નવી દિલ્હી: અમેરિકામાં (America) લોસ એન્જલસની (Los Angeles) એક અદાલતે મૂળ ગુજરાતના (Gujarat) પાંચ ભાઈઓના કાનૂની વિવાદના (A legal dispute) કેસમાં 21 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. ભારતના પાંચ ભાઈઓ વચ્ચેના બે દાયકાથી ચાલતા જટિલ કૌટુંબિક ઝઘડાનું પરિણામ લોસ એન્જલસ સુપિરિયર કોર્ટમાં ચાર ભાઈ-બહેનોની તરફેણમાં 7 બિલિયન ડોલરના આશ્ચર્યજનક ચુકાદા તરીકે આવ્યું છે.
આ કેસમાં પ્રતિવાદી હરેશ જોગાણીને તેના ભાઈઓ શશિકાંત, રાજેશ, ચેતન અને શૈલેષ જોગાણીને USD 2.5 બિલિયનથી વધુનું નુકસાન ચુકવવા અને લગભગ 17,000 એપાર્ટમેન્ટ ધરાવતા તેમના સધર્ન કેલિફોર્નિયા પ્રોપર્ટી એમ્પાયરનો હિસ્સો વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
અહેવાલ મુજબ, કોર્ટે 21 વર્ષ જૂના જોગાણી પરિવારના જમીન વિવાદમાં (Jogani Family Controversy) ચૂકાદો (Judgment) જાહેર કર્યો છે. હરેશ જોગાણીને તેના ચાર ભાઈઓને 2,000 કરોડ રૂપિયાથી વધુનું વળતર ચૂકવવા અને દક્ષિણ કેલિફોર્નિયામાં તેની મિલકતના સામ્રાજ્યના શેર વહેંચવાનો આદેશ આપવામાં આવ્યો છે.
જોગાણી પરિવાર અમેરિકામાં અબજોની મિલકત ધરાવે છે. તેમની પાસે અંદાજે 17,000 એપાર્ટમેન્ટ છે, જેની કિંમત અબજો યુએસ ડોલર થાય છે. જોગાણી પરિવારમાં મિલકતના ભાગલા માટે 2003માં વિવાદ થયો હતો. ત્યારે જ કેસ દાખલ કરાયો હતો. હરેશ જોગાણીએ તેના ભાઈ-બહેનો સાથે લાંબા સમયથી ચાલતી ભાગીદારી તોડી નાંખી હોવાના આરોપ પર ટ્રાયલ શરૂ થઈ હતી.
લગભગ 21 વર્ષ સુધી કાનૂની વિખવાદ ચાલ્યા બાદ અંતે કોર્ટે ચૂકવણી અને સંપત્તિના ભાગલા માટે કોર્ટે ચુકાદો આપ્યો હતો. લોસ એન્જલસ સુપિરિયર કોર્ટમાં 18 અપીલ દાખલ કરવામાં આવી હતી, જેમાં વકીલોની પેઢીઓ અને પાંચ ન્યાયાધીશોએ કેસની સુનાવણી કરી હતી. અહેવાલો અનુસાર, કોર્ટ દ્વારા 2,000 કરોડ રૂપિયાના દંડ ચૂકવવા આદેશ કર્યો છે પરંતુ તેમાં પણ વધારો કરવામાં આવી શકે છે.
શું હતો વિવાદ?
મૂળ ગુજરાતના વતની જોગાણી બંધુઓએ યુરોપ, આફ્રિકા, ઉત્તર અમેરિકા અને મધ્ય પૂર્વમાં વૈશ્વિક હીરાના વેપાર દ્વારા ખૂબ કમાણી કરી હતી. 2003માં નોંધાયેલી ફરિયાદ મુજબ શશિકાંત જોગાણી 1969માં કેલિફોર્નિયા ગયા હતા અને ત્યાં જ્વેલરીનો બિઝનેસ શરૂ કર્યો હતો. ત્યાર બાદ પ્રોપર્ટીનું કામ કરતી પોતાની ફર્મ શરૂ કરી હતી.
1990 ના દાયકાની શરૂઆતમાં મંદીને કારણે પરિવારને મોટું નુકસાન થયું હતું. ત્યારે શશિકાંત જોગાણી તેમના ભાઈઓને પેઢીમાં ભાગીદાર બનાવ્યા હતો. તેમની ફરિયાદ મુજબ હરેશ જોગાણીએ પાછળથી ભાગીદારી તોડી નાંખી અને તેના ભાઈને પેઢીના સંચાલનમાંથી બળજબરીપૂર્વક દૂર કર્યા હતા. આ સાથે જ રૂપિયા ચૂકવવાનો ઇનકાર કર્યો હતો. શશિકાંત જોગાણીની ફરિયાદ મુજબ આ ત્યારે થયું જ્યારે કંપનીએ ખરીદીની શરૂઆત કરી હતી અને લગભગ 17,000 એપાર્ટમેન્ટ યુનિટનો પોર્ટફોલિયો બનાવ્યો હતો.
મૌખિક કરારના ભંગને ધ્યાનમાં લઈ કોર્ટે ચૂકાદો આપ્યો
હરેશ જોગાણીની એવી દલીલ હતી કે લેખિત કરાર વિના તેમના ભાઈ-બહેનો તેમની સાથે ભાગીદારી હોવાનું સાબિત કરી શકતા નથી. પરંતુ લોસ એન્જલસ કોર્ટને જાણવા મળ્યું કે હરેશે મૌખિક કરારનો ભંગ કર્યો છે. જ્યુરીએ જુબાની સાંભળી અને જાણવા મળ્યું કે હીરાના વેપાર અને ગુજરાતી સમુદાય બંનેમાં મૌખિક કરારો પ્રચલિત છે.
રિપોર્ટ અનુસાર, શશિકાંત જોગાણીના વકીલે કહ્યું કે કાયદો કહે છે કે કોઈ પણ વ્યક્તિ મૌખિક કરાર કરી શકે છે જે લેખિત કરાર જેટલું જ મૂલ્યવાન છે. દાયકાઓ પછી અનેક અપીલો અને આક્ષેપો તેમજ હરેશ જોગાણીની વંશીય દુશ્મનાવટના આક્ષેપો સાંભળ્યા બાદ જ્યુરીએ ચુકાદો આપ્યો હતો. કોર્ટે તારણ કાઢ્યું કે 77 વર્ષીય શશિકાંત જોગાણી રિયલ એસ્ટેટ ભાગીદારીના 50 ટકાની માલિકી ધરાવે છે તેથી તેમને વળતર મળવું જોઈએ.