વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
ગાઈડલાઈન મુજબ 45 દિવસ સુધીમાં પરિણામ જાહેર કરવાના હોય છતાં 100 દિવસ ઉપરાંતના સમય બાદ પણ પરિણામ જાહેર કરાયું નથી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પાંચમા સેમેસ્ટરની ગત વર્ષના ડિસેમ્બર મહિનામાં પરીક્ષા લેવાઈ હતી. જે પરીક્ષાના પરિણામ 100 દિવસ વીતી ગયા છતાં હજી સુધી જાહેર નહીં કરાતા વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઈ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. તેમજ વહેલી તકે જો પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની પાંચમા સેમેસ્ટરની પરીક્ષા ગત વર્ષ 2024ના ડિસેમ્બર મહિનાની 18મી તારીખે લેવાઈ હતી. યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ 45 દિવસ સુધીમાં પરિણામ જાહેર કરવાના હોય છે. તેમ છતાં 100 દિવસ ઉપરાંતના સમય બાદ પણ કોમર્સ ફેકલ્ટીના સત્તાધીશો દ્વારા ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષા ટૂંક સમયમાં યોજાવાની છે. ત્યારે પરિણામથી વંચિત આશરે 8 હજાર જેટલા વિદ્યાર્થીઓમાં મૂંઝવણની સાથે રોષની લાગણી વ્યાપી છે. જે સંદર્ભે એનએસયુઆઈ વિદ્યાર્થી સંગઠન દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીન સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ જાહેર કરાયો હતો. પરંતુ કોમર્સ ફેકલ્ટીના ડીન પ્રોફેસર ડોક્ટર કેતન ઉપાધ્યાય હાજર નહીં હોવાથી કોમર્સ ફેકલ્ટીના અન્ય સત્તાધીશો સમક્ષ રજૂઆત કરી આવેદનપત્ર પાઠવી કોમર્સ ફેકલ્ટીના ત્રીજા વર્ષના પાંચમા સેમેસ્ટરની પરીક્ષાના પરિણામ જાહેર કરવાની માંગણી કરી હતી. એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટીમાં સત્તાધીશો વિવિધ બહાના કાઢી તેમની ગેરરીતી છુપાવવાનો ક્યાંક ને ક્યાંક પ્રયાસ કરાઈ રહ્યો છે. યુનિવર્સીટીના નીતિ નિયમ પ્રમાણે પરિણામ જાહેર કરવા જોઈએ અને નહિ થાય તો એનએસયુઆઈ ઉગ્ર થી ઉગ્ર આંદોલન કરશે.