Editorial

મોદી સરકારે એલપીજી સીલિન્ડરના ભાવ ઘટાડ્યા પણ પેટ્રોલ અને ડિઝલના ભાવો ક્યારે ઘટશે?

લોકશાહીમાં મતદારોને ચૂંટાયેલી સરકારનો ભાગ્યે જ ફાયદો મળે છે. ભારતમાં તો છેલ્લા સાત દાયકાની આઝાદીમાં રાજકીય પાર્ટીઓ દ્વારા અનેક વાયદાઓ કરવામાં આવ્યા પરંતુ તેનો ફાયદો મતદારો સુધી પહોંચ્યો હોય તેવું ક્યારેક જ બન્યું છે. જો રાજકારણીઓ પાસેથી ફાયદો મળતો હોય તો તે ચૂંટણી પહેલા જ મળે છે. ચૂંટણી બાદ કોઈ નેતા હાથમાં આવતો જ નથી. ઘરેલું એલપીજી સીલિન્ડરની બાબતમાં પણ એવું જ થયું છે. જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી ત્યારે ગેસના બાટલાનો ભાવ 450ની આસપાસ હતો પરંતુ બાદમાં મોદી સરકારના સમયમાં આ બાટલાનો ભાવ વધીને 1000 રૂપિયાની આસપાસ પહોંચી ગયો હતો.

ગેસના બાટલાના વધેલા ભાવની સામે જે તે સમયે ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ તો તત્કાલિન વડાપ્રધાન મનમોહનસિંહને બંગડીઓ મોકલવાની પણ જાહેરાત કરી હતી અને બાદમાં મોદી સરકારના સમયમાં સ્મૃતિ ઈરાની આ મુદ્દે જ ટ્રોલ પણ થયા હતા. ખેર એ જૂની વાતો થઈ ગઈ પરંતુ હવે લોકસભાની ચૂંટણી માથે છે ત્યારે કેન્દ્રની મોદી સરકારે ઘરેલું એલપીજી સીલિન્ડરના ભાવમાં100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. વિશ્વ મહિલા દિવસે કરાયેલા આ ઘટાડાને મોદી સરકારની મહિલાઓને ભેટ ગણાવાઈ રહી છે પરંતુ જોવામાં આવે તો હજુ પણ એલપીજી સીલિન્ડરના ભાવમાં ઘટાડો થવો જોઈએ.

મોદીજીએ ટ્વીટર પર આ જાહેરાત કરી હતી. મોદી સરકારે આ ઉપરાંત ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી સીલિન્ડર દીઠ રાહતને એક વર્ષ માટે વધારવાની પણ મંજૂરી આપી છે. આ રાહત 300 રૂપિયા પ્રતિ સીલિન્ડરમાં મળે છે. મોદી સરકારે જે રીતે એલપીજી સીલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો છે તે જોતાં આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી પહેલા મોદી સરકાર દ્વારા પેટ્રોલ-ડિઝલના ભાવમાં પણ ઘટાડો થવાની સંભાવના દેખાઈ રહી છે. દેશના મોટા શહેરોમાં ગેસની લાઈનો છે પરંતુ નાના શહેરોમાં પરિવારો દ્વારા એલપીજી સીલિન્ડરનો જ ઉપયોગ કરવામાં આવે છે.

ગેસ સીલિન્ડરનો ઉપયોગ કરનાર પરિવારોની સંખ્યા લાખોમાં છે અને આ 100 રૂપિયાના ઘટાડાથી તેમને ફાયદો થશે. જોકે, આ ઘટાડા બાદ પણ એલપીજી સીલિન્ડરનો ભાવ વધારે છે. મોદી સરકારે જ્યારે પેટ્રોલ અને ડિઝલના ભાવો વધ્યા ત્યારે એલપીજી સીલિન્ડરના ભાવો વધાર્યા હતા પરંતુ જ્યારે પેટ્રોલ અને ડિઝલના વૈશ્વિક ભાવો ઘટ્યા ત્યારે એલપીજી સીલિન્ડરના ભાવો ઘટાડવામાં આવ્યા નહોતા. જેને પગલે આજે લોકોએ વધારે નાણાં આપીને એલીપીજી સીલિન્ડર ખરીદવા પડી રહ્યા છે.

ભારત એક એવો દેશ છે કે જેમાં ધનિક વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગ, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ છે. સરકારનું હંમેશા એ દાયિત્વ રહેવું જોઈએ કે દેશનો પ્રત્યેક ગરીબ કે મધ્યમ વર્ગનો વ્યક્તિ કે પરિવારનું ઉત્થાન થાય પરંતુ સરકારના નિર્ણયો એવા હોય છે કે જેનાથી  તેમને મોટા લાભ થતો નથી. ધનિક વર્ગને ભાવ વધારાની પડી નથી. મરો મોટા ભાગે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારનો જ થાય છે અને સરકારે આ વાત સમજવી જરૂરી છે. પેટ્રોલ-ડિઝલ, એલપીજી સીલિન્ડર કે પછી સીએનજી, આ તમામનો ઉપયોગ કરનાર વર્ગ ગરીબ કે મધ્યમ છે. એક સમયે આ તમામ બળતણ લકઝરી ગણાતી હતી પરંતુ વૈશ્વિક વિકાસની સાથે સાથે આ તમામ બળતણો હવે સામાન્ય પરિવાર માટે જરૂરીયાત બની ગયા છે. જેથી આનો ભાવ જેટલો ઓછો હોય તેટલો જરૂરી છે.

પરંતુ સરકારો આ વાત સમજતી નથી. ભૂતકાળમાં પેટ્રોલ અને ડિઝલના ભાવોમાં વધારો થતાં કેટલાક રાજ્યની સરકારો દ્વારા એક્સાઈઝ ડ્યુટી ઘટાડીને પેટ્રોલ અને ડિઝલના ભાવો ઓછા કર્યા હતા તેમ છતાં પણ હાલમાં પણ આ બળતણોના ભાવ વધારે છે. મોદી સરકાર માટે ચૂંટણી પહેલા મતદારોને રીઝવવા માટે આ બળતણોમાં ભાવ ઘટાડવાની નવી તક છે. જોકે મોદી સરકાર હવે આ તક ઝડપે છે કે તેમ તે સમય જ કહેશે.

Most Popular

To Top