પોલીસ કાફલાએ ઘટના સ્થળ દોડી આવી મામલો થાળે પાડ્યો, ઇજાગ્રસ્તોને પાદરા બાદ વડોદરા એસએસજીમાં ખસેડાયાં
પાદરા: પાદરા જકાતનાકા પાસેના એસટી ડેપોની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પર એક યુવક વાહનમાં પેટ્રોલ ભરાવવા માટે આવ્યો હતો. તે દરમિયાન યુવક તેમજ પેટ્રોલ પંપ પર નોકરી કરતા કર્મી વચ્ચે પેટ્રોલ પુરવા બાબતે બોલાચાલી થઈ હતી. જોતજોતામાં સામાન્ય બોલાચાલી ઉગ્ર બની ગઇ હતી અને હિંદુ મુસ્લિમ કોમના ટોળા સામસામે આવી ગયા હતા. જેમાં બંને કોમના લોકો વચ્ચે ભારે મારામારી થઇ હતી. જેમાં બે લોકોને ગંભીર ઇજા પહોંચતાં પાદરા સરકારી દવાખાના બાદ વડોદરા સયાજી હોસ્પિટલમાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે.
પાદરા અંબાલાલ જમનાદાસ શાહના એચ.પી. પેટ્રોલ પંપ પર એક યુવક પેટ્રોલ પુરાવવા માટે આવ્યો હતો. ત્યારે આ યુવક તથા પેટ્રોલના કર્મી વચ્ચે શાબ્દિક બોલાચાલી થઇ હતી. દરમિયાન બંને વચ્ચે મામલો ભારે ઉગ્ર બનતા હિન્દુ મુસ્લિમ કોમના ટોળા વચ્ચે સામસામે આવી ગયા હતા અને ઘર્ષણ સર્જાયું હતું બંને કોમના લોકો એકબીજા સાથે છુટા હાથની મારામારી થઇ હતી. ત્યારબાદ બાજુમાં આવેલી આઈસ્ક્રીમ તેમજ બરફની દુકાન ધરાવતા માલિકને પણ ઇજા પહોંચી હતી. ઘટના અંગે પાદરા પોલીસને જાણ થતા કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સ્થિતિ નિયંત્રણમાં લઇ લીધી હતી. ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે પ્રથમ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન પાદરા જકાતનાકા વિસ્તારમાં હિંદુ -મુસ્લિમના ટોળા ઉમટી પડતા ભારે તંગદીલી ભર્યો માહોલ સર્જાયો હતો.