સુરત: વિશ્વમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહેલી લેબગ્રોન ડાયમંડ (LabGrownDiamond) ઈન્ડસ્ટ્રી માટે એક માઠા સમાચાર ફ્રાન્સથી (France) આવ્યા છે. ફ્રાન્સ સરકારનાં (FranceGovernment) નાણાં મંત્રાલયે ખાણોમાંથી (Mines) નીકળતા નેચરલ ડાયમંડને (NaturalDiamond) પ્રમોટ કરવા લેબગ્રોન ડાયમંડને હીરા તરીકે માન્યતા આપવા ઇન્કાર કરી દીધો છે. તેનો અર્થ એ કે ફ્રાન્સમાં લેબગ્રોનને ડાયમંડ માનવામાં નહીં આવે.
- ‘લેબગ્રોન’ ડાયમંડને હીરા તરીકે માન્યતા આપવા ફ્રાન્સ સરકારનો સ્પષ્ટ ઈનકાર
- ખાણોમાંથી નીકળતા કુદરતી હીરાને જ હીરાની વ્યાખ્યામાં ગણશે, LGDનો સિન્થેટીક ગુડ્ઝ તરીકે ઉલ્લેખ કરાશે
એન્ટવર્પ – વર્લ્ડ ફેડરેશન ઓફ ડાયમંડ બોર્સિસ (WFDB) બિન- કુદરતી હીરા માટે સિન્થેટીક સિવાયની તમામ પરિભાષાઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાના નિર્ણય માટે ફ્રેન્ચ અર્થતંત્ર અને નાણાં મંત્રાલયની પ્રશંસા કરી છે. આ નિર્ણયનો અર્થ એ છે કે લેબમાં તૈયાર કરવામાં આવતા લેબગ્રોન ડાયમંડ માટે હીરા શબ્દનો ઉપયોગ ફ્રાન્સમાં કાયદેસર રહેશે નહીં.
WFDBના પ્રમુખ યોરામ દ્વાશે કહ્યું હતું કે, ફ્રાન્સની સરકાર કુદરતી હીરાનાં વેપારને વિશ્વસનીય માને છે. ખાણોમાંથી નીકળતા કુદરતી રફ હીરાને જ હીરાની વ્યાખ્યામાં ગણે છે. મેન મેડ પ્રોડકટને સિન્થેટિક આર્ટવર્ક કૃતિ ગણવામાં આવશે. WFDB વિશ્વભરમાં 27 મુખ્ય હીરાબજારોની છત્ર સંસ્થા છે. કુદરતી હીરા ઉધોગના વિકાસને ટેકો આપવા માટે વર્લ્ડ ફેડરેશન ઑફ ડાયમંડ બુર્સ 1947થી કાર્યરત છે.
ફ્રાન્સમાં લેબગ્રોન સિન્થેટીક તરીકે ઓળખાશે
WFDBએ કુદરતી હીરા ઉધોગના વિકાસને ટેકો આપવા માટે નેચરલ ડાયમંડ કાઉન્સિલ સાથે પણ ભાગીદારી કરી છે. તેમના માર્કેટિંગ અભિયાનની ડી- બીયર્સએ પણ પ્રશંસા કરી છે. ટૂંકમાં ફ્રાન્સમાં આવા હીરા માટે સત્તાવાર શબ્દ “સિન્થેટીક” (Synthetic) હશે, જેમ કે “લેબ-ગ્રોન” અથવા “કલ્ટિવેટેડ” જેવા અગાઉ વપરાતા શબ્દોનો ઉપયોગ વેપારમાં કરવા દેવામાં આવશે નહીં.
ફ્રાન્સની સરકાર દ્વારા બિન-કુદરતી હીરા માટે “સિન્થેટિક” શબ્દનો ઉપયોગ ફરજિયાત કરવાના નિર્ણયનો હેતુ બજારમાં સ્પષ્ટતા ઊભી કરવાનો છે. આ પગલું કુદરતી રચના સિવાયની પ્રક્રિયાઓ દ્વારા ઉત્પાદિત હીરા માટે પ્રમાણભૂત નામકરણ પૂરું પાડે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભારતથી લેબગ્રોન ડાયમંડની નિકાસ વધી રહી છે. 2022-23માં એક્સપોર્ટ આશરે $1.5 બિલિયન હોવાનો અંદાજ છે.