ખીસકોલી સર્કલ વિસ્તારમાં સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી તેવા બેનર લગાવાયા હતા
પોલીસ નોટિસ પાઠવવા ગઇ ત્યારે પ્રમુખે દર પુનમ ભરવા ડાકોર જાઉ છુ આવીને નિવેદન લખાવીશ તેવું જણાવ્યું
લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ શહેરમાં ભાજપમાં ઉભા થયેલા વિવાદનો લાભ લેવા અટલાદરા જતા ખીસકોલી સર્કલના રેલિંગ પર સીએમ તથા પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી તેવા બેનર લગાવાયા હતાં. આ કેસમાં કોંગ્રેસના ત્રણ કાર્યકરોને ઝડપી પાડી પૂછપરછ કરતા કોંગ્રેસ પ્રમુખના ઇશારે બેનર લગાવ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી પોલીસે પ્રમુખને નોટિસ પાઠવી જવાબ લખાવવા માટે પોલીસ સ્ટેશન બોલાવ્યા હતા. પરંતુ પ્રમુખ નિવેદન આપવું ના પડે માટે દર પુનમ ભરવા ડાકોર જતા હોવાનું બહાનું કાઢી ત્યાં રહ્યા હતા અને જવાબ આવીને લખાવીશુ તેવું પોલીસને જણાવ્યું હતું.
આગામી લોકસભાની ચૂંટ્ણી જાહેર ચુકી છે અને આદર્શ આચારસંહિતાનો પણ અમલ શરૂ થઇ ગયો છે. શહેરના વડસરથી અટલાદરા જતા રોડ પર ખિસકોલી સર્કલના રેલિંગ પર લોકસભાની ચૂંટણી અંતર્ગત કેટલાક તત્વોએ સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી તેવા બેનર લગાવી આદર્શ આચાર સંહિતાનો ભંગ કર્યો હતો. જેથી અટલાદરા પોલીસ એક્શનમાં આવી ગઇ હતી અને બનેર લગાવનાર કોંગ્રેસના કાર્યકર્તા રાકેશ જગદીશ ઠાકોર (રહે. તલસટ ગામ શ્રીરીજી ફળિયુ તા.જિ.વડોદરા), હર્ષદ અરવિંદ સોલંકી (રહે. કપુરીબા વિલા વેલકેર હોસ્પિટલની સામે અટલાદરા) અને નિતીન રયજી પઢિયાર (રહે. મારૂતિ નંદન સોસાયટી, માધવનગર વુડા પાસે અટલાદરા)ને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ત્રણેય જણાની પૂછપરછ કરતા કોંગ્રેસ શહેર પ્રમુખ ઋત્વિજ જોષીનું નામ બહાર આવ્યું હતું. પ્રમુખે જાતે ભાજપ વિરોધી બેનરો આપ્યા હોવાની કબૂલાત કરી હતી. જેથી અટલાદરા પોલીસ દ્વારા શુક્રવારે પ્રમુખને નોટિસની બજવણી કરીને હતી અને શનિવારે નિવેદન લખાવવા માટે પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા હતા. જોકે પ્રમુખે દર પૂનમ ભરવા ડાકોર ખાતે જતા હોવાનું બહાનું આગળની ધરીને નિવેદન લખાવવા નહી જઇ હાથ તાળી આપી ગયા હતા. તેઓએ પરત આવ્યા બાદ પોતાનો જવાબ આપવા આવીશ તેવું કહ્યું હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
વારસીયા પોલીસની પૂછપરછમાં પણ પ્રમુખે સહકાર ન આપ્યો
કારેલીબાગ તથા હરણી રોડ વિસ્તારમાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુધના બેનર લગાવનાર કોંગ્રેસના કાર્યકર હરી ઓડ સહિત ત્રણ જણાની વારસીયા પોલીસ દ્વારા અટકાયત કરીને પૂછપરછ કરી હતી. જેમાં પણ બેનર લગાવવા પાછળ કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીની સંડોવણી બહાર આવી હતી. જેથી નોટિસ આપી વારસીયા પોલીસ સ્ટેશનમાં ડીસીપી પન્ના મોમાયા સહિતના અધિકારીએ પ્રમુખની અંદાજે પાંચ કલાક પૂછપરછ કરી હતી. પરંતુ પ્રમુખે હુ મારા વકીલને પૂછીને જવાબ લખાવીશ તેવું જણાવી પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળી ગયા હતા.
બેનર કાંડમાં યુવા ભાજપના એક હોદ્દેદારની સંડોવણી હોવાની શંકા
લોકસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ભાજપ તથા સાંસદ વિરોધમાં બેનરો લગાવવામાં આવ્યા હતા. જેનો વીડિયો પણ સોશીયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેને લઇને સમગ્ર રાજકરણ ગરમાયું હતું. પોલીસ તપાસમાં કોંગ્રેસના કાર્યકરોએ બેનર લગાવ્યા હોય તેમની ધરપકડ કરી પૂછપરછ કરતા શહેર કોંગ્રેસ પ્રમુખની સંડોવણી બહાર આવી છે. સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ બેનર કાંડમાં માત્ર કોંગ્રેસ નહી પણ ભાજપના પણ એક હોદ્દેદારની ભુમિકાની હોવાની શંકા સેવાઇ રહી છે. જેથી જો પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ કરાય તો યુવા ભાજપના એક હોદ્દેદારની પણ સંડોવણી બહાર આવી શકે છે.