લોકસભા ચૂંટણી (Election) પહેલા ચૂંટણી પંચે (Election Commissin) ગુજરાતમાં એક મોટી કાર્યવાહી કરી છે. ગુજરાતના છોટાઉદેપુર અને અમદાવાદના SPની (Superintendent of Police) ટ્રાન્સફર કરવામાં આવી છે. ચૂંટણી પંચે ચાર રાજ્યોમાં મોટા વહીવટી ફેરબદલ કર્યા છે અને નોન-કેડર DM-SPની બદલી કરી છે. ચૂંટણી પંચે ગુજરાત, પંજાબ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં જિલ્લા મેજિસ્ટ્રેટ (DM) અને પોલીસ અધિક્ષક (SP) ની બદલી કરી છે.
જે અધિકારીઓની બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે તેમાં ગુજરાતના છોટા ઉદેપુર અને અમદાવાદના ગ્રામ્ય જિલ્લાના SPનો સમાવેશ થાય છે. નોન કેડરના ઓફિસર હોવાથી અમદાવાદના મેઘા તેવાર અને છોટા ઉદેપુરના ઇમ્તિયાઝ શેખની બદલી કરવાનો આદેશ અપાયો છે. મળતી માહિતી મુજબ સુરત રેન્જમા રેગ્યુલર આઈજી, સુરત સિટીમાં નિયમિત પોલીસ કમિશનરની નિમણૂંક બાકી છે. બીજી તરફ આણંદ, અમદાવાદ અને મહેસાણામાં નિયમિત એસપી નિમણૂંક કરવાની બાકી છે.
ગુજરાત ઉપરાંત ચૂંટણી પંચે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ અધિકારીઓની બદલી કરી છે જ્યારે આસામ અને પંજાબમાં નેતાઓના સંબંધી એવા IPS અધિકારીઓની પણ બદલી કરી છે. કેન્દ્રીયઆ ચૂંટણી પંચે આ અંગે આદેશ જાહેર કર્યો હતો કે પંજાબના ભટિંડાના SSP અને આસામના સોનિતપુરના SPની બદલી કરવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય એટલા માટે લીધો છે કારણ કે તેઓ નેતાઓના સંબંધીઓ છે અને ચૂંટણીના કામમાં સીધા સંકળાયેલા છે. જણાવી દઈએ કે આ પહેલા મંગળવારે ચૂંટણી પંચે જલંધરના ડેપ્યુટી કમિશનર, પોલીસ એડિશનલ ડાયરેક્ટર જનરલ અને પંજાબના ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસની બદલીનો આદેશ આપ્યો હતો.