સુરત(Surat): શહેરના વિસ્તારમાં આજે તા. 15 ફેબ્રુઆરી 2024ની સવારે ચોંકાવનારી ઘટના બની હતી. અહીંના એક મકાનમાં ગેસ (Gas) સિલિન્ડરનું (Cylinder) રેગ્યુલેટર ચેન્જ (RegulatoChange) કરતી વખતે ગેસ લીકેજ (GasLeakage) થયું હતું. નજીકમાં જ મંદિરમાં (Temple) ભગવાનનો દીવો કર્યો હોય તે દીવાની આગને ગેસ સ્પર્શતા ઘરમાં આગ (Fire) ફાટી નીકળી હતી. આગજનીની આ ઘટનામાં માતા, પુત્ર અને પુત્રવધુ ગંભીર રીતે દાઝ્યા હતા. ઘટનામાં માતાનું મોત નિપજ્યું હોવાની માહિતી સાંપડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે વરાછાની અંકુર સોસાયટીમાં ગેસ લીકેજના લીધે આગ લાગવાની ઘટના બની છે. અંકુર સોસાયટીમાં ચલુડીયા પરિવાર રહે છે. પરિવારમાં 58 વર્ષીય માતા કમળાબેન કાંતિભાઈ ચલુડીયા તેમના પતિ, દીકરો અને પુત્રવધુ રહે છે.
આજે સવારે નિયત ક્રમ અનુસાર રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં કમળાબેન પુજા કરી રહ્યાં હતાં. ત્યારે ગેસ પુરો થઈ જવાના લીધે પુત્ર અંકિત નવો ગેસ સિલિન્ડર લાવ્યો હતો. દીકરો સિલિન્ડરમાં રેગ્યુલેટર બદલી રહ્યો હતો ત્યારે ગેસ લીકેજ થયો હતો. આ ગેસ રસોડાની બાજુમાં મંદિર સુધી પહોંચ્યો હતો. જ્યાં કમળાબેને દીવો પ્રગટાવ્યો હતો. આ દીવાની આગ સાથે ગેસ ભળતા આગ ભડકી ઉઠી હતી.
આ આગમાં સૌથી પહેલાં પુજાપાઠ કરી રહેલાં કમળાબેન સપડાયા હતા. દીવાની નજીક હોવાના લીધે તેઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. ગેસના બાટલાની નજીક હોવાથી પુત્ર અંકિત અને રસોડામાં ઉભેલી તેની પત્ની પણ દાઝ્યા હતા. આગ વધુ ફેલાઈ નહોતી, પરંતુ ત્રણેય ગંભીર રીતે દાઝી ગયા હતા. તેથી ત્રણેયને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં ટુંકી સારવાર દરમિયાન જ માતા કમળાબેનનું મોત નિપજ્યું હતું. જ્યારે પુત્ર અંકિત અને પુત્ર વધુને સામાન્ય દાઝ્યા હોવાથી તેમને સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી. કમળાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે. હાલ તો મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.