SURAT

કોયલી ખાડીમાં ગંદકી ફેલાવતા 9 કારખાનેદારો સામે સુરત મનપાએ કરી કડક કાર્યવાહી

સુરત: તાજેતરમાં સુરત શહેરે દેશની નંબર વન ક્લીન સિટીની સિદ્ધિ મેળવી છે, ત્યારે હજુ પણ શહેરમાં કેટલાંક વિસ્તારો એવા છે જ્યાં પુષ્કળ પ્રમાણમાં ગંદકી છે. શહેરના લિંબાયત વિસ્તારમાંથી પસાર થતી કોયલી ખાડીમાં એટલી બધી ગંદકી છે કે આસપાસમાં રહેતા લોકોનું જીવવું દુષ્કર બન્યું છે.

ખાડી કિનારેના કારખાનેદારો ગંદુ દૂષિત કેમિકલયુક્ત પાણીનો નિકાલ ખાડીમાં કરતા હોવાના લીધે ખાડીમાં વધુ ગંદકી થઈ રહી હોવાની ફરિયાદ ઉઠતાં આખરે સુરત પાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આજે શનિવારે સુરત મનપાના તંત્રએ સ્થળ તપાસ કરીને કારખાનેદારો વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

લિંબાયતમાં નવા કમેલા પાસેથી પસાર થતી કોયલી ખાડીમાં છેલ્લા ઘણા સમયથી આસપાસ આવેલા ઔદ્યોગિક એકમો દ્વારા કાપડના વેસ્ટેજનો નિકાલ કરવામાં આવતો હતો. એક તરફ ચોમાસાની સિઝન દરમિયાન ખાડીપુરને કારણે નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતાં નાગરિકોની હાલત દર વર્ષે કફોડી થતી હોય છે ત્યારે બીજી તરફ આ રીતે ઔદ્યોગિક એકમો દ્વારા ખાડીમાં કચરો ઠાલવવામાં આવતાં સ્થિતિ વધુ વિકટ નજરે પડી રહી હતી.

આ સિવાય કારખાનેદારો દ્વારા ખાડીમાં કાપડના વેસ્ટેજના નિકાલને પગલે ગંદકીને કારણે મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળવાની પણ દહેશત સર્જાઈ હતી.

મામલો બહાર આવતા જ લિંબાયત ઝોનના આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક આ વિસ્તારમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અધિકારીની ટીમે ઘટના સ્થળે પહોંચીને ખાડીમાં ગંદકી ફેલાવતા 9 કારખાનેદારોને શોધી કાઢ્યા હતા અને તેઓને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સાથે જ નોટીસ પણ આપી હતી.

ભવિષ્યમાં આ પ્રકારે ખાડીમાં ગંદકી અને કચરાનું નિકાલ ન કરવા અંગે પણ કારખાનેદારોને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું. આ સાથે જ આસપાસના તમામ એકમોને ભવિષ્યમાં ખાડીમાં ગંદકી કે કચરો ન ઠાલવવા અંગે પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Most Popular

To Top