Gujarat

કોને ટિકીટ આપવી?, લોકસભાની ચૂંટણી માટે રાજ્યભરમાં ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ

ગાંધીનગર (Gandhinagar) : લોકસભાની ચૂંટણી (Loksabha Election) નજીકમાં જ છે. ટૂંક સમયમાં ચૂંટણીનું શિડ્યુલ જાહેર થવાની શક્યતા છે ત્યારે ગુજરાત ભાજપ (Gujarat BJP) દ્વારા આજે તા. 26 ફેબ્રુઆરીથી તમામ લોકસભા બેઠકમાં સેન્સ પ્રક્રિયા (Sense Process) હાથ ધરવામાં આવી છે. સેન્સ મેળવ્યા બાદ 27 તારીખે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ભાજપ ની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનું આયોજન કરાયું છે.

આ બેઠકમાં લોકસભાની બેઠક દીઠ કયા ઉમેદવારોને ટીકીટ આપવા તે અંગે ચર્ચા વિચારણા કરાશે. ત્યાર બાદ તા. 28મી ફેબ્રુઆરીએ દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે જેમાં ઉમેદવારોના નામની યાદી પર અંતિમ મહોર મારવામાં આવશે.

લોકસભાની ચૂંટણીને લઇને ભાજપે પૂરજોશમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ દ્વારા આજે સોમવાર તા. 26 ફેબ્રુઆરીથી તમામ લોકસભા બેઠક પર સેન્સ પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ભાજપ દ્વારા લોકસભા બેઠક મુજબ સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. લોકસભા બેઠકના ભાજપ પ્રભારી અને સહ પ્રભારી બે દિવસ સેન્સ પ્રક્રિયા હાથ ધરશે.

ઉપરાંત ક્લસ્ટર ઇન્ચાર્જ, પ્રભારી, સહપ્રભારીઓને પણ સેન્સ લેવા સૂચના આપવામાં આવી છે. ભાજપના કાર્યાલયો પર કાર્યકરો અને સ્થાનિક નેતાઓનો મત તેઓ જાણશે. ઉમેદવારોને પણ સાંભળવામાં આવશે. સવારથી જ વિવિધ લોકસભા બેઠક પર મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારો પહોંચી રહ્યા છે. સ્થાનિક હોદ્દેદારો, કાર્યકરો, વિવિધ મોરચાના આગેવાનો પણ પોતાનો મત રજૂ કરી રહ્યા છે.

સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગુજરાત ભાજપની 27મી એ મુખ્યમંત્રીના નિવાસસ્થાને ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બેઠક મળશે જેમાં લોકસભા બેઠક દીઠ આવેલા ઉમેદવારોના નામ પર મંથન થશે. આ મંથન બાદ 28 તારીખ દિલ્હીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બેઠક મળશે જેમાં વિવિધ રાજ્યોમાંથી લોકસભા બેઠક દીઠ આવેલા નામો પર ચર્ચા થશે અને ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવશે.

સુરતમાં નિરિક્ષકો આવ્યા
સુરતમાં પણ નિરિક્ષકો આવી પહોંચ્યા છે. સેન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે. સુરતમાં મીનાક્ષી પટેલ, જયસિંહ ચૌહાણ, માજી મંત્રી દિલીપ ઠાકોર, નવસારીમાં બાબુભાઇ દેસાઇ, અર્જુન ચૌધરી, મનીષા વકીલ જ્યારે બારડોલીમાં નિમિષા સુથાર, જયદ્રથ સિંહ પરમાર અને આત્મારામ પરમાર પહોંચ્યા છે. તેઓ માત્ર અપેક્ષિતો ને જ સંભાળશે.

Most Popular

To Top