Charchapatra

બ્રેડલાઈનર સર્કલ પાસે વધુ બાંકડા જરૂરી

સુરત શહેરના ઉધના મગદલ્લા રોડ મેયરના બંગલાની બાજુથી બ્રેડ લાઇનર સર્કલથી શરૂ થતા અલથાણમાં આવેલા સોહમ સર્કલથી પનાસ સુધી બનેલો વોક વે જે બનિયાન ગ્રીન વેથી ઓળખાય છે. તે લાંબો અને પહોળો અને ખૂબ જ સુંદર છે પરંતુ પૂરતી જાળવણીના અભાવે તેમાં મૂકવામાં આવેલા અમુક બેસવાના બાંકડા તૂટી ગયા છે. અથવા તો અસામાજિક તત્ત્વોએ તોડી નાખ્યા હોય તેવું બની શકે છે. જૂજ બચેલા બાંકડા છે તે જોગીંગ માટે આવનારાં લોકોને બેસવા માટે ઓછા પડે છે. ઉંમરલાયક માણસ લટાર મારવા આવે અને થાકે ત્યારે તેઓ બેસી શકે તે માટે વધુ બાંકડા મૂકવાની અત્યંત જરૂર છે.

બીજું એકે આ વોક વે પર માણસોની મોટી સંખ્યામાં અવરજવર રહેતી હોય તેમની સલામતી માટે અહીં સી.સી. ટી.વી. કેમેરા મૂકવાની પણ ખાસ જરૂર છે. જેથી ક્યારેક કોઇ અનિચ્છનીય ઘટના બનતી રોકી શકાય. આ સુંદર વોક વેની જાળવણી અને સલામતી માટે ખાસ કરીને સિનિયર સિટીઝનોને બેસવા માટે બાંકડા મૂકવામાં આવે તે માટે 04-02-2024ના રોજ એસ.એમ.સી.ને ઓનલાઇન રજૂઆત કરી હતી તે મુજબ બ્રેડલાઇનર સર્કલ પાસે ત્રણ ચાર બાંકડા મૂકવામાં આવ્યા છે તે ઘણા ઓછા છે. વોક વે ઘણો લાંબો છે. હજુ વધુ બાંકડા મૂકવાની ખાસ જરૂર છે. મ્યુનિસિપલ કમિશનર આ બાબત ધ્યાન પર લઇ યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી છે.
સુરત     – વિજય તુઇવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

પલટુરામને મતદારોએ સજા કરવી જોઇએ
હમણાં ચૂંટણી આવી રહી છે. એટલે કેટલાક પક્ષ પલટુરામ કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષપલટો કરી જશે અને કેટલાક ભાજપમાંથી કોંગ્રેસમાં પણ જશે. વાસ્તવમાં આ તો જે પક્ષને માનનારાઓએ મતો આપ્યા તેઓને પક્ષપલટુઓએ પૂછવું પડે. ‘હું બીજા પક્ષમાં ગુલાંટ મારું?’ આ તો પ્રજાનો (મતદારોનો) દ્રોહ કરેલો ગણાય. મતદારોએ એવા પલટુરામને મત ન આપીને રાજકારણના ખેતરમાંથી ઉખેડીને ફેંકી દેવા જોઇએ. આ તો વાનર વૃત્તિ કહેવાય. એક ડાળીએથી બીજી અને ત્યાંથી ત્રીજી અને પાછી પ્રથમ ડાળ પર વાનર આવે એવું પક્ષપલટુઓ કરતાં હોય છે.

પક્ષપલટો કરવા માટે ચૂંટણી પંચે કડક નિયમો ઘડવા જોઇએ. પાંચ વર્ષ સુધી પક્ષપલટો ન જાય એવો નિયમ લાવવો જોઇએ. જેથી સરકાર તૂટે નહીં. ફરી ચૂંટણી થાય નહીં, ચૂંટણીનો ખોટો ખર્ચ થાય નહીં.  કેટલાક તકસાધુ હોય છે. તકની શોધ કરતાં હોય છે. તક મળીને કૂદકો માર્યો, પહોંચી ગયો ચાલતી દોડતી ગાલ્લીમાં અને તે મિનિસ્ટર પણ બની જાય એવું પણ બને અને પ્રજા મુરખ બનતી રહે એવું પણ બને. બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે ગુલાંટ મારી આવ્યા પાછા ભાજપના ટોળામાં. ખરેખર પક્ષપલટો કરવા માટે ચોક્કસ નિયમો હોવા જોઇએ. થશે ખરું?
નવસારી        – મહેશ નાયક – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top