સુરત: (Surat) શહેરના એ.કે.રોડ ખાતે આવેલી કે.જી.કે ડાયમંડ પ્રા.લી કંપનીમાં બોઈલર વિભાગના કર્મચારી દ્વારા બોઈલીંગ માટે આપવામાં આવતા કંપનીના હીરાની ચોરી (Diamond Thief) કરાતી હતી. અને તેના બદલામાં સસ્તા હીરા મુકી છેતરપિંડી કરતો હતો. આ કારીગરે અત્યાર સુધીમાં અનેકવાર આ રીતે હીરામાં બદલો મારી મુંબઈ અને સુરતમાં મિલકત વસાવી છે. વરાછા પોલીસમાં તેની સામે ગુનો નોંધાતા પોલીસે વધારે તપાસ હાથ ધરી છે.
- પેઢીમાંથી અનેકવાર હીરાનો બદલો મારી ચોરી કરી હતી: સુરત અને મુંબઈમાં મિલકતો વસાવી લીધી
- ભાવેશ પર શંકા જતા સીસીટીવીમાં હીરા બદલી કરતો કેદ થયો હતો
- કે.જી.કે ડાયમંડ પ્રા.લી કંપનીમાં બોઈલર વિભાગના કર્મચારીની કલાકારી
વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નવસારી ટાટા હોલની બાજુમાં સિધ્ધી કોમ્પ્લેક્ષમાં રહેતા દેવેન્દ્રકુમાર મનોહરલાલ લલવાની (ઉ.વ.૫૩) ડાયમંડ પોલિસીંગ, મેન્યુફેક્ચરીંગ તથા ઈમ્પોર્ટ એક્ષપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ વરાછા એ.કે.રોડ ખાતે પુરસોત્તમ જીનીંગ મીલ કમ્પાઉન્ડમાં આવેલ કે.જી.કે ડાયમંડ્સ (આઈ) પ્રા.લી કંપનીમાં એડમીન અને આઈટી મેનેજર તરીકે નોકરી કરે છે. ગઈકાલે કંપનીમાં બોઈલર વિભાગમાં ફરજ બજાવતા ભાવેશ સહદેવ નાકતે (ઉ,વ.૩૨.રહે, કુબેર પાર્ક સોસાયટી વેડરોડ કતારગામ) સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યા મુજબ ભાવેશ વર્ષ 2015થી કંપનીમાં નોકરી કરે છે. ગત તા. 1 જાન્યુઆરી થી ૨૮ ફેબ્રુઆરી સુધીમાં ભાવેશ નાકતે દ્વારા કંપની દ્વારા તેને બોઈલ કરવા માટે આપવામાં આવતા હીરામાંથી અમુક પ્રમાણમાં હીરા ચોરી કરી તેના બદલામાં અન્ય કંપનીના સસ્તા હીરા પેકેટ ભેળવી દઈ હીરા ચોરી કરતો હતો. ભાવેશ નાકતેએ કંપનીમાંથી હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલક્તો પણ ખરીદી હતી.
બોક્સ: ભાવેશે મહારાષ્ટ્રમાં ખરીદેલી જમીન સાથેનો ફોટો અને લેટર એક વ્યકિતએ મોકલતા પકડાયો
ભાવેશ કંપનીમાંથી હીરા ચોરી કરતો હોવાનો એક લેટર આશિષભાઈ નામના વ્યકિતએ મોકલ્યો હતો. જેમાં ભાવેશએ મહારાષ્ટ્રમાં ખરીદેલી જમીન સાથે તેનો ફોટો મોકલ્યો હતો. તેમજ ભાવેશ હીરા ચોરી કરી મુંબઈ અને સુરતમાં મિલ્કતો ખરીદી હોવાનો ઉલ્લેખ કર્યો હતો. આ લેટર બાદ દેવેન્દ્રકુમાર તેમજ કંપની દ્વારા ભાવેશ ઉપર વોચ ગોઠવી હતી. જેમાં ભાવેશ સીસીફુટેજમાં હીરા બદલી કરતો કેદ થયો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.