સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની તપાસ દરમિયાન કચેરીના દરવાજા પાસે ઉભો હતો
આણંદ જિલ્લાની સરકારી કચેરીઓમાં વચેટિયાઓ માટે પ્રતિબંધ હોવા છતાં કેટલાક શખ્સો ઘુસી જતાં હોય છે. બોરસદની સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ નોંધણી સમયે અનઅધિકૃત વ્યક્તિ મળી આવ્યો હતો. જેની સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો.
બોરસદ તાલુકા સેવા સદનમાં આવેલી સબ રજીસ્ટ્રાર કચેરીમાં 21મી ફેબ્રુઆરી,24ના રોજ હિમાદ્રીબહેન દેવરાજભાઈ ઠુમ્મર સબ રજીસ્ટ્રાર તરીકે ફરજ પર હાજર હતાં. આ સમય દરમિયાન સવારના આશરે પોણા બારેક વાગ્યાના સુમારે આણંદ સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ વિમલકુમાર કે. બારોટ અચાનક ઓફિસની મુલાકાતે આવ્યાં હતાં અને ઓફિસની તપાસણી કરી હતી. આ તપાસણી દરમિયાન મલેક સમીરૂદ્દીન નશીરૂદ્દીન (રહે. પેટલાદ) દસ્તાવેજના કામ માટે આવેલા અરજદારના કહેવાથી તેઓની સાથે આવેલો હતો અને કચેરીના દરવાજા પાસે ઉભો હતો. આથી, તપાસણી અધિકારી એસડીએમે શંકાના આધારે સમીરૂદ્દીનની પુછપરછ કરતાં તેણે વકીલ સોહિલ સૈયદ પેટલાદની ઓફિસમાં નોકરી કરતો હોવાનું અને તેમના અસીલ નજીરમિયાં વગેરેએ બોરસદની જમીનમાં આવેલા મકાનમાં હક્ક કમી કરવા માટે દસ્તાવેજની નોંધણી કરાવવા માટે આવ્યાં હોવાનું જણાવ્યું હતું. આથી, એસડીએમએ લેખીતમાં આદેશ કરી સમીરૂદ્દીન નશીરૂદ્દીન મલેક અનઅધિકૃત લાગતા તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવા જણાવ્યું હતું. આ આદેશના પગલે હિમાદ્રીબહેન ઠુમ્મરે બોરસદ શહેર પોલીસ મથકે સમીરૂદ્દીન નશીરૂદ્દીન મલેક સામે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બોરસદ સબ રજીસ્ટ્રાર કચેરીમાં શંકાસ્પદ વ્યક્તિ પકડાયો
By
Posted on