નવી દિલ્હી: પશ્ચિમ બંગાળની (West Bengal) મમતા બેનર્જી સરકારને બુધવારે કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે શાહજહાં શેખને (ShahJahan Sheikh) આજે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સીબીઆઈને (CBI) સોંપવાનો આદેશ કર્યો હતો, પરંતુ સમયમર્યાદા વીતી ગઈ છે અને હવે પણ સીબીઆઈ (CBI) માત્ર રાહ જોઈ રહી છે. આ વખતે સીબીઆઈ કેન્દ્રીય સુરક્ષા દળ સાથે આવી છે. આ પહેલા સીઆઈડીની ટીમ શાહજહાંને મેડિકલ તપાસ માટે લઈ ગઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ કોર્ટે ગઇ કાલે મંગળવારે શાહજહાંને સીબીઆઇને સોંપવાનો આદેશ આપ્યો હતો. પશ્ચિમ બંગાળ હાઇકોર્ટના આદેશ વિરુદ્ધ મમતા સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. પરંતુ કોર્ટે તરત જ તેની સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. તેમજ કલકત્તા હાઈકોર્ટે પશ્ચિમ બંગાળ સરકારને આદેશનો તાત્કાલિક અમલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
કલકત્તા હાઈકોર્ટના જસ્ટિસ હરીશ ટંડન અને જસ્ટિસ હિરન્મય ભટ્ટાચાર્યની ખંડપીઠે પોતાના આદેશમાં કહ્યું કે અમે 5 માર્ચે આપેલા અમારા આદેશને લઈને ગંભીર છીએ. સુપ્રીમ કોર્ટમાં SLP દાખલ કરવામાં આવી છે. પરંતુ હજુ સુધી અમારા આદેશ પર કોઈ સ્ટે આવ્યો નથી. તેથી શાહજહાંને બુધવારે સાંજે 4.15 વાગ્યા સુધીમાં સીબીઆઈને સોંપવામાં આવે.
કોર્ટે કહ્યું કે અમે અવમાનના સંદર્ભમાં નોટિસ જારી કરી છે અને બંગાળ સીઆઈડી વિભાગને બે અઠવાડિયામાં એફિડેવિટ-જવાબ દાખલ કરવા કહ્યું છે. કલકત્તા હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ દલીલ કરી હતી કે હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં રાજ્ય પોલીસે આદેશનું પાલન કર્યું નથી. આરોપીને એમ કહીને સોંપવામાં આવ્યો નથી કે સુપ્રીમ કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે.
સીબીઆઈએ કહ્યું કે બંગાળ પોલીસે અમારા અધિકારીઓને ગેરમાર્ગે દોરતું ખોટું નિવેદન આપ્યું કે આજે સુપ્રીમ કોર્ટમાં તેમના પડકારની સુનાવણી કરવામાં આવશે. EDએ કહ્યું કે અમને માત્ર 15 દિવસની જ કસ્ટડી મળી શકે છે. જો આ દિવસો પસાર થશે, તો અમારી કસ્ટડીનો કોઈ અર્થ રહેશે નહીં. મમતા સરકાર પર મોટો આરોપ લગાવતા EDએ કહ્યું કે હાઈકોર્ટે શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાનું કહ્યું હતું. પરંતુ હજુ સુધી આ કરવામાં આવ્યું નથી.
અગાઉ મમતા બેનર્જી સરકારને સંદેશખાલી અને શેખ શાહજહાંના મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી પણ તાત્કાલિક રાહત મળી ન હતી. મમતા સરકારે આ મામલે તાત્કાલિક સુનાવણી માટે કોર્ટમાં અપીલ કરી હતી. પરંતુ કોર્ટે આ વાતનો ઈનકાર કરી દીધો હતો. તેમજ અરજીમાં રાજ્ય સરકારે હાઈકોર્ટના આદેશ પર વચગાળાનો સ્ટે મૂકવાની વિનંતી કરી હતી.
મમતા સરકારે આ આક્ષેપો કર્યા હતા
બંગાળની મમતા સરકારે કહ્યું હતું કે અમારી એસઆઈટી તપાસ કરી રહી હતી. ત્યારે પાયાવિહોણા આક્ષેપો કરીને કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકારે કહ્યું હતું કે કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરવો તે ખોટું છે. આ સુપ્રીમ કોર્ટના જૂના આદેશોનું ઉલ્લંઘન છે. રાજ્ય પોલીસે આ મામલે ઝડપ બતાવી છે અને તેની તપાસ હજુ ચાલી રહી છે.