એક દિવસ સાંજે વોકિંગ કરી લીધા બાદ મિત્રોની મસ્તીની મહેફિલ જામી હતી.એક સીનીયર સીટીઝન અંકલનો જન્મદિવસ હતો…અંકલ સરસ પ્રિન્ટેડ કલરફૂલ ટીશર્ટ અને જીન્સમાં સજ્જ હતા.એક યુવાને મશ્કરી કરી, ‘અંકલ કોઈ તમને જોઇને કહે નહિ કે આજે તમારો ૭૧મો જન્મ દિવસ છે એકદમ ફિટ એન્ડ ફાઈન તો છો જ અને વળી ફેશનેબલ પણ ….’ બધા હસ્યા.
અંકલની બાજુમાં બેસેલા આંટીએ તરત જ કોણી મારી ધીમેથી કહ્યું, ‘જુઓ હું તમને કહેતી હતી આ ઉંમરે આવા કપડા ન શોભે જોયું બધા મશ્કરી કરે છે..’ અંકલ પણ હસ્યા અને મોટેથી બોલ્યા, ‘અરે તારી આન્ટીએ મને કહ્યું હતું કે આ ઉંમરે આવા કપડા ન શોભે પણ મેં ન માન્યુ કારણ કે દોસ્ત આપણા જીવનમાં હંમેશા ખુશ રહેવાનો એક ફંડા છે.કે હંમેશા એજ કરવું ‘જો દિલ કહે!! ’ બીજી યુવતીએ કહ્યું, ‘ના ના અંકલ તમે સરસ લાગો છો.’
અંકલે કહ્યું, ‘થેન્કયુ બેટા, મેં તો જીવનમાં નક્કી કર્યું છે હું હંમેશા મને જે ગમશે અને મારું દિલ જે કહેશે તે જ કરીશ.કોઈ મશ્કરી કરે કે કોઈ વખાણ હું તો એ જ પહેરીશ જે મને ગમશે.જે મારુ દિલ કહેશે.અને આ ‘જો દિલ કહે’ નો ફંડા મારો આજનો નથી હું શાળામાં ભણતો હતો ત્યારનો છે… છોકરો હતો છતાં મેં હોમસાયન્સ પસંદ કર્યું બધાએ ના પાડી પણ મેં એજ કર્યું જે મારા દિલે કહ્યું હોમસાયન્સ લીધું એટલે મિત્રો પણ છૂટી ગયા …પણ કોઈ સાથે હોય કે ના હોય ચાલો એજ રસ્તા પર જે દિલ કહે!!!
આગળ પપ્પાએ કહ્યું હોશિયાર છોકરા એન્જીનીયર જ બને પણ …હોમસાયન્સ બાદ હું હોટેલ મેનેજમેન્ટ ભણ્યો અને આજે ત્રણ હોટલનો માલિક છું બીઝનેસ પર હજી ધ્યાન આપું છું અને ખુશ છું.દુનિયામાં ઘરના અને બહારના લોકો તો ઘણી સલાહો આપશે પણ કરો હંમેશા જે તમારું દિલ કહે….’ બધા અંકલના જીવનની અને તેમના ફંડાની વાતો ધ્યાનથી સાંભળી રહ્યા હતા. અંકલ બોલ્યા, ‘હું બધાને મારા દોસ્ત જ માનું છું એટલે કહું છું મારા દોસ્તો જીવનમાં ઘણી વાર લોકો કહેશે સ્વાર્થી બનો …હોશિયાર બનો ..
પોતાનો ફાયદો પહેલા જુઓ …પણ તમે કરજો હંમેશા જે તમારું દિલ કહે અને જો જો દિમાગ ભલે જે કહે દિલ કોઈ દિવસ કોઈનું ખરાબ કરવામાં સાથ નહિ આપે…. જીવનમાં ઘણા આવશે પડકારો અને ઘણી તકો …અને ઘણી પસંદગીની ઘડીઓ ત્યારે પણ એજ પસંદ કરજો જે તમારું દિલ કહે….ચોક્કસ સાચો નિર્ણય જ લેશો અને ખુશ રહેશો.આજે મારી બર્થ ડે પર ઢોસા પાર્ટી કરીએ ટેરેસ પર ચાલો સાથે મળીને મજા કરીએ જો દિલ કહે….!!’બધાએ અંકલની વાતોને તાળીઓથી વધાવી લીધી.આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.