એક શ્રીમંત માણસ. દુનિયામાં સાવ એકલો હતો.તેનાં બધાં કામ કરવા માટે નોકરો હતા. તે કોઈ કામ કરતો નહિ. માત્ર પોતાના ઘર અને દુકાનને તાળું હંમેશા તે પોતે મારતો.દસ વાર તપાસતો અને ચાવી હંમેશા કમર પર બાંધી રાખતો.તેનો નિયમ હતો રોજ સવારે વહેલો ઊઠી મંદિરે જતો.મંદિરે જવા પહેલાં તે જાતે ઘરને તાળું મારતો.બરાબર ખેંચીને તપાસતો.થોડે દૂર જતો અને મનમાં શંકા જતી કે ઘરને બરાબર તાળું માર્યું છે કે નહિ અને તે ફરી પાછો આવતો અને તાળું બરાબર ખેંચીને તપાસતો.વળી ચાવી બરાબર પોતાની કમર પર છે કે નહિ તે પણ તપાસતો.
મંદિરમાં પહોંચતો.ભગવાનનાં દર્શન કરતો ત્યારે પણ તેનું ધ્યાન ચાવી પર વધારે રહેતું અને તરત માથું નમાવી તે ઘર તરફ દોડી જતો અને બરાબર તાળું લાગેલું છે તે જોયા બાદ જ તેને રાહત થતી.પછી તે ઘરની બાજુમાં જ દુકાન હતી ત્યાં જતો.સાંજે તે દુકાનને તાળું મારી, બરાબર તપાસી, દસ વાર ખેંચી,મંદિરે જવા નીકળતો. થોડે દૂર આગળ જઈ મનમાં શંકા જતી એટલે ફરી દુકાનને મારેલું તાળું તપાસવા જતો. ફરી એક વાર મારેલું તાળું તપાસતો અને ચાવી બરાબર કમર પર બાંધેલી છે તે જોઈ લેતો.પછી મંદિરે જતો.તેનું મન ત્યારે પણ ભગવાનનાં દર્શન કરવા કરતાં વધારે બરાબર તાળું મરાયું છે અને ચાવી મારી પાસે છે તે વિચારોમાં જ રહેતું.સાંજે દર્શન કરી તે ઘરે જતો.
રોજ આ જ તેનો નિયમ હતો. રોજ તે બરાબર તાળું મારતો.તપાસતો.આગળ જઈ ફરી આવી તપાસતો અને સતત ચાવી બરાબર છે કે નહિ તે જોતો રહેતો.એક વાર રાત્રે તેણે ભગવાનને હાથ જોડી કહ્યું, ‘ભગવાન, જો હું રોજ સવાર સાંજ તમારાં દર્શન કરવા આવું છું.રોજ તમને યાદ કરું છું તો તમે પ્રસન્ન થાવ અને મારી પર તમારી કૃપા વરસાવો.’ આ પ્રાર્થના કરી તે સૂઈ ગયો. રાત્રે તેને સપનું આવ્યું કે ‘તેની પર ચારે બાજુએથી જુદાં જુદાં તાળાં અને ચાવીઓનો વરસાદ થઈ રહ્યો છે.માણસ ડરી ગયો અને ભગવાનને હાથ જોડી પ્રાર્થના કરવા લાગ્યો, ‘પ્રભુ, આ શું છે?’
ભગવાને કહ્યું, ‘તું વર્ષોથી સવાર સાંજ મારા મંદિરમાં મારાં દર્શન કરવા આવે છે ખરો, પણ તારા મનમાં તાળાં ચાવી જ હોય છે. તારી બંધ આંખો સામે મારી મૂર્તિ નહિ, પણ તાળાં ચાવી હોય છે.તારું ધ્યાન પણ તાળા ચાવીમાં જ હોય છે એટલે જેની પર તારું ધ્યાન છે તે તને મેં આપ્યું છે.’માણસની ઊંઘ ઊડી ગઈ અને તે હવે સાચે ભગવાનના દિલથી દર્શન કરવા લાગ્યો.જીવનમાં જેની પર ધ્યાન લગાવશો ..મનથી જેના વિચારો કરશો તે જ મેળવશો, માટે હંમેશા ઈશ્વરને મનમાં રાખો અને તેનું ધ્યાન ધરો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.