National

ઈન્ડિયન આર્મીએ ભારત-ચીન બોર્ડર પર હિમવર્ષામાં ફસાયેલા 500 ટુરીસ્ટને બચાવ્યા, જુઓ વીડિયો

નવી દિલ્હી: ભારતીય સેનાના (IndianArmy) જવાનોની બહાદુરી વર્ણવતી વધુ એક ઘટના બની છે. પૂર્વ સિક્કીમમાં (EastSikikim) ભારત ચીન બોર્ડર (IndiaChinaBorder) પાસે નાથુ લા પાસ (NathuLaPass) નજીક ફરવા ગયેલા 500 ટુરીસ્ટની (Tourist) 175 જેટલી બસો ભારે હિમવર્ષાને (SnowFall) લીધે ફસાઈ ગઈ હતી. ઝીરો ડિગ્રીથી ઓછું ટેમ્પરેચર હોવા છતાં ભારતીય સેનાના જવાનોએ સાહસ દેખાડી તમામ 500 ટુરીસ્ટને સુરક્ષિત સ્થળે ખસેડી તેઓનો જીવ બચાવ્યો હતો.

ભારતીય સેનાના સૈનિકો મુશ્કેલ સંજોગોમાં પણ ફરજ બજાવીને દેશમાં શાંતિ અને સૌહાર્દ પુનઃસ્થાપિત કરે છે. આ સિવાય દેશને દુશ્મનોથી બચાવવાનો હોય કે દેશવાસીઓને મુસીબતોમાંથી ઉગારવાનો હોય, સેના હંમેશા મોખરે ઉભી જોવા મળે છે. આ ક્રમમાં સેનાના બહાદુર જવાનોએ પોતાનો જીવ જોખમમાં મૂકીને બરફમાં ફસાયેલા 500 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.

મળતી માહિતી મુજબ સિક્કિમમાં ભારત-ચીન બોર્ડર પર નાથુલા પાસ નજીક ટુરીસ્ટની 175 બસ ફસાઈ હતી. આ બસોમાં 500 જેટલાં પ્રવાસીઓ હતા. પ્રવાસીઓ બરફમાં ફરવાની મજા લઈ રહ્યાં હતાં ત્યારે અચાનક ભારે હિમવર્ષા શરૂ થઈ હતી, જેના લીધે બરફમાં જ 500 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. આ અંગેની માહિતી મળતા જ ભારતીય સેનાના જવાનો ઘટના સ્થળે દોડી ગયા હતા અને ઓછા ઓક્સિજનના લીધે જે પ્રવાસીઓની તબિયત બગડી હતી તેઓને ઊંચકી લઈ જઈ સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ભારતીય સેનાના જવાનોએ પ્રવાસીઓના જીવ બચાવી લીધા હતા. સેનાએ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપી હતી.

સેનાએ કહ્યું કે ત્રિશક્તિ કોર્પ્સના જવાનોને ત્યાં બચાવ માટે મોકલવામાં આવ્યા હતા અને ફસાયેલા પ્રવાસીઓને મદદ પૂરી પાડી હતી. પ્રવાસીઓને ગરમ ભોજન અને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી અને સલામત પરિવહન પ્રદાન કરવામાં આવ્યું હતું, નિવેદનમાં જણાવાયું છે. ત્રિશક્તિ કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આને લગતી કેટલીક તસવીરો પણ શેર કરી છે.

Most Popular

To Top