Charotar

વીરપુરના તળાવમાં ડૂબી જતાં 3 યુવકના મોત

વીરપુરના ધાવડીયા ગામના ત્રણ મિત્રો તળાવમાં ન્હાવા માટે પડ્યાં હતાં, ત્રણેયના મોતથી ગામમાં ગમગીની છવાઇ
ઘટનાની જાણ થતા વિરપુર પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા 
તળાવમાં ડૂબી ગયેલ ત્રણેય યુવકોના મૃતદેહ મળ્યા 


મહિસાગર જિલ્લાના વિરપુરના તળાવમાં ધાવડીયા ગામના ત્રણ યુવાનો ન્હાવા પડ્યા હતા. ન્હાતા ન્હાતા ત્રણેય યુવકો તળાવમાં ડૂબી જતાં  મોત નીપજ્યાં હોવાની ગોઝારી ઘટના બની છે. એક જ ગામના ત્રણ ત્રણ યુવકોના મોત થવાની ઘટના બનતાં સમગ્ર ગામ સહિત પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. 
વિરપુરના અણસોલીયા તળાવમાં ન્હાવા પડેલા ત્રણ યુવકોના ડૂબી જવાથી મોત થયા હોવાની  ધટનાની જાણ થતાં આસપાસના લોકો ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી તાબડતોબ શોધખોળ કરવા માટે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી. અણસોલીયા તળાવમાં  નાહવા પડેલા ત્રણ યુવકોના મોતના બનાવ સંદર્ભે વિરપુર પોલીસ અને મામલતદાર સ્થળ પર દોડી આવ્યા હતા. 
તળાવમાં ડૂબી ગયેલ યુવકોની શોધખોળ તરવૈયાઓની મદદથી શરૂ કરવામાં આવી હતી. જોકે શોધખોળ દરમિયાન ત્રણેય યુવકોના મૃતદેહો જ મળી શકયા હતા. ત્રણેય યુવકો મોતને ભેટ્યા હતા. ત્રણ  ત્રણ યુવાનોના  મુત્યુ થતા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તહેવાર ટાણે આ ઘટનાથી ભારે ગમગીની છવાઇ ગઈ હતી.

ત્રણેય મૃતકો ધાવડીયા ગામના રહીશ
તળાવમાં ડૂબી જવાથી મોત નિપજયા હોવાની ઘટનામાં ભોગ બનેલા ત્રણેય યુવકો વિરપુર તાલુકાના ધાવડીયા ગામના રહીશ છે. બનાવમાં જયેશકુમાર બાલાભાઈ સોલંકી આશરે ઉમંર ૧૫ વર્ષ, રવિન્દ્રકુમાર રમણભાઈ સોલંકી ઉ.વ ૧૬, અને નરેશકુમાર બાબુભાઇ સોલંકી ઉ.વ ૧૬ આ ત્રણેય યુવાનો વિરપુરના ધાવડીયા ગામના હોવાનું જાણવા મળેલ છે.

Most Popular

To Top