Gujarat

અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં શાહરૂખ સલમાન અક્ષય બિલ ગેટ્સ જુકરબર્ગ સહિત અનેક VVIP જામનગર પહોંચ્યા

જામનગર: (Jamnagar) વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીના (Anant Ambani) રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન થવા જઈ રહ્યા છે. બંને 12 જુલાઈએ મુંબઈમાં લગ્ન કરશે.  આ માટે જામનગરના રિલાયન્સ ગ્રીન્સમાં 1 થી 3 માર્ચ દરમિયાન અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેડિંગ ફંક્શન યોજાવાનું છે. ગુજરાતના જામનગરમાં પ્રી-વેડિંગનું ભવ્ય આયોજન કરવામાં આવશે. ત્યારે જામનગરમાં VVIPનો જમાવડો થયો છે. બોલિવૂડ સ્ટાર્સ ઉપરાંત રાજકીય હસ્તીઓ, મોટા ઉદ્યોગપતિઓ, આંતરરાષ્ટ્રીય મહેમાનો પણ કપલના લગ્ન પહેલાની ઉજવણીમાં ભાગ લેવા પહોંચી ગયા છે. મહેમાનોને જામનગર લાવવા માટે દિલ્હી અને મુંબઈથી ચાર્ટર્ડ ફ્લાઈટની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. 

અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શન માટે બોલિવૂડ સેલેબ્સ એક પછી એક જામનગર પહોંચવા લાગ્યા છે. શાહરૂખ ખાન તેના પરિવાર સાથે અહીં પહોંચ્યો હતો. સલમાન ખાન, દિપીકા રણવીર, અભિષેક બચ્ચન, ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ પ્રી-વેડિંગ બેશનો ભાગ બનવા જામનગર પહોંચી ગયા છે. રાધિકા અને અનંતની પ્રી-વેડિંગ સેરેમનીમાં હાજરી આપવા માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ મહેમાનો આવી રહ્યા છે. રિહાનાથી લઈને ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, બિલ ગેટ્સ, દુબઈના શેખ મોહમ્મદ બિન રશીદ પણ જામનગર પહોંચ્યા છે. મહેમાનોની સુરક્ષા માટે 900થી વધુ પોલીસકર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. એરપોર્ટથી લઈને રિલાયન્સ ટાઉનશિપ સુધી કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

અનંત અંબાની અને રાધિકાના પ્રી-વેડિંગ કાર્યક્રમને  યાદગાર બનાવવા માટે અતિ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેમાનો માટે ગ્રીન રૂમ બનાવવામાં આવ્યો છે. ગ્રીન રૂમને દેશી વિદેશી ફુલોથી સજાવવામાં આવ્યો છે. પ્રી-વેડીંગમાં આવેલા મહેમાનો માટે દેશની વિવિધ જાણીતી  મિઠાઇઓ અને વાનગીઓ પીરસવામાં આવી રહી છે. કેસર પેંડા, ડ્રાયફ્રુટ સુખડી, સુરતની ઘારી, ચુરમાના લાડું, ખંભાતનું હલવાસન, ગુજરાતી મોહનથાળ પિરસવામાં આવી રહ્યા છે.

જણાવી દઈએ કે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ કાર્યક્રમમાં દેશ-વિદેશથી સેલિબ્રિટીઝ આવી પહોંચ્યા છે. એમના રહેવા માટે રિલાયન્સ ટાઉનશિપમાં છેલ્લા બે માસથી જબરજસ્ત વ્યવસ્થા ચાલી રહી છે. ટાઉનશિપની અંદર 150 જેટલા બંગલાઓ બનાવવામાં આવ્યા છે જ્યાં વીઆઈપી અને વીવીઆઈપી મહેમાનોને ઉતારો આપવામાં આવશે. આ બંગલાઓમાં 3 બેડરૂમ, હોલ, કિચન તેમજ આધુનિક બાથરૂમ વગેરેની સુવિધાઓ કરવામાં આવી છે. અહીં આધુનિક ટેન્ટ પણ બનાવવામાં આવ્યા છે જેમાં બંગલા જેવી જ સુવિધાઓ છે.

Most Popular

To Top