પારડી: (Pardi) પારડી નેશનલ હાઇવે 48 (National Highway 48) પર સોનાદર્શન સામે દારૂનો નશો કરી ટ્રક હંકારતા ચાલકે મહારાષ્ટ્રની મુસાફરો ભરેલી એસટી બસ સાથે અથડાવી દેતા અકસ્માત સર્જાતા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માતમાં બસ ની એક તરફ ટ્રક હતી અને બીજી તરફ હાઇવેની ગ્રીલ હતી. જેને લઈ બસને બંને તરફ નુકસાન સાથે હાઇવે પર ફિટ થઈ ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકી ચાવી લઈ ફરાર થતાં મુસાફરો અટવાઈ ગયા હતા. જેને લઇ કલાકો સુધી હાઈવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. ટ્રકમાં સ્ટેરિંગની બાજુમાંથી દેશી દારૂની અડધી બોટલ મુસાફરોને હાથ લાગી હતી.
- ટ્રકની કેબીન માંથી દેશી દારૂની અર્ધી બોટલ મળી આવતા ચાલક સામે રોષ
- બસની ઇમરજન્સી બારી મારફતે જીવના જોખમ મુસાફરોને બહાર કઢાયા: કલાકો સુધી ટ્રાફિક જામ
પારડી નેશનલ હાઇવે પર ગુરુવારે રાત્રે વાપી થી 60 જેટલા મુસાફર સાથે મહારાષ્ટ્ર સરકારની એસટી બસ વલસાડ, નવસારી, બારડોલી નવાપૂર થઈ ધૂળે જઈ રહી હતી. દરમિયાન પારડી હાઇવે સોનાદર્શન સામે એક ટ્રકનો ચાલક દારૂ નો નશો કરી ટ્રક હંકારી રહ્યો હતો. તેણે ટ્રકને ત્રીજા ટ્રેક પરથી અચાનક બીજા ટ્રેક પર લઈ આવી બીજા ટ્રેક પર ચાલતી મહારાષ્ટ્રની બસ સાથે અથડાવી ફર્સ્ટ ટ્રેક સુધી લઈ ગયો હતો. જેને પગલે બસ હાઇવે વચ્ચેના ડીવાઇડર સાથે અથડાતા બંને વાહનો થોભી ગયા હતા. કલાકો સુધી હાઇવે ઉપર વાહનોની લાંબી કતાર લાગી ગઈ હતી. અકસ્માત સર્જાતા બસમાં સવાર 60 જેટલા મુસાફરના જીવ તાળવે ચોંટી ગયા હતા. આ અકસ્માત બાદ ટ્રકમાં સ્ટેરિંગ પાસે લોકોને દેશી દારૂ લખેલી અડધી બોટલ પણ મળી આવી હતી.
થોડા સમય માટે ટ્રક ચાલક ઉભા રહ્યા બાદ તે ટ્રકને ત્યાં જ છોડી ટ્રકની ચાવી લઈ ભાગી છૂટ્યો હતો. જેને લઈ મુસાફરો બસમાં ફસાયા હતા. બસમાં આવેલી ઇમરજન્સી બારી મારફતે જીવના જોખમે મુસાફરોમાં મહિલા, બાળક, વડીલો સહિત તમામને એક પછી એક ઉતાર્યા હતા. આ બાબતની જાણ પારડી પોલીસને થતાં દોડી આવી હતી. ટ્રકને બહાર કાઢવા માટે ક્રેન મંગાવી હતી, પરંતુ ટ્રકમાં સામાન લોડ હોય એક ક્રેન વડે ટ્રક કાઢી શકાય તેમ ન હતી. આ કામગીરી દરમિયાન કલાકો સુધી મુસાફરો હાઇવે પર અટવાયા હતા. ત્યારે એક ટ્રક ચાલક ચાલુ ડ્રાઇવિંગ દરમિયાન નશો કરતા મોટી ઘટના થતા સદ્નસીબે બચી જવા પામી હતી. મુસાફરોએ વાપી ડેપોને આ અકસ્માત અંગે જાણ કરી મુસાફરો માટે બીજી બસ મંગાવી હતી.