રંગોનો તહેવાર એટલે હોળીને હવે ગણ્યાગાંઠયા દિવસો રહ્યા છે એવામાં શહેરના પિચકારી અને ગુલાલ-કલરના બજારની રોનક ગ્રાહકોની ભીડ સાથે વધી ગઈ છે. સમયની સાથે રંગોની હોળી રમવાની સ્ટાઈલ બદલાઈ છે. હવે પિચકરી ટુ ઇન વનનું કામ આપતી થઈ ગઈ છે. તે કલરની છોળો પણ ઉડાવી રહી છે તો દિવાળીમાં ફટાકડા ફોડવાના કામમાં પણ આવી શકે છે. સુરતીઓ દરેક તહેવારમાં તેમના કલરફુલ મિજાજનો પરિચય અવનવી ડિમાન્ડ બતાવતા હોય છે. આ વખતે બાળકોની ડીમાંડને પોષવા ઇલેક્ટ્રિક વોટરગન લાવવામાં આવી છે તો ગદર ફિલમના હથોડાની ડિઝાઇનમાં ઉપલબ્ધ પિચકારીએ પણ લોકોમાં આકર્ષણ જમાવ્યું છે. પેન્સિલ પિચકારી, ગુલાલ બોમ્બ પર પણ લોકો પોતાની પસંદગી ઉતારી રહ્યાં છે. તો ચાલો, જાણીએ 25મી માર્ચે ધૂળેટીને લઇને પિચકારી અને ગુલાલના બજારમાં શું નવું લાવવામાં આવ્યું છે અને બાળકો, યુવાઓ અને વયસ્કોને તે કેટલું પસંદ આવી રહ્યું છે.
લોકો નવું નવું માંગતાં હોવાથી આ વખતે ઘણી નવી વેરાયટી આવી છે: વંદનાબેન દલાલ
પિચકારી અને રંગોના વિક્રેતા વંદનાબેન દલાલે જણાવ્યું કે લોકો હમેશાં નવું માંગતાં હોય છે. જેને કારણે આ વખતે બાળકો, યુવાઓ અને વયસ્ક લોકો માટે રંગોના તહેવારને વધારે કલરફુલ બનાવવા નવી નવી વેરાયટી પિચકારી, હોળીની ગન અને કલરમાં આવી છે. જેને કારણે આ વખતે નાનાં બાળકો પણ ખુશ. લોકોને ઘણુ પસંદ આવી રહ્યું છે.
ગુલાલગન વજનમાં છે હલ્કી, છોકરીઓની બની છે પસંદ
પાણી છોડતી ગન હવે બાળકોને જુનવાણી લાગે છે એટલે તેમના માટે ગુલાલગન લાવવામાં આવી છે. આ ગુલાલગનમાં પહેલાથી જ ગુલાલ ભરેલું જ હોય છે. તમે ગનનું ટ્રિગર દબાવો એટલે ગુલાલની છોળો ઊડવા લાગે છે. આમાં મોટા ભાગે હર્બલ ગુલાલ ભરેલો હોય, જે નુકસાનકર્તા નથી હોતો. જો કે આ ગુલાલગન 14-15 વર્ષનાં બાળકો માટે છે. વજનમાં હલ્કી ગુલાલગન છોકરીઓની પસંદ વધારે બની છે.
ગુલાલ સિલિન્ડરમાંથી ગુલાલની થશે વર્ષા
ફાયર બ્રિગેડના લાલ બંબા ગાડી જેવો અને ઘરેલુ ગેસ સિલિન્ડર જેવો લાલ ચટક ગુલાલ સિલિન્ડર પિચકારી અને ગુલાલ-કલરના વિક્રેતાઓના સ્ટોલ પર જોવા મળે છે જેને ગુલાલ સિલિન્ડર કહેવામાં આવે છે. તેની અંદર ડ્રાય રેડ, ગ્રીન, પિંક , યલો કલરનો ગુલાલ ભરેલો જ હોય છે. આ સિલિન્ડરની ઉપરની બાજુમાં એરોની નિશાની હોય છે, જયાંથી સતત પ્રેસ કરો એટલે ગુલાલ ઊડવાનું શરૂ થઈ જાય છે. આ સિલિન્ડર એક કિલો, બે કિલો, 5 અને 10 કિલો વજનમાં પણ મળે છે. જ્યારે હોલી સેલિબ્રેશનનું મોટા પાયા પર આયોજન કરાય ત્યારે ગુલાલ સિલિન્ડરથી ગુલાલની છોળો ઉછાળવામાં આવે છે.
