ગાંધીનગર: (gandhinagar) પીએમ નરેન્દ્ર મોદી (Narendra Modi) આગામી તા.22મી ફેબ્રુ.ના રોજ અમદાવાદ આવી પહોચશે. ત્યારબાદ મોદી મહેસાણાના તરભ ગામમાં પહોંચશે, જ્યાં ભગવાન વાડીનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. સૌરાષ્ટ્ર , ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતની લોકસભાની બેઠકો પર નજર રાખીને પીએમ નરેન્દ્ર મોદીના કાર્યક્રમનું આયોજન કરાયું છે. ખાસ કરીને પીએમ મોદી દ્વારકામાં સિગ્નેચર બ્રિજ તથા રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ કરનાર છે.
- મોદી 22મીએ મહેસાણાના તરભમાં અને અમદાવાદ અમૂલના કાર્યક્રમમાં હાજરી આપશે
- 22મીએ જ નવસારીમાં મિત્રા પાર્કનો શિલાન્યાસ, 24મીએ દ્વારકાના સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ સહિતના કાર્યક્રમો
પીએમ નરેન્દ્ર મોદી આગામી તા.22મી ફેબ્રુ.ના રોજ અમદાવાદ આવી પહોચશે. ત્યારબાદ મોદી મહેસાણાના તરભ ગામમાં પહોંચશે, જ્યાં ભગવાન વાડીનાથના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે. વિસનગરના તરભમાં ભવ્યાતિભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. રબારી સમાજની ગુરુગાદી એવા તરભમાં વાડીનાથ મહાદેવના મંદિરનું નિર્માણ કરાયું છે. મહેસાણાથી તેઓ અમદાવાદ મોદી સ્ટેડિયમ ખાતે આવશે, અહીં અમૂલ ફેડરેશનના સહકાર સંમેલનમાં પણ ઉપસ્થિત રહેશે. સહકાર સંમેલનમાં સંબોધન પણ પ્રધાનમંત્રી કરશે.
ત્યારપછી દક્ષિણ ગુજરાતનો પ્રવાસ કરશે, જ્યાં કાકરાપારમાં એટોમિક પાવર પ્રોજેક્ટનું નિરીક્ષણ કરશે. તો નવસારીમાં પીએમ મિત્રા પાર્કનો શિલાન્યાસ કરશે. કરોડોના ખર્ચે આ પાર્કનું નિર્માણ થઈ રહ્યું છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ યોજનાઓનું પણ વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ શિલાન્યાસ કરશે. અહીંથી તેઓ સીધા વારાણસી જવા રવાના થશે.
પીએમ મોદી તા.24મીએ પપરત આવશે અને રાજકોટમાં એઈમ્સનું લોકાર્પણ કરશે. ત્યારબાદ તેઓ દ્વારકામાં સિગ્નેચર બ્રિજનું ઉદ્ધાટન કરશે. આ એવો બ્રિજ છે જે દ્વારકાથી ઓખાને જોડે છે. અત્યાર સુધી યાત્રિકોને બોટ દ્વારા દ્વારકાથી ઓખા જવું પડતું હતું, પરંતુ આ બ્રિજ બનવાથી યાત્રિકો પોતાની ગાડી લઈને જ સીધા ઓખા પહોંચી શકશે. પીએમ મોદી દ્વારકામાં રાત્રિ રોકાણ કરશે અને સાથે જ દ્વારિકાધિશના દર્શન પણ કરશે.