Dakshin Gujarat

ભારે આશ્ચર્ય!, તિલકવાડાના શિક્ષકની 9 મહિનાથી ભંગારમાં પડેલી કારનો ટોલ ટેક્સ કપાયો!

ભરૂચ: અકસ્માત બાદ કાર ભંગાર થઈ ગઈ હોય. તેના બધા સ્પેરપાર્ટ્સ છૂટા પડી ગયા હોય. 9 મહિનાથી તે કાર ભંગારમાં ખૂણે પડી હોય. તેનો માલિક પણ તે કારને ભૂલી ગયો હોય અને પછી એક દિવસ એવું બને કે તે કારનો ટોલ ટેક્સ કપાય તો તમે શું કહેશો? આવી જ ઘટના તિલકવાડાના એક શિક્ષક સાથે બની છે.

તિલકવાડાના શિક્ષકની કાર 11 મહિના પહેલા અકસ્માતમાં ટોટલ લોસ થયા બાદ માંડવા અને ગડોઈ ટોલ પ્લાઝા પર ત્રણ વખત ટોલ ટેક્સ કપાતા તેમને ભારે આશ્ચર્ય સર્જાયું હતું. પોતાની કાર અસ્તિત્વમાં નથી અને આશ્ચર્યજનક રીતે એ કારના નામે ટોલ ટેક્સ કપાઈ રહ્યો છે.

ટોલ પ્લાઝા હવે શંકાના દાયરામાં આવી રહ્યો છે. નર્મદા જિલ્લાના શહેરાવમાં રહેતા અને તિલકવાડા હાઈસ્કુલમાં શિક્ષક તરીકે 42 વર્ષીય દેવેન્દ્રસિંહ અંબાલીયા ફરજ બજાવે છે. ગત તા.12/3/2023ના રોજ પોતાની નેક્સોન કાર નં-GJ-22,H-5635ને ગોઝારો અકસ્માત થયો હતો. અકસ્માતમાં તેમની કાર ટોટલ લોસ થઈ ગઈ હતી.

ગાડી ટોટલ લોસ થયાને નવ મહિના બાદ તા-9/11/2023ના રોજ સવારે 8.10 વાગ્યાના અરસામાં દેવેન્દ્રસિંહ પર ટેક્સ મેસેજ આવ્યો કે ગડોઈ ટોલ પ્લાઝા પરથી તમારા (ટોટલ લોસવાળી કારના) વાહનના રૂ.115/- ફાસ્ટસ્ટેગથી કપાયાં છે. કુતુહલ ત્યારે થયું કે એ જ દિવસે બપોરે-3.11 વાગ્યે ગડોઈ ટોલ પ્લાઝા પરથી ફરીવાર રૂ.55/- કપાયાં. તેમની કાર અકસ્માતમાં ટોટલ લોસમાં (સ્ક્રેપમાં) જતી રહી છે. રોડ પર એ નંબરનું કોઈ વાહન ફરતું નથી ત્યારે ટોલ પ્લાઝામાં પૈસા કપાઈ એ આશ્રર્ય પમાડે છે.

જોગાનુંજોગ હાલમાં ગત તા-12/2/2024ના રોજ સાંજે 16.57 વાગ્યાના અરસામાં ફરીવાર આ જ કારના નામે માંડવા ટોલ પ્લાઝા પર રૂ.30/-રૂપિયા ટોલ ટેક્સ ફાસ્ટટેગ થકી કપાયાં છે. એ વખતે ફાસ્ટટેગ ટોલ ફ્રી નંબર પર એવી જાણ કરી કે આ કાર ટોટલ લોસ થયા બાદ તેનો ઉપયોગ થતો નથી ત્યારે પૈસા કઈ રીતે કપાઈ રહ્યા છે. જો કે ચેક કરવાની માત્ર વાત થાય છે. જેને લઈને આખરે પોતાની બેંકમાં એકાઉન્ટ પરથી ફાસ્ટટેગ કાઢી નાખવા માટે લેખિતમાં અરજી આપી છે.

ઉલ્લેખનીય એ છે કે ટોલ ટેક્સમાં ફાસ્ટટેગમાં અનેક ગાડીઓ પસાર ન થાય છતાં પણ પૈસા કપાતા એ ચોક્કસ લાગે છે કે સુનિયોજિત કૌભાંડ ચાલી રહ્યું છે. જેનાથી ખોટી રીતે વાહનચાલકોના પૈસા ગજવામાંથી ખંખેરાઈ રહ્યા છે.

Most Popular

To Top