સુરત(Surat): શહેરના ડીંડોલી (Dindoli) વિસ્તારમાં રહેતી 20 વર્ષીય પરિણીતાનું (Married Women) ભેદી સંજોગોમાં મોત (Death) નિપજ્યું છે. ચોથા માળની ગેલેરીમાં સુકવવા મુકેલી ચાદર લેવા જતા પરિણીતા નીચે પડી હતી. તેના લીધે તેણીનું મોત નિપજ્યું હતું. બૂમાબૂમ થતાં પરિવારજનો દોડી ગયા હતા. આ કેસમાં પોલીસ તપાસ કરી રહી છે.
- ડીંડોલી વિસ્તારમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સીની ઘટના
- કાજલ શ્યામ ચાંદેકરનું ચોથા માળેથી નીચે પડતા મોત
- ગેલેરીમાં સૂકવવા મુકેલી ચાદર લેવા ગઈ અને નીચે પડી
- માઈગ્રેનની બિમારીથી પીડાતી કાજલે આપઘાત કર્યો હોવાનું અનુમાન
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ નાગપુરની વતની અને સુરતના ડીંડોલી વિસ્તારમાં લક્ષ્મી રેસીડેન્સી સોસાયટીમાં રહેતી 20 વર્ષીય કાજલ શ્યામ ચાંદેરકરનું મોત નિપજ્યું છે. કાજલ ડીંડોલીની લક્ષ્મી રેસીડેન્સીમાં પતિ, સાસુ-સસરા અને દિયર સાથે રહેતી હતી. એક વર્ષ પહેલાં કાજલ અને શ્યામના પ્રેમલગ્ન થયા હતા. શ્યામ પેટ્રોલ પંપ પર કામ કરે છે.
દરમિયાન ગઈકાલે બુધવારે તા. 27મી માર્ચના રાત્રે 8.30 કલાકના અરસામાં પરિવાર ઘરમાં હતો, ત્યારે કાજલ ગેલેરીમાં સુકવેલી ચાદર લેવા ગઈ હતી. થોડી વાર બાદ નીચેથી બૂમો સંભળાતા પરિવાર ગેલેરીમાં ગયો હતો ત્યારે કાજલ નીચે પડી ગઈ હોવાની ખબર પડી હતી. તાત્કાલિક 108ની મદદથી કાજલને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી.
જોકે, ચોથા માળેથી નીચે પડતા કાજલના માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. સારવાર દરમિયાન ગુરુવારે સવારે કાજલનું મોત નિપજ્યું હતું. કાજલના મોતના પગલે પરિવાર શોકમાં ગરક થઈ ગયો હતો. કાજલ કેવી રીતે નીચે પડી તે પરિવારજનોને ખબર નથી. ગેલેરીની જાળી ઊંચી છે, તેથી તે જાતે નીચે પડી હોવાનું માની શકાય તેમ નથી. તેણીએ આપઘાત કર્યો હોવાનું લાગી રહ્યું છે.
થોડા સમય પહેલાં હાથની નસ કાપવા પ્રયાસ કર્યો હતો
મૃતક કાજલના પતિ શ્યામ ચાંદેકરે કહ્યું કે એક વર્ષ પહેલાં પ્રેમલગ્ન થયા હતા. બંનેના પરિવારની સહમતીથી લગ્ન કર્યા હતા. લગ્નના એક વર્ષ પૂરા થતા 15 માર્ચે હલ્દી સેરેમની પણ કરવામાં આવી હતી. કાજલને માઈગ્રેનની તકલીફ હતી. તે જલ્દી ગુસ્સે થઈ જતી હતી. અગાઉ તેણીએ હાથની નસ કાપવા પ્રયાસ કર્યો હતો.