સુરત-વ્યારા: વ્યારા (Vyara) એસીબીએ (ACB) સોનગઢના (Songadh) સીંગપુર ખાતેના પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રમાંથી પશુધન નિરિક્ષકને લાંચ (Bribe) લેતા રંગેહાથ ઝડપી (Arrest) પાડતા ચકચાર મચી ગઈ છે. આરોપીએ બકરાંની (Goat) કાન કડી તેમજ પ્રમાણપત્ર ઈશ્યુ કરવા માટે લાંચ માંગી હોવાની ફરિયાદ મળતા એસીબીએ છટકું ગોઠવી આજે આરોપીને રંગેહાથ પકડી પાડ્યો હતો.
- સોનગઢના સીંગપુર ખાતે આવેલા પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રનો પશુધન નિરિક્ષક લાંચ કેસમાં પકડાયો
- પશુધન નિરિક્ષક કિરણકુમાર છગન ચૌધરીએ બકરાંની ખરીદી પર 50 ટકા સબસીડીનો લાભ આપવા લાંચ માંગી હતી
- તાપી એસીબીએ છટકું ગોઠવી લાંચિયા પશુધન નિરિક્ષકને રંગેહાથ ઝડપી પાડ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર સરકારી યોજનામાં બકરા ખરીદવા માટે લાભાર્થીને સરકાર તરફથી 50 % સબસીડી આપવામાં આવે છે. આ યોજના હેઠળનો લાભ આપવા માટે સીંગપુર પશુ સારવાર કેન્દ્રના પશુધન નિરિક્ષક કિરણકુમાર છગન ચૌધરીએ ફરિયાદી પાસેથી લાંચ માંગી હતી. ફરિયાદીએ એસીબીને ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી આરોપીને રંગેહાથ ઝડપી પાડ્યો છે.
આ કેસની વધુમાં મળતી વિગત અનુસાર તાપી જિલ્લાના એક ફરિયાદી ખેતી તથા પશુપાલનનો વ્યવસાય કરે છે. ફરિયાદીએ વર્ષ 2022-23માં અનુસુચિત જનજાતિની મહિલા લાભાર્થીઓ માટે બકરા એકમ (10+1) સ્થાપના માટે સહાય યોજનામાં બકરા ખરીદવા માટે પોતાની પત્નીના નામે આઈ ખેડુત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી હતી. આ યોજનામાં બકરા ખરીદવા માટે લાભાર્થીને સરકાર તરફથી 50% સબસીડી આપવામાં આવે છે.
આ યોજનાનો લાભ લેવા માટે માટે બકરાની કાનકડી તેમજ પ્રમાણપત્ર હોવું આવશ્યક છે. તેથી ફરિયાદી કાનકડી અને પ્રમાણપત્ર લેવા માટે સોનગઢ જિલ્લાના સીંગપુર પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રના પશુધન નિરિક્ષક કિરણકુમાર છગનભાઈ ચૌધરી પાસે ગયા હતા.
બકરાઓની કાનકડી તેમજ પ્રમાણપત્ર આપવાના અવેજ પેટે આરોપી પશુધન નિરિક્ષક કિરણકુમાર ચૌધરીએ ફરીયાદી પાસે સૌપ્રથમ રૂપિયા 28,000ની લાંચની માંગણી કરી હતી. રકઝકના અંતે રૂપિયા 10,000 આપવા પડશે તેવું નક્કી થયું હતું. પરંતુ ફરિયાદી સરકાર ની યોજના બાબતે પૈસા આપવા માંગતો ન હતા તેથી ફરિયાદીએ તાપી જિલ્લા એસીબી પોલીસ સ્ટેશનમાં ઈન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એચ.ચૌધરીને ફરિયાદ કરી હતી, જેના આધારે એસીબીએ છટકું ગોઠવ્યું હતું.
ગઈ તા. 28 ફેબ્રુઆરીની સાંજે વ્યારા જનક હોસ્પિટલની બાજુમાં આવેલા ઈન્ડિયન પેટ્રોલ પંપની સામે ત્રણ રસ્તા ઉપર જાહેરમાં કિરણકુમાર છગનભાઈ ચૌધરીને એસીબીએ ફરિયાદી પાસે પૈસા લેતા ઝડપી પાડ્યો હતો. આ મામલે વધુ કાર્યવાહી એસ.એચ.ચૌધરી, પો.ઇન્સ. ઈન્ચાર્જ કરી રહ્યાં છે.