સુરત(Surat) : સુરતના મહેમાન બનેલા કેન્દ્રીય સામાજિક ન્યાય અને આધિકારીતાના રાજ્ય કક્ષાના મંત્રી રામદાસ આઠવલેના (RamdasAthavale) એક નિવેદને રાજકારણમાં ગરમાટો લાવી દીધો છે. આઠવલેએ કોંગ્રેસના સર્વેસર્વા સોનિયા ગાંધી વિશે ચોંકાવનારું સ્ટેટમેન્ટ કર્યું છે. આઠવલેએ કહ્યું કે, સોનિયા ગાંધી (SoniaGandhi) ડરી ગયા છે? તેમની ઉંમર થઈ ગઈ છે. આઠવલેએ આવું નિવેદન કેમ કર્યું?, સોનિયા ગાંધી કોનાથી ડરી ગયા છે? ચાલો જાણીએ..
સુરતમાં પત્રકાર પરિષદને સંબોધતા કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ કહ્યું કે, સોનિયા ગાંધીની ઉંમર થઈ છે. તેમને હવે લોકસભાની ચૂંટણીમાં હારનો ડર લાગી રહ્યો છે. એટલે જ તેમણે રાજ્યસભામાં ગયા છે. તેમની પાર્ટી કોંગ્રેસે મહારાષ્ટ્રમાં 1 અને ઉત્તરપ્રદેશમાં 2 સીટ માટેની માગણી કરી છે. જો ટિકિટ મળશે તો પોતે પણ નાસિક શિરડીથી ચૂંટણી લડશે.
મોદી સૌને સાથે લઈને ચાલે છે: આઠવલે
રામદાસ આઠવલેએ વધુમાં કહ્યું કે, નરેન્દ્ર મોદી સૌને સાથે લઈને ચાલે છે. 2019માં રિપબ્લિકન પાર્ટી નરેન્દ્ર મોદી સાથે હતી. લોકસભામાં અમારી એક પણ બેઠક ન હોવા છતાં મને મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. અમે આ ચૂંટણીમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે છીએ.
સરકારે 10 લાખ નોકરીનું વચન પુરું કર્યું: આઠવલે
આઠવલે મોદી સરકારની પ્રશંસા કરતા કહ્યું કે, મોદીની ગેરન્ટી સાચી હોય છે. મોદી સરકારે 10 લાખ નોકરી આપવાનો વાયદો પૂરો કર્યો છે. સરકારે 49 એરપોર્ટ નો વિકાસ કર્યો છે. મોદી સરકારમાં કોઈ કૌભાંડ થયાં નથી. દેશની ઇકોનોમી 3 નંબર પર આવશે ત્યારે અમેરિકા 1 નંબર પર અને ચાઇના 2 નંબર પર હશે. દિવ્યાંગ લોકો માટે સરકારે અનેક યોજનાઓ બનાવી છે. 2.68 કરોડ દિવ્યાંગ લોકો દેશમાં છે અને તેમના માટે અલગ મંત્રાલય પણ બનાવવામાં આવ્યું છે.અમારું મંત્રાલય પણ દિવ્યાગ માટે કામ કરી રહ્યું છે.
રામમંદિર નિર્માણનો ફાયદો થશે: આઠવલે
આઠવલેએ વધુમાં કહ્યું કે, આ વખતે લોકસભા ચૂંટણીમાં મોદી સરકાર 400નો આંકડો પાર કરશે. ઈન્ડિયા ગઠબંધન ભૂંડી રીતે હારશે. મોદી તમામ ધર્મના લોકોને સાથે રાખીને કામ કરી રહ્યા છે. મોદી હિન્દૂ છે પણ તેઓ બૌદ્ધ ધર્મનો આદર કરે છે. 2024નો માહોલ મોદી માટે ખૂબ જ સારો છે. રામમંદિરનો મોદીજીને ચોક્કસ ફાયદો થશે,
અમારી પાર્ટીએ મહારાષ્ટ્રમાં 1 બેઠક માંગી : આઠવલે
કેન્દ્રીય મંત્રીએ વધુમાં કહ્યું કે, અમારી પાર્ટીએ મહારાષ્ટ્રમાં અમે 1 સીટ માગી છે. ઉત્તર પ્રદેશમાં 2 સીટ પણ માગી છે અમે 4થી 5 સીટની માગણી કરી છે. આ બાબતે અમિત શાહ અને ભાજપા અધ્યક્ષ જેપી નડા સાથે વાત થઈ છે. બાબા સાહેબને કોંગ્રેસે બે વખત હરાવ્યા હતા. મને પણ કોંગ્રેસે હરાવ્યો એટલે મારી ઈચ્છા શિરડી બેઠક પરથી લડવાની છે.