ફિલ્મી દ્રશ્યો સર્જાયાઃ બુટલેગરોએ એકબીજા પાછળ કાર દોડાવી, બાઈક અને રાહદારી અડફેટે આવ્યા
નડિયાદમાં યુવતી ભગાડી જવાના વહેમમાં 2 બુટલેગર જૂથ વચ્ચે તલવારોનું પ્રદર્શન અને ધીંગાણુ મચ્યુ, ક્રોસ ફરિયાદ નોંધાઈ
નડિયાદ પશ્ચિમ વિસ્તારના 2 કુખ્યાત બુટલેગરો વચ્ચે આજે યુવતીને ભગાડી જવાના વહેમમાં તલવારોનું પ્રદર્શન થયુ હતુ અને ગાડીઓ લઈ એકબીજાની ઉપર ચઢાવી દેવા માટે બેફામ હંકારતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. આ સમગ્ર મામલે બંને પક્ષોએ સામસામે ક્રોસ ફરિયાદ નોંધાવી છે. જો કે, તેમના આ ફિલ્મી અંદાજની લડાઈમાં શહેરમાં એક બાઈક ચાલક અને રાહદારી અડફેટે આવી પટકાયા હોવાની પણ માહિતી મળી છે.
નડિયાદમાં પોલીસની નબળાઈના એક બાદ એક કિસ્સા સામે આવી રહ્યા છે. પોલીસ અને કાયદાનો જાણે ડર જ ન હોય તે રીતે ફિલ્મી અંદાજમાં આજે પશ્ચિમ વિસ્તારના બે બુટલેગર પરિવારો સામે સામે આવી ગયા હતા. જેમાં બુટલેગર ઈકબાલ ઉર્ફે મુન્નો પઠાણ અને સામે માસુમ મહીડાના પરીવાર વચ્ચે આ બિના બની છે. એકતરફ બુટલેગર ઈકબાલનો ભત્રીજો સોહીલ ચપ્પુ લઈ નીકળ્યો હોય અને બીજીતરફ માસુમ મહીડાનો ભત્રીજો સાહીલ તલવાર લઈ નીકળ્યો હોય તેવા દ્રશ્યોનો ઉલ્લેખ કર્યો છે. તો વળી, માસુમ મહીડાનો ભાઈ અજીત મહીડા પોલીસમાં જવાબ લખાવવા વહેલી સવારે નીકળ્યો હતો, તે વખતે આ ઈકબાલ ઉર્ફે મુન્ના અને તેના ભત્રીજા સોહીલે ક્રેટા ગાડી તેમની પાછળ દોડાવી ઉપર ચઢાવી દેવા પ્રયાસ કર્યો હોવાનું પણ જણાવ્યુ છે. આ સમગ્ર ઘટનામાં શહેરમાં એક બાઈકચાલક અને રાહદારી અડફેટે આવતા પટકાયા હોવાની પણ વિગતો સાંપડી છે. ત્યારે આખી બિનામાં પોલીસની જાણે બુટલેગરો પર ધાક જ ન રહીં હોય, તેમ તલવારો અને ચપ્પા લઈ પ્રદર્શન કરાયુ છે. તો સાથે જ ફિલ્મી અંદાજમાં કાર પર બીજી કાર ચઢાવવા પ્રયાસ થયો છે. ત્યારે પોલીસ આ સમગ્ર મામલે માત્ર મારામારીની સામાન્ય ફરિયાદ નોંધી બેફામ બનેલા બુટલેગરો સામે પાંગળી સાબિત થઈ રહી હોય તેમ લાગી રહ્યુ છે.
જો કે, સમગ્ર મામલે પોલીસે માત્ર બંને પક્ષની સામસામે ફરિયાદ નોંધી છે, જેમાં એક ફરિયાદમાં અજીત મહીડાએ જણાવ્યુ છે કે, ઈકબાલ અને તેના ભત્રીજાએ તેમને અને તેમના દિકરાને ધમકીઓ આપી હતી. જ્યારે બીજી ફરીયાદમાં સોહીલ પઠાણે જણાવ્યુ છે કે, અજીત મહીડાના દિકરા માહીર મહીડાને તેની બહેન સાથે પ્રેમસબંધ હોય, તેને ભગાડી ગયો હોવાની શંકાના કારણે તેની પૂછપરછ કરવા જતા અજીત મહીડા, માસુમ મહીડા અને સાહીલ મહીડાએ ધાક-ધમકીઓ આપી છે. ત્યારે પોલીસે હાલ બંને પક્ષની ફરીયાદ નોંધી તપાસ આદરી છે.
નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં યુવતીને ભગાડી જવાનો શક રાખી બે પરિવાર વચ્ચે માથાકૂટ થઇ હતી અને આ માથાકૂટ મારામારીમા પરીણમતા નડિયાદ પશ્ચિમ પોલીસમાં સામસામે ફરિયાદ નોંધાઈ છે.