પહેલી એપ્રિલથી પેરાસિટામોલથી લઈને એન્ટિબાયોટિક્સ સુધીની 800 જરૂરી દવાઓ મોંઘી થવાના અહેવાલો મળી રહ્યા છે. આ દવાઓમાં (Medicine) પેઇનકિલર્સ (Painkillers), એન્ટિબાયોટિક્સ (Antibiotics) અને એન્ટિ-ઇન્ફેક્શન દવાઓનો સમાવેશ થાય છે. ભાવ વધારાનો સીધો અસર લોકોના મહિનાના બજેટ પર પડશે. જેના કારણે બીમાર વ્યક્તિના પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. તાજેતરમાં બીપી, ડાયાબિટીસ, તાવ વગેરે જેવી દવાઓના ભાવમાં ઘટાડો થવાના સમાચાર હતા. જો કે હવે કેટલીક આવશ્યક દવાઓના ભાવમાં વધારાના સમાચાર આવ્યા છે.
ડ્રગ પ્રાઇસિંગ રેગ્યુલેટર અથવા ડ્રગ પ્રાઈસ રેગ્યુલેટર ઓફ ઈન્ડિયાએ નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન્સ (NLEM) હેઠળ દવાઓના ભાવમાં વાર્ષિક 0.0055 ટકાના વધારાની જાહેરાત કરી છે. આ વધારો જથ્થાબંધ ભાવ સૂચકાંક (WPI)માં વાર્ષિક ફેરફાર અનુસાર કરવામાં આવ્યો છે. 1 એપ્રિલથી કેટલીક પેઇનકિલર્સ, એન્ટિબાયોટિક્સ અને એન્ટિ-ઇન્ફેક્શન દવાઓ સહિત આવશ્યક દવાઓના ભાવમાં થોડો વધારો થશે. દેશની નેશનલ ડ્રગ પ્રાઇસીંગ ઓથોરિટી (NPPA)એ એનએલઈએમમાં 12 ટકાનો વધારો કરવા સરકારને 2023માં ભલામણ કરી હતી. એનપીપીએ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ (WPI) ફુગાવાના આધારે ભાવ સુધારો કરવાની ભલામણ કરી છે. એનપીપીએએ છેલ્લે 2022માં એનએલઈએમમાં સામેલ દવાઓની કિંમતોમાં 10 ટકા વધારો કરવાની ભલામણ કરી હતી.
મળતી માહિતી મુજબ સરકાર દવાની કિંમતોમાં વધારો કરવા માટે વર્ષમાં એક જ વખત મંજૂરી આપી શકે છે. છેલ્લા ઘણા વર્ષથી દવા તરીકે ઉપયોગમાં લેવાતી વસ્તુઓમાં 15થી 30 ટકાનો વધારો થયો છે. અગાઉ વર્ષ 2022માં દવાની કિંમતોમાં 10થી 12 ટકા સુધીનો વધારો થયો હતો. પેરાસિટામોલમાં 130 ટકાનો વધારો જોવા મળ્યો હતો. એક્સીસિએટ્સની 18થી 262 ટકા, ગ્લિસરીન અને પ્રોપલીન ગ્લાઈકોલ, સિરપ 263 ટકા અને સોલ્વૈંટ્સ 83 ટકા મોંઘી થઈ છે. ઈન્ટરમીડિએટ્સ દવાઓની કિંમતો 11થી 175 ટકા વધી છે. જ્યારે પેનિસિલિન જી 175 ટકા મોંઘી થઈ ગઈ છે.