ઈપ્કોવાલા ગ્રાઉન્ડમાં જાઈન્ટ એર લપસણીમાં મોજ માણી રહેલા ભૂલકાં ગભરાયાં
નડિયાદની પાવનભૂમિ શ્રી સંતરામ મહારાજના ચમત્કાર અને આશીર્વાદથી આશ્રિત છે અને તેના જ કારણે ખૂબ મોટી દુર્ઘટના બનવા છતાં જાનહાનિ ટળી છે. મહાસૂદ પૂનમનો મેળાનો રવિવારે અંતિમ દિવસ હતો, જે દરમિયાન મોડી રાતે એક જાઈન્ટ બલુન જેને બાળકોની ભાષામાં ફૂગ્ગામાં કૂદવાનું કહેવાય છે, તે જાઈન્ટ બલુનમાં બાળકો મોજ માણી રહ્યા હતા, તે દરમિયાન અચાનક આ બલુનમાંથી હવા નીકળી ગઈ હતી અને તેમાં બાળકો ફસાઈ ગયા હતા.
નડિયાદના સંતરામ મંદિરના ચોગાન સહિત, બાસુદીવાલા, પારસ અને ઈપ્કોવાલા ગ્રાઉન્ડમાં લોકમેળો ચાલી રહ્યો હતો અને રવિવારે આ મેળાનો અંતિમ દિવસ હતો. આ અંતિમ દિવસે એક ગોંઝારી ઘટના ટળી ગઈ છે. રવિવારની મોડી સાંજે ઈપ્કોવાલા ગ્રાઉન્ડ ખાતેના જાઈન્ટ બલુનમાં બાળકો કૂદીને મજા લઈ રહ્યા હતા. તે વખતે એકાએક આ જાઈન્ટ બલુનમાંથી હવા નીકળી ગઈ. હવા નીકળી જતા જ મહાકાય જાઈન્ટ બલુનમાં રમતા બાળકો તેમાં ફસાઈ ગયા હતા. આટલા મોટા બલુનમાં ફસાઈ જવાથી બાળકોના શ્વાસ રુંધાવાથી માંડી અન્ય મોટી દુર્ઘટના સર્જાય તેવી ભીંતિ હતી. વળી, આ દુર્ઘટના બન્યા બાદ બલુનના સંચાલકે બાળકોને બહાર કાઢવાના બદલે તેમના માતા-પિતા સાથે માથાકૂટ કરવાની શરૂ કરી હતી. પરંતુ પુણ્ય અને તપની ભૂમિ કહેવાતી શ્રી સંતરામ મહારાજની પાવન ભૂમિ નડિયાદમાં કોઈ મોટી દુર્ઘટના અને જાનહાનિ થઈ નથી અને તમામ બાળકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ ઘટના દરમિયાન માથાકૂટ કરનારા બલૂન સંચાલકની પોલીસે ધરપકડ કરી છે. તેમજ આ સમગ્ર મામલે સંચાલક સામે કાયદેસરની ફરીયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી પણ સાંપડી રહી છે.
નડિયાદના મેળામાં લપસણીમાંથી અચાનક હવા નીકળી જતા બાળકો ફસાયા
By
Posted on