વડોદરા તા.19
વડોદરામાં વધુ એક વખત પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. શહેરના છાણી આઉટગ્રોથ વિસ્તારમાં પાણીની લાઈનમાં ભંગાણ પડ્યું હતું. જેથી વોર્ડના કાઉન્સિલરે કોન્ટ્રાક્ટરની બેદરકારીને લઈ તેને પેનલ્ટી કરવા માંગ કરી હતી.
સ્માર્ટસિટી વડોદરામાં ઉનાળાની શરૂઆતે પાણીની બુમરાણો ઉઠી છે. ત્યાંતો પાણીની લાઈનોમાં લીકેજ થવાની સમસ્યાથી નગરજનો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે શહેરમાં વધુ એક વખત પાણીની લાઈનમાં ભંગાણ થતા છેલ્લા કેટલાક દિવસથી લોકોને પાણી નહીં મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના છાણી કેનાલ રોડ પર આઉટ ગ્રોથ વિસ્તારમાં પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ પડતા લાખો લિટર પાણી વેડફાયું હતું. વાતની જાણ થતાં ઇલેક્શન વોર્ડ નંબર એકના કોંગ્રેસના કાઉન્સિલર જહા દેસાઈ દ્વારા પાણીની લાઈન તોડી નાખનાર કંપનીના કોન્ટ્રાક્ટરને પેનલ્ટી કરવા માંગ કરી છે. આ પાઇપલાઇનમાં ભંગાણના કારણે વિસ્તારના લોકોને 10 થી 15 દિવસ સુધી પાણી ન મળતા ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે કાઉન્સિલર જહા દેસાઈએ સ્થળ પર આવી નિરીક્ષણ કર્યું હતું અને તાત્કાલિક આ કામગીરીને દુરસ્ત કરવા સૂચન આપ્યું હતું. જેથી પાલિકા દ્વારા પાઇપલાઇન દુરુસ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
