સુરત: છેલ્લાં એક મહિના કરતા વધુ સમયથી સુરત શહેરમાં કાયમી પોલીસ કમિશનરની નિયુક્તી થઈ નથી, ત્યારે શહેરમાં ક્રાઈમ હદ વટાવી રહ્યો છે. શહેરમાં સ્પાની આડમાં ચાલતું વધુ એક કુટણખાનું પકડાયું છે, જ્યાં માત્ર 500 રૂપિયાની નજીવી રકમમાં યુવતીઓ શરીરનો સોદો કરતી હતી. જોકે, આ યુવતીઓને તો માત્ર 300 રૂપિયા જ મળતા હતા.
સુરતના મહિધરપુરા પોલીસ મથકની હદમાં દિલ્હીગેટ ભાગળ રોડ પર રૂપાલી ટી સેન્ટરની ઉપર સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ક્રાઈમ બ્રાન્ચના એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ઝડપી પાડ્યું છે. યુનિટે સ્પામાંથી 6 ભારતીય યુવતીઓને મુક્ત કરાવી છે. જ્યારે સ્પાના બે સંચાલક અને એક ગ્રાહકની ધરપકડ કરી હતી. સ્પા માલિક કુખ્યાત રામચંદ્ર સ્વાઈને વોન્ટેડ જાહેર કરાયો છે. સ્પામાંથી યુનિટે રોકડ, મોબાઈલ અને કોન્ડોમ મળી કુલ રૂ.30,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે મહિધરપુરા પોલીસ મથકની હદમાં દિલ્હીગેટ ભાગળ રોડ પર રૂપાલી ટી સેન્ટરની ઉપર પહેલા માળે એરોમા ઘી બ્યુટી સ્પામાં કુટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી, જેના આધારે યુનિટે રેઇડ કરતા દેહવ્યાપાર ચાલતો હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
ટ્રાફીકીંગ યુનિટે બે સંચાલક ઉમાશંકર રસપાલ વર્મા ( ઉ.વ.38, રહે.ઘર નં.ઈ-27, માતૃશકિત સોસાયટી, પુણાગામ, સુરત. મૂળ રહે.ઉત્તરપ્રદેશ ) અને સાવન અલી ઉર્ફે બાપી રહમત અલી શેખ ( ઉ.વ.33, રહે.ઘર નં.404, ઢબુવાલા ગલી, નવસારી બજાર, સગરમપુરા, સુરત. મૂળ રહે.પ.બંગાળ ) તેમજ ગ્રાહક ગૌતમ સંતોષ મોરે ( ઉ.વ.37, રહે.કૃષ્ણ કૃપા સોસાયટી, જુના પરવત ગામ, પુણા, સુરત. મૂળ મહારાષ્ટ્ર ) ને ઝડપી પાડી ત્યાંથી પ.બંગાળ અને ઑડિશાની છ ભારતીય યુવતીઓને મુક્ત કરાવી હતી. એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે ત્યાંથી રોકડા રૂ.8300, બે મોબાઈલ ફોન અને 11 કોન્ડોમ મળી કુલ રૂ.30,300 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
સ્પા માલિક કુખ્યાત રામચંદ્ર ઉર્ફે રામુ સુદર્શન સ્વાઈ ( રહે. ઘર નં.7, રામકૃપા સોસાયટી, ગેટ નં.1, લંબે હનુમાન રોડ, વરાછા, સુરત. મૂળ રહે. ગંજામ, ઓરિસ્સા ) ને વોન્ટેડ જાહેર કર્યો હતો. સ્પા માલિક અને સંચાલકો ગ્રાહક પાસે રૂ.500 લઈ લલનાને રૂ.300 આપતા હતા. ઉલ્લેખનીય છે કે પત્ની સાથે દેહવ્યાપારના વ્યવસાયમાં વર્ષોથી સક્રિય અને અગાઉ એમ.ડી.ડ્રગ્સ સાથે ઝડપાયેલા રામચંદ્ર સ્વાઈનું આ કુટણખાનું બીજી વખત ઝડપાયું છે. અગાઉ આ જ સ્થળે એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટે જ રેઇડ કરી હતી.