Sports

ધરમશાલા ટેસ્ટમાં અંગ્રેજોને હરાવી ભારતે ઈતિહાસ સર્જ્યો, બન્યા અનેક રેકોર્ડ

ધરમશાલા: ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ સિરિઝની અહીં ધરમશાલા ખાતે રમાયેલી પાંચમી ટેસ્ટ મેચ ભારતે જીતી લીધી છે. ભારતે આપેલી 259 રનની લીડ સામે ઈંગ્લેન્ડ માત્ર 195 રન જ બનાવી શક્યું હતું. ઈંગ્લેન્ડ તરફથી એક માત્ર જો રૂટે ફિફટી ફટકારી હતી. અન્ય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. પોતાની 100મી ટેસ્ટ રમી રહેલાં રવિચંદ્રન અશ્વિને બીજી ઈનિંગમાં 5 વિકેટ લીધી હતી. પાંચમી ટેસ્ટ મેચમાં અનેક રેકોર્ડ બન્યા હતાં. ઈંગ્લેન્ડના પીઢ બોલર જેમ્સ એન્ડરસરને પણ 700 વિકેટની સિદ્ધી હાંસલ કરી હતી.

ત્રીજા દિવસે જ અંગ્રેજોને હરાવ્યા
ભારતે ધર્મશાલામાં રમાયેલી પાંચમી ટેસ્ટ મેચમાં પણ ઈંગ્લેન્ડને હરાવ્યું હતું. આ રીતે ભારતે શ્રેણી 4-1થી જીતી લીધી હતી. ભારતીય ટીમે મેચના ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને મોટી હાર આપી હતી. ઈંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં પણ ‘તુ ચલ મેં આયા’ની તર્જ પર રહી હતી. માત્ર જો રૂટે સારું રમતા 84 રન બનાવ્યા હતા. તે આઉટ થનાર છેલ્લો બેટ્સમેન હતો.

ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ ટેસ્ટ સિરિઝની (IndiavsEngland) પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ધરમશાલા ખાતે રમાઈ રહી છે. આજે તા. 9 માર્ચના દિવસે મેચનો ત્રીજો દિવસ છે અને ભારત ડ્રાઈવીંગ સીટ પર છે. ઈંગ્લેન્ડના 218 રનના સ્કોર સામે ભારતે પહેલી ઈનિંગમાં 477 રનનો વિશાળ સ્કોર ખડો કરી ઈંગ્લેન્ડને 259 રનની લીડ આપી હતી. જોકે, ઈંગ્લેન્ડના બેટ્સમેનો ભારતીય સ્પીનર્સ સામે ટકી શક્યા નહીં અને 195 પર ઓલઆઉટ થયા હતા.

બીજી ઈનિંગમાં અશ્વિને લીધી 5 વિકેટ
રવિચંદ્રન અશ્વિને બીજી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી છે. જસપ્રીત બુમરાહને 2 સફળતા મળી. જ્યારે કુલદીપ યાદવને 2 વિકેટ મળી હતી. રવિન્દ્ર જાડેજા પણ એક વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. પોતાની 100મી ટેસ્ટ મેચ રમી રહેલા અશ્વિને સૌથી પહેલા બેન ડકેટને આઉટ કર્યો હતો. આ પછી અશ્વિને જેક ક્રાઉલી અને ઓલી પોપને આઉટ કર્યા હતા.

આ ત્રણેય બેટ્સમેન 36ના સ્કોર સુધી આઉટ થઈ ગયા હતા. ત્યાર પછી જોની બેરસ્ટોએ પોતાની 100 ટેસ્ટને યાદગાર બનાવવા માટે કેટલાક શોટ રમ્યા હતા, પરંતુ તે કુલદીપના સ્પિન જાદૂમાં ફસાઈ ગયો હતો. તે LBW આઉટ થયો હતો. ત્યાર બાદ લંચ પહેલા આર અશ્વિને ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સને પણ માત્ર 2 રન પર આઉટ કર્યો હતો. લંચ પછી પણ અશ્વિનનો જાદુ ચાલુ રહ્યો હતો. જ્યારે તેણે ઈંગ્લેન્ડના વિકેટકીપર બેન ફોક્સને આઉટ કર્યો હતો.

