પોલીસતંત્ર સરકારી ભાષામાં ગૃહખાતું કહેવાય છે, તેમાં પ્રજાસત્તાક અને માનવતાપૂર્ણ દૃષ્ટિ રહેલી છે. પોલીસકર્મીઓ લોકો માટે ઘરના સેવકો ગણવાનો આત્મીયતાભરેલો આશય તેમાં જોવાય છે. અંગ્રેજોના દીર્ઘકલીન શાસનમાં પોલીસકર્મીઓનો વ્યવહાર અલગ ભલે રહ્યો, જેને લીધે પોલીસના દંડા, હાથકડી, ટોર્ચરીનો ભય સર્જાયો હતો, આઝાદ ભારતમાં પોલીસોનું નવું સ્વરૂપ પણ પ્રગટ્યું છે.
આસમાની સુલતાની આપત્તિઓમાં કે વાર તહેવારે બંદોબસ્ત અને સેવા, બદીઓ રોકવા માટેનાં પરિબળ સ્વરૂપે સૂઝબૂઝ સાથે કાયદામાં રહીને કામગીરી માટે અહર્નિશ ખડે પગે કાર્યરત પોલીસકર્મીઓ સાથે શાંતિ સમિતિના સભ્યો રહે છે અને સૂચનો કરવા સાથે યોગ્ય કામગીરી પણ બજાવે છે. ખોવાયેલ બાળક હોય કે અસ્થિર મગજની વ્યક્તિ કે માર્ગ ભૂલેલાઓને પથદર્શક સહાયક પણ તેઓ બને છે. અકસ્માતોમાં ડોક્ટરો પાસે પહોંચાડે છે. લાવારિસ મૃતકોની પણ યોગ્ય વ્યવસ્થા કરે છે. ખાખી ગણવેશધારીએ સમાજ સેવકો જ છે.
ગુનાખોરી સામે કડક કાર્યવાહી કરનાર પોલીસકર્મીઓ હૃદયધર્મીઓ પણ હોય છે, તેવાં દૃષ્ટાંતો પણ જાણવા મળે છે. કેટલીક નિષ્ઠુર જનેતા પોતાના પાપને સંતાડવા માટે નવજાત બાળકને રસ્તા પર, ફૂટપાથ પર કે કચરાપેટીમાં મૂકી જાય છે. નિરાધાર માસૂમ બાળકોનો આધાર બનવા કેટલાંક પરોપકારીજનો, સંસ્થાઓ પ્રસિધ્ધિ કે અન્ય આશયથી નહીં, પણ માનવતાની ભાવના સાથે પુણ્ય કાર્ય કરે છે. આવા ત્યજી દેવાયેલાં કે નિરાધાર બાળકોના આશ્રય સચિનના સોલંકી દંપતીએ પચીસ વર્ષ પૂર્વે સ્વપ્રયત્ને પૂરો પાડ્યો. જ્યાં આજે તો એક છોકરો જી.પી.એસ.સી.ની પરીક્ષા આપી રહ્યો છે અને બાર જેટલાં નિરાધાર બાળકોનો આશરો ત્યાં છે.
ઉધનાના પોલીસ ઈન્સ્પેક્ટર એસ.એન.દેસાઈએ તે બાર બાળકોને માટે આજીવન દૂધનો ખર્ચ આપવાની જાહેરાત કરી છે. ઉપરાંત તે પૈકીની બે બાળકીઓ પ્રત્યે મમતા જાગતાં તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી છે. બાળકો માટેના આશ્રમ સમાન આ આશ્રયસ્થાન ઉષાબા નામની વૃધ્ધાએ પચીસ વર્ષ અગાઉ શરૂ કરેલું અને બાળકોની દેખરેખ અને ખર્ચ કાઢવા માટે પોતે દરેક પોલીસ સ્ટેશનમાં સમયાંતરે જઈ પી.આઈ. પાસે મદદ માંગતી હતી.
યોગાનુયોગ ઉધના પોલીસ સ્ટેશનમાં નવો ચાર્જ સંભાળનાર સહૃદયી પી.આઈ. પાસે પહોંચી જઈ યાચના કરી ત્યારે પોલીસ અધિકારી ભાવુક થઈ ગયા. ત્યાર બાદ તેઓ રૂબરૂ બાળકો પાસે પહોંચી ગયાં અને બે બાળકીઓને માટે કુદરતી લાગણી બંધાઈ જતાં બંને બાળકીઓને પોતાની બાળકીઓની જેમ સ્વીકારી તેમની સંપૂર્ણ જવાબદારી ઉપાડી લીધી. ખાખીની અંદર રહેલી આખી લાગણી છલકાઈ ઊઠી. સામાજિક અનિષ્ટોને કડક રીતે ડામનાર પોલીસકર્મીના આવા આદર્શ અભિગમે માનવતાપૂર્ણ કાયદો-વ્યવસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું.
સુરત – યૂસુફ એમ.ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.