Charotar

આંકલાવમાં ભાજપનો પૂર્વ હોદ્દેદાર જુગાર રમાડતા પકડાયો

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાએ દરોડો પાડી છ શખ્સને પકડી પાડ્યાં

આંકલાવમાં જુગારના ચાલતા અડ્ડા પર એલસીબીએ દરોડો પાડી છ શખ્સને પકડી પાડ્યાં હતાં. આ અડ્ડો આંકલાવ ભાજપમાં બે વર્ષ પહેલા ઉપપ્રમુખ રહી ચુકેલો શખ્સ જ ચલાવતો હોવાનું ખુલ્યું હતું. આ અંગે એલસીબીએ ગુનો નોંધી 16 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આણંદ સ્થાનિક ગુના શોધક શાખાની ટીમને બાતમી મળી હતી કે, આંકલાવ સીમ વિસ્તારમાં આવેલા રંજેવાડ તલાવ વિસ્તારમાં રહેતા જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોર પોતાના મકાન પાસે સ્ટ્રીટ લાઇટના થાંભલાના અજવાલે ખુલ્લી જગ્યામાં પત્તા પાનાનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમી આધારે એલસીબીએ ટીમ બનાવી 19મી માર્ચના રોજ રાત્રે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં પોલીસે કુલ છ શખ્સને જુગાર રમતા રંગેહાથ પકડી પાડ્યાં હતાં. આ શખ્સોની પુછપરછ કરતાં તે જગદીશ ઉર્ફે ઝુમરી પુનમ ઠાકોર, દિલુભા ઉર્ફે દિલો દીપસીંગ રાજ, મેલા ઉર્ફે બુધો શના ઠાકોર, ઐયુબ ઉર્ફે મયુર શરીફ પઠાણ, વિક્રમ રાજેશ મકવાણા અને અરવિંદ શના હોવાનું જણાવ્યું હતું. આણંદ એલસીબીએ આ તમામ પાસેથી રોકડ સહિત કુલ રૂ.16,080નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જગદીશ ઉર્ફે ઝુમરી ઠાકોર બે વર્ષ પહેલા આંકલાવ ભાજપમાં ઉપપ્રમુખના હોદ્દા પર હતો. પરંતુ 3જી માર્ચ,2022ના રોજ તેણે રાજીનામું આપી દીધું હતું. જગદીશ રીઢો ગુનેગાર છે અને તે ચારથી પાંચ વખત જુગારના કેસમાં પકડાઇ ચુક્યો છે.

Most Popular

To Top