અશ્વિને કુંબલેનો રેકોર્ડ તોડ્યો
અશ્વિને કુંબલેનો રેકોર્ડ તોડ્યો હતો રવિચંદ્રન અશ્વિને બીજી ઈનિંગમાં 5 વિકેટ લેતાની સાથે જ ટેસ્ટ મેચની ઈનિંગમાં 36મી વખત આવું કર્યું. આ રીતે અશ્વિન ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ 5 વિકેટ ઝડપનાર ભારતનો ખેલાડી બન્યો છે. ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત 5 વિકેટ લેવાનો રેકોર્ડ મુથૈયા મુરલીધરનના નામે છે. તેણે આવું 67 વખત કર્યું. આ સાથે જ અશ્વિને 36 વખત આવું કરનાર સર રિચર્ડ હેડલીની બરાબરી કરી હતી. શેન વોર્ને ટેસ્ટ ક્રિકેટમાં પાંચ વખત એક ઇનિંગમાં 37 વખત આ કારનામું કર્યું છે.

ભારતે 112 વર્ષ પછી ઈતિહાસ સર્જયો
પાંચમી ટેસ્ટ પહેલાં એવો પ્રશ્ન ઉઠ્યો હતો કે, શું ભારતીય ટીમ 112 વર્ષ પછી ઐતિહાસિક રેકોર્ડ બનાવશે? તો તેનો જવાબ છે હા. ભારતે 112 વર્ષ પછી ઈતિહાસ સર્જવામાં સફળતા મેળવી છે. આ અગાઉ ભારતીય ટીમે ટેસ્ટમાં 0-1થી પાછળ રહ્યા બાદ પુનરાગમન કરીને 7મી વખત શ્રેણી જીતી છે. ઈંગ્લેન્ડને 5મી ટેસ્ટમાં હરાવી ભારતે 0-1થી પાછળ રહ્યાં 8 મી વખત સિરિઝ જીતી છે. 112 વર્ષ બાદ આ રેકોર્ડ બન્યો છે. આ રેકોર્ડ 5 મેચની ટેસ્ટ શ્રેણીમાં પ્રથમ મેચ હારવાનો અને પછીની તમામ 4 મેચ જીતવાનો છે.

આ અગાઉ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં આવું માત્ર 3 વખત બન્યું હતું. પ્રથમ 1897-98 દરમિયાન થયું હતું. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ એશિઝ શ્રેણીમાં ઈંગ્લેન્ડ સામે આ સિદ્ધિ મેળવી હતી. આ પછી ઓસ્ટ્રેલિયાએ બીજી વખત પણ આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું. તેઓએ એશિઝ શ્રેણી 1901/02માં ઇંગ્લેન્ડને 4-1થી હરાવ્યું હતું. ભારતે 17 ટેસ્ટ શ્રેણી જીતવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ત્રીજા દિવસે રોહિત શર્મા મેદાનમાં ઉતર્યો નહીં
રોહિત ત્રીજા દિવસે મેદાનમાં નહીં આવે. તેની પીઠમાં દુખાવો છે. આ અપડેટ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે વાઈસ કેપ્ટન જસપ્રીત બુમરાહ હાલમાં કેપ્ટનશિપની ભૂમિકા નિભાવી રહ્યો છે. રોહિત પાંચેય ટેસ્ટ રમી ચુક્યો છે અને તેને વર્કલોડના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તેણે ગુરુવારે શાનદાર સદી ફટકારી હતી. તેણે 103 રનની ઇનિંગ રમી અને ઘણો સમય ક્રિઝ પર વિતાવ્યો. જો કે, તેની પીડા કેટલી ગંભીર છે તે જોવું રહ્યું, કારણ કે IPL પણ 22 માર્ચથી શરૂ થઈ રહી છે.

Most Popular

To Top