તેની અસહ્ય ગરમી પડી રહી છે. અસહય ગરમીનું મુખ્ય કારણ ઝડપથી ઘટતી જતી હરિયાળી અને વૃક્ષારોપણનું નહિવત પ્રમાણ છે. માનવીઓના હાથે કપાતા જતા જંગલો અને વાહનોના ઝેરી ધુમાડાથી પેદા થતું પ્રદૂષણ કાળઝાળ ગરમીના મુખ્ય પરિબળો છે. દરેક વ્યકિત માત્ર એક જ વૃક્ષ વાવે અને તેની યોગ્ય માવજત કરે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે તેમ છે.

ભૂતકાળમાં બેંગ્લુરુ શહેરની મહાનગરપાલિકા દ્વારા વૃક્ષારોપણ ઉછેર કરનારને કરવેરામાં પાંચથી દસ ટકા રાહત આપવાનું પગલું લેવામાં આવ્યું. આવી વૃક્ષારોપણ ઉછેરની યોજના તમામ શહેરોની નગરપાલિકાઓ અને ગ્રામ પંચાયતો દ્વારા અમલમાં મુકવામાં આવે અને હરિયાળી વગરના બાંધકામ પર વધુ વેરો નાંખવામાં આવે તો તેના ઉત્તમ પરિણામો પ્રાપ્ત થાય તેમ છે. ઔદ્યોગિક એકમોએ પણ સામાજિક જવાબદારી સમજીને વૃક્ષારોપણની કામગીરી ઉપાડી લેવાની તાતી જરૂર છે.
પાલનપુર           – મહેશ વી. વ્યાસ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top