Sports

સિરાજ-જાડેજાએ અશ્વિનની ખોટ વર્તાવા દીધી નહીં, ઈંગ્લેન્ડનો આટલા રનમાં જ વીંટો વાળી દીધો

રાજકોટ(Rajkot): ફેમિલી ઈમરજન્સીના લીધે અડધી મેચમાંથી બહાર થયેલા સ્ટાર સ્પીનર રવિચંદ્રન અશ્વિનની (RavichandranAshwin) ખોટ ભારતીય બોલરોએ વર્તાવા દીધી નહોતી. મેચના ત્રીજા દિવસે આજે તા. 17 ફેબ્રુઆરીએ લોકલ બોય રવિન્દ્ર જાડેજા (RavindraJadeja) અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે (Siraj) ઈંગ્લેન્ડના (England) બેટ્સમેનોને સેટ થવા દીધો નહતા. પહેલી ઈનિંગમાં ઈંગ્લેન્ડની આખી ટીમ 319 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં ચાલી રહી છે. આજે 17 ફેબ્રુઆરીએ મેચનો ત્રીજો દિવસ છે. આ મેચમાં ઈંગ્લેન્ડનો પ્રથમ દાવ 319 રનમાં સમેટાઈ ગયો હતો. આ પહેલા ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 445 રન બનાવ્યા હતા. ભારતને પ્રથમ દાવના આધારે 126 રનની મોટી લીડ મળી હતી.

ભારતીય બોલરોએ ત્રીજા દિવસે શાનદાર શરૂઆત કરી હતી અને વહેલી સવારે બે વિકેટ ઝડપી હતી. બીજા દિવસે આઉટ થનાર પ્રથમ બેટ્સમેન જો રૂટ (18) હતો, જે 223ના સ્કોર પર જસપ્રિત બુમરાહના બોલ પર સ્લિપમાં યશસ્વી જયસ્વાલના હાથે કેચ આઉટ થયો હતો. આ પછી સ્કોરમાં વધુ એક રન ઉમેરાયો અને જોની બેરસ્ટો (0) આઉટ થયો. કુલદીપ યાદવે જોનીને પોતાની સ્પિનમાં ફસાવીને LBW આઉટ કર્યો હતો. ઈંગ્લેન્ડની બે વિકેટ માત્ર 1 રનમાં જ પડી ગઈ હતી.

ત્રીજા દિવસે ભારતીય બોલરો પ્રથમ સિઝનમાં એકંદરે વર્ચસ્વ ધરાવતા જોવા મળ્યા હતા. કુલદીપે બેન ડકેટ (153)ની મેરેથોન ઇનિંગ્સનો 260ના સ્કોર પર અંત કર્યો હતો. ઇંગ્લેન્ડને પાંચમો ફટકો ડકેટના રૂપમાં લાગ્યો હતો. શુભમન ગીલે ડકેટનો કેચ લીધો હતો. લંચ પછી રવિન્દ્ર જાડેજાએ ભારતને મોટી સફળતા અપાવી હતી. જ્યારે બેન સ્ટોક્સ (41) મોટો શોટ મારવાના પ્રયાસમાં બુમરાહના હાથે કેચ આઉટ થયો હતો.

ત્યાર બાદ મોહમ્મદ સિરાજે બેન ફોક્સ (13)ને પણ પેવેલિયન મોકલ્યો હતો. પછી સિરાજે રેહાન અહેમદ (6)ને પણ બોલ્ડ કર્યો હતો, જ્યારે ટોમ હાર્ટલી (9) રવિન્દ્ર જાડેજાનો શિકાર બન્યો હતો. છેલ્લી વિકેટ જેમ્સ એન્ડરસન (1)ના રૂપમાં પડી જે સિરાજના હાથે બોલ્ડ થયો હતો. ભારત તરફથી મોહમ્મદ સિરાજે સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. જ્યારે કુલદીપ યાદવ અને રવિન્દ્ર જાડેજાને બે-બે વિકેટ મળી હતી. બુમરાહ અને અશ્વિને પણ એક-એક વિકેટ લીધી હતી.

બીજા દિવસે ઈંગ્લેન્ડે 207 રન બનાવ્યા હતા
આ મેચમાં બીજા દિવસની રમત (16 ફેબ્રુઆરી) ના અંત સુધીમાં ઇંગ્લેન્ડની ટીમે તેના પ્રથમ દાવમાં બે વિકેટે 207 રન બનાવ્યા હતા. બેન ડકેટ 133 અને જો રૂટ 9 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. પ્રથમ દાવના આધારે ઈંગ્લેન્ડ હજુ પણ ભારતીય ટીમથી 238 રન પાછળ છે. આ પહેલા ભારતીય ટીમનો પ્રથમ દાવ 445 રન પર જ સમેટાઈ ગયો હતો. બીજા દિવસે ટીમ ઈન્ડિયા માત્ર 119 રન જ ઉમેરી શકી હતી. પહેલા દિવસે ટીમ ઈન્ડિયાનો સ્કોર 326/5 હતો.

Most Popular

To Top