ગાંધીનગર: રાજ્યમાં આગામી 5 દિવસ દરમ્યાન ગરમીનો (Hot) પારો (Temperature) ઊંચો જઈ શકે છે, જેના પગલે ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ દરમ્યાન રાજ્યમાં ગરમી વધીને 37 ડિગ્રીએ પહોંચી હતી. જ્યારે કચ્છના નલિયામાં 15 ડિગ્રી ઠંડી નોંધાવા પામી હતી. સૌરાષ્ટ્રમાં મહુવા તથા રાજકોટમાં (Rajkot) ગરમીનો પારો 37 ડિગ્રીએ પહોંચ્યો હતો.
- રાજ્યમાં ઉનાળો જામવા લાગ્યો, અનેક શહેરોમાં તાપમાન 35 ડિગ્રીને પાર
- બીજી તરફ જતાં જતાં ઠંડીના ધમપછાડાં, નલિયામાં 15 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું
અમદાવાદના એરપોર્ટ કેમ્પસ સ્થિત હવામાન વિભાગના સત્તાવાર સૂત્રો મુજબ આજે અમદાવાદમાં 35 ડિ.સે., ડીસામાં 35 ડિ.સે., ગાંધીનગરમાં 34 ડિ.સે., વલ્લભ વિદ્યાનગરમાં 35 ડિ.સે., વડોદરામાં 35 ડિ.સે., સુરતમાં 35 ડિ.સે., વલસાડમાં 35 ડિ.સે., ભૂજમાં 35 ડિ.સે., નલિયામાં 33 ડિ.સે., કંડલા પોર્ટ પર 33 ડિ.સે., કંડલા એરપોર્ટ પર 35 ડિ.સે., ભાવનગરમાં 36 ડિ.સે., રાજકોટમાં 37 ડિ.સે., સુરેન્દ્રનગરમાં 35 ડિ.સે., મહુવામાં 37 અને કેશોદમાં 36 ડિ.સે. ગરમી – મહત્તમ તાપમાન નોંધાયું હતું. બીજી તરફ કચ્છના નલિયામાં પણ 15 ડિગ્રી ઠંડી નોંધાવવા પામી હતી.
શહેરમાં તાપમાનમાં વધારો નોંધાતા બપોરે કાળઝાળ ગરમીનો અનુભવ
સુરત: શહેરમાં આજે એકાએક મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો વધારો નોંધાયો હતો. જેને કારણે બપોરે કાળઝાળ ગરમીમાં લોકો શેકાયા હતા. આગામી અઠવાડિયા સુધીમાં આકરા ઉનાળાની શરૂઆત થઈ જશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, શહેરમાં હવે ધીમે ધીમે ગરમીની શરૂઆત થઈ રહી છે. જોકે આજે પણ ઉત્તરના પવન ફુંકાતા હજી સામાન્ય ગરમી રહેશે. પવનોની દિશામાં ફેરફાર થશે અને પશ્ચિમના પવન ફુંકાશે પછી કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થશે. આજે શહેરમાં મહત્તમ તાપમાનમાં 1.2 ડિગ્રીનો વધારો થતા તાપમાન 36 ડિગ્રી નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન 3.4 ડિગ્રી વધીને 21 ડિગ્રી નોંધાયું હતું. હવામાં 26 ટકા ભેજની સાથે 2 કિમીની ઝડપે ઉત્તરનો પવન ફુંકાયો હતો. હવામાન વિભાગનું માનીએ તો આગામી દિવસોમાં હવે કાળઝાળ ગરમી વધશે અને ઉનાળાનો પ્રારંભ થશે.