પહેલાંના સમયમાં ઉનાળામાં લગ્નની સીઝન ચાલતી,કારણ ઉનાળામાં દિવસ લાંબો હોવાથી લગ્નના વરઘોડાને સરળતા રહે. સુરતની વસ્તી ઘણી ઓછી હતી, વરઘોડો એક પરાથી બીજા પરામાં જતો, શેરીમાંથી સાંજે પાંચ વાગે વરઘોડો નીકળી જતો. ધીમે ધીમે વરઘોડો શેરીઓમાં ફરતો, વરઘોડામાં આગળ ચાર ડ્રેસવાળા છોકરા ઝંડા લઈને ચાલે, તેની પાછળ બે નગારા ત્રાસાવાલા નગારા વગાડે, તેની પાછળ સુરતનું નામાંકિત બેન્ડ હોય, બેન્ડમાં બે મોટા વાજાવાળા હોય, પછી નાના વાજા અને ડ્રમ વાગતા હોય, બેન્ડમાં ફક્ત ફિલ્મી ધૂન વાગતી હોય, એટલે કહેવાતું કે ‘વાજતે-ગાજતે વરઘોડો કાઢ્યો’.
( સમયાંતરે અમુક સુરતી જ્ઞાતિઓમાં બેન્ડ પર પ્રતિબંધ મુકાતા, તેનું સ્થાન માઇકની લારીએ લીધું હતું) વરઘોડાના સાજનમહાજનમાં પ્રથમ હરોળમાં કાળી ટોપી, કોટ અને ધોતિયાવાળા વડીલો ચાલતા હોય, વડીલોની પાછળ આધેડ વયના અને યુવાનો ચાલે અને વચ્ચે ‘વરરાજા’ ઘોડા પર બિરાજે, વરરાજા સંગાથે છત્રીવાળો ચાલતો હોય, ઘોડાની પાછળ વરરાજાની માતા રામણદીવો લઈને ચાલતી હોય અને સગાં સંબંધી મહિલાઓ લગ્નનાં મંગળ ગીતો ગાતી હોય, જે શેરીમાં લગ્નનો માંડવો કે ચંદરવો બાંધ્યો હોય તેની નીચેથી વરઘોડો પસાર થતો નહિ.
વરઘોડો જોવા શેરીઓના ઓટલા ભરાઈ જતા. શેરીમાં બે વરઘોડા સામસામે થાય ત્યારે વરરાજા નાળિયેર બદલતા અને એકબીજાને શુભેચ્છા આપતા. શેરીમાંથી વરઘોડો સગાના ઘર પાસેથી પસાર થાય ત્યારે ઘરની મહિલા વરરાજાના માથે પૈસા ઓવારતી, સાથે વરરાજાને ઠંડા પીણાં પીવડાવવાનો પણ રિવાજ હતો. મિત્રો વરરાજાને મીઠું પાન ખવડાવતા. વરઘોડો અજવાળે અજવાળે કન્યાના ઘરે પહોંચી જતો. બે ચાર કલાકમાં લગ્નની વિધિ આટોપી રાત્રે બાર વાગ્યા પહેલાં કન્યાવિદાયની વિધિ સંપન્ન થઈ જતી. વૈવાહિક જીવનનું પ્રથમ ચરણ ‘વરઘોડો’ વરપક્ષ માટે યાદગાર ક્ષણ હોય છે.
સુરત – કિરીટ મેઘાવાલા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.
મધુરજની : કીચન જ છે હનીમૂન પોઈન્ટ
જીવન સરિતાને તીરેમાં લેખક વર્તમાન સમાજની મેલી ગંગાને તીરે બેસીને તેમની કોલમને સન્ડે ઇઝ બીગર ધેન મન્ડે કરે છે તેમાં દિવસને પણ મધુરસથી ભરી દે છે તે ખુદ મધુસૂદનને પણ ગમે છે. હમણાં તો એક પત્નીવ્રત અને એક પતિવ્રતને ઉજાગર કરતા ભારતીય સંસ્કૃતિનાં અજોડ મહાકાવ્ય રામાયણની વાતમાં રામલ્લાનું અયોધ્યાનું મંદિર દાનપેટીથી એટલું ઉભરાઈ જાય છે કે એને પાંચ વખત ઉલેચવી પડે છે. ત્યારે ગનીચાચાની રંક નારની ચૂંદડી યાદી આવી જતાં આ લખવા મજબુર થવું પડયું. માફ કરજો.
ધરમપુર – ધીરુ મેરાઈ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.