સુપ્રીમ કોર્ટ શુક્રવારે CAA વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરવા સંમત થઈ ગઈ છે. ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ CAA કાયદા પર પ્રતિબંધની માંગણી કરતી અરજી દાખલ કરી હતી. હવે સુપ્રીમ કોર્ટ IUMLની અરજી પર 19 માર્ચે સુનાવણી કરશે. IUMLએ અરજીમાં કહ્યું છે કે CAA કાયદો ગેરબંધારણીય અને મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવપૂર્ણ છે. IUML દાવો કરે છે કે CAA કાયદાની જોગવાઈઓ મનસ્વી છે અને માત્ર ધાર્મિક ઓળખના આધારે એક વર્ગને અન્યાયી લાભ આપે છે જે બંધારણની કલમ 14 અને 15નું ઉલ્લંઘન છે. IUMLએ અરજી પર વહેલી સુનાવણીની માંગ કરતા કહ્યું છે કે જો કાયદા અનુસાર કોઈને નાગરિકતા આપવામાં આવે છે તો તેને પાછી લઈ શકાશે નહીં.
કેન્દ્ર સરકારે CAA માટે નિયમો જારી કર્યાના એક દિવસ પછી કેરળ સ્થિત રાજકીય પક્ષ ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML) એ નિયમોના અમલીકરણ પર સ્ટે માંગવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. કેરળ સ્થિત રાજકીય પક્ષે માંગ કરી હતી કે આ કાયદા પર પ્રતિબંધ મુકવાની જરૂર છે અને મુસ્લિમ સમુદાયના વ્યક્તિઓ સામે કોઈ કડક કાર્યવાહી ન થવી જોઈએ. IUML ઉપરાંત ડેમોક્રેટિક યુથ ફેડરેશન ઓફ ઈન્ડિયા (DYFI), આસામ વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા દેવબ્રત સાયકા અને આસામના કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખાલિક અને અન્યોએ પણ નિયમો પર સ્ટે માંગતી અરજીઓ દાખલ કરી હતી.
EVM વિરુદ્ધ દાખલ કરાયેલી અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી
સુપ્રીમ કોર્ટે ઈવીએમમાં કથિત ખામીનો દાવો કરતી અરજી ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટે શુક્રવારે અરજીને ફગાવી દેતા કહ્યું કે દરેક પ્રક્રિયાના પોતાના ફાયદા અને ગેરફાયદા હોય છે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઑગસ્ટિન જ્યોર્જ મસિહની ખંડપીઠે કહ્યું કે કોર્ટ ઈવીએમના કામકાજને લગતી અરજીઓ પર સુનાવણી કરી ચૂકી છે અને હજુ કેટલી અરજીઓ પર સુનાવણી કરવાની રહેશે? તાજેતરમાં અમે VVPAT સંબંધિત અરજી પર સુનાવણી કરી. અમે એકલા અનુમાન પર કામ કરી શકતા નથી. અમે બંધારણના અનુચ્છેદ 32 હેઠળ અરજી પર સુનાવણી કરી શકતા નથી અને તેને ફગાવીએ છીએ.
![](https://gujaratmitra.in/wp-content/uploads/2022/04/gujaratmitraDOTin-Copy.png)