પાયરો ગન ગુલાલ ઉડાડવા અને દિવાળીમાં ફટાકડા ફોડવાના કામમાં પણ આવે
પાયરો ગન આમ તો માત્ર 200 રૂપિયાની કિંમતની છે અને તેમાં મૂકવામાં આવતી કલરની ગોળી અલગથી લેવી પડે. ગનનું ટ્રિગર દબાવો એટલે ગુલાલ ઊડે અને તે દિવાળીમાં કોઠીની જેમ ફૂટે છે. આ ગન પણ બાળકોથી માંડીને મોટી ઉંમરનાં બધાં જ લોકોને આકર્ષિત કરી રહી છે.
ઇલેક્ટ્રિક વોટરગનને કરાય છે ચાર્જ, 4થી 5 કલાક કલરની પિચકારી થશે
અત્યારે બાળકોમાં ઇલેક્ટ્રિક વોટર ગનની ડિમાન્ડ વધારે છે. આ વોટર ગનમાં એક ચાર્જર હોય, જેનાથી ગનને અડધો કલાક ચાર્જ કરો એટલે તે 4થી 5 કલાક ચાલે. તેમાં સાદું કે કલરિંગ પાણી લગભગ 650 ml. ભરવાનું હોય અને ટ્રિગર દબાવો એટલે પાણીની પિચકારી ચાલ્યા કરે. તે 650થી લઈને 1500 રૂ. ની કિંમતની આવે છે.
મેજીક ગ્લાસમાં પાણી રેડતા પાણી કલરફુલ થાય તો મેજીક આઇસ બની જાય બરફની છીણ
આ વખતે બાળકો માટે હોળી ખરેખર કલરફુલ બની છે. અવનવી પિચકારી ઉપરાંત મેજીક ગ્લાસે બાળકોમાં ગજબનું આકર્ષણ જમાવ્યું છે. આ ગ્લાસમાં તમે ગમે તેટલી વાર પાણી નાખો તે કલરફુલ થઈ જાય છે. કલરફુલ બનેલું પાણી કોઈની પર પણ ફેંકીને હોળીની મજા માણી શકાય છે.કાગળના બનેલા આ મેજીક ગ્લાસ 5થી 7 વર્ષનાં બાળકો માટે છે. તેમાં બે ગ્લાસ હોય છે, જેમાંના નીચેના ગ્લાસમાં કલર છુપાયેલો હોય છે. અત્યારે પેરેન્ટ્સ તેમનાં નાનાં બાળકો માટે આ ગ્લાસ ખરીદી રહ્યાં છે અને તેની કિંમત માત્ર 50 રૂપિયા છે. મેજીક આઇસમાં 6 પ્રકારના રંગ કેસરી, પિંક, રેડ, ગ્રીન, કોફી કલર હોય છે. તેમાં પાણી રેડતા તે બરફની છીણી થાય થાય અને કોઇ પર ફેંકતા પાણી થઈ જાય.
બો અને એરો (ધનુષ- બાણ) પિચકારીની ડિઝાઇન આકર્ષક છે, ટુ ઇન વનનું આપે છે કામ
મોટા ભાગે પિંક કલરમાં આ પિચકારી જોવા મળે છે, જેની ડિઝાઇન ધનુષ અને અંદર બાણ ફિટ કર્યું હોય તેવી આકર્ષક હોય છે. આ પિચકારી 5 વર્ષથી ઉપરના બાળક-બાળકીઓ માટે છે. ટુ ઇન વનની જેમ કામ કરતી આ પિચકારીમાં બાણ ખેંચો એટલે એક જગ્યા પરથી પાણી તો બીજી જગ્યા પરથી બબલ્સ નીકળે છે. જો તમારે માત્ર પાણી કે માત્ર બબલ્સની વર્ષા કરવી હોય તો તે પણ થઈ શકે છે. આ પિચકારીનું બાળકોમાં ખાસ અટ્રેક્શન જોવા મળી રહ્યું છે.