- સ્થાયી સમિતિના સભ્યોએ સર્વાનુમતે નિર્ણય લીધો
- વકીલોની નિમણુંક માટેની સત્તા મ્યુ. કમિશ્નરને સોંપવામાં આવી
પાલિકાએ બ્લેક લિસ્ટ કરેલા કોન્ટ્રાક્ટરે આર્બિટ્રેશનમાં કેસ જીત્યા બાદ તેને રૂ. 32.29 કરોડ ચૂકવવા માટેનો એજન્ડા સ્થાયી સમિતિમાં મુકવામાં આવ્યો હતો જો કે સ્થાયી સમિતિના સભ્યોએ આ અંગેનો વિરોધ કરી તેની સામે હાઇકોર્ટ કે અન્ય સક્ષમ કોર્ટમાં જવાનો મત રજુ કરતા આખરે કોન્ટ્રાક્ટર સામે હાઇકોર્ટમાં જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આર્બિટ્રેશનમાં કેસ જીતી ચુક્યો છે તેને રૂ. 32.29 કરોડ ચૂકવવાના કામ અંગે નિર્ણય લેવાનો હતો પરંતુ આ કામ બાબતે સભ્યો અગાઉ પણ નારાજગી બતાવી ચુક્યા છે અને તેથી સભ્યો ગેરહાજર રહ્યા હોવાની ચર્ચા છે.
મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં નુર્મ યોજના અંતર્ગત બીએસયુપીના આવાસો તથા સમા ઇન્દોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે એસી સિસ્ટમ અને ઇલેક્ટ્રિફિકેશન કરવાના કામે કોન્ટ્રાક્ટરે સમય પર કામ પૂર્ણ ન કરતા અને ગુણવત્તા સભર કામ ન કરતા તેને બ્લેક લિસ્ટ કરવામાં આવ્યો હતો. જો કે કોન્ટ્રાક્ટર એમ.વી.ઓમની ત્યાર બાદ આર્બિટ્રેશનમાં ગયો હતો જ્યાં તે કેસ જીતી ગયો હતો અને તેમાં આવેલા એવોર્ડની રકમ 51.25 કરોડ સામે નેગોશિયેશન બાદની રકમ 32.29 કરોડ ચુકવવાની હતી જેની અંતિમ તારીખ 26 માર્ચ હતી આ દિવસે સ્થાયી સમિતિની બેઠક મળી હતી પરંતુ સભ્યોની કોરમ ન થતા મુલતવી રાખવામાં આવી હતી. જો કે સ્થાયી સમિતિના સભ્યોએ નારાજગી વ્યક્ત કરી હતી અને તેથી તેઓ ગેરહાજર રહ્યા હતા. ત્યારે બુધવારે પુનઃ બેઠક મળી હતી જેમાં તમામ સભ્યોએ એકમત રજૂ કર્યો હતો અને તેને ધ્યાને રાખી કોન્ટ્રાક્ટર સામે હાઇકોર્ટ અથવા સક્ષમ કોર્ટમાં જવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને તેની સત્તા મ્યુ. કમિશ્નરને આપવાનો ઠરાવ કરવામાં આવ્યો